આર્થ્રાઇટિસ (સંધિવા)થી કેવી રીતે બચવું?

knee-pain

આર્થ્રાઇટિસ (સંધિવા) ભયંકર કે જીવલેણ રોગ તો નથી, પણ તે શરીરને એવું પાંગળું બનાવી દે છે કે દર્દીને શારીરિક અને માનસિક એમ બંને રીતે હેરાન-પરેશાન કરી નાખે એવો રોગ છે. વળી હઠીલો પણ એવો છે કે એક વાર લાગુ પડ્યો, તો પછી તે જિંદગીભર સાથ આપે છે! અર્થાત્ આર્થ્રાઇટિસ (સંધિવા) ક્યારેય સંપૂર્ણપણે મટતો નથી.

એક અનુભવી સિનીયર સિટિઝનને તો એવું કહેતાં પણ સાંભળ્યા હતા કે સંધિવા લાકડાંમાં જ જાય! એટલે કે મૃત્યુ પછી ચિતામાં જ તેનો નાશ થાય. 

પરંતુ પુરતી કાળજી અને યોગ્ય જીવનશૈલીથી આર્થ્રાઇટિસને થતો અટકાવી શકાય છે અને થઇ ગયા પછી તેને કાબુમાં પણ રાખી શકાય છે.

આજકાલ આર્થ્રાઇટિસના કિસ્સા બહુ વધી ગયા છે અને ઉતરોત્તર વધતા પણ જાય છે. વળી પહેલાં મોટેભાગે ઉંમરલાયક વ્યક્તિઓને જ થતો આ રોગ હવે તો ૩૫-૪૦ વર્ષના લોકો, ખાસ કરીને બહેનોને વધુ થતો જણાયો છે. એટલે આર્થ્રાઇટિસના વિષય પર એક આર્ટીકલ મૂકવાનું હું વિચારી રહ્યો હતો.

મિત્રો, મારી આ લેખમાળા ‘પહેલું સુખ તે…’ અંતર્ગત આમ તો હું મારા મૌલિક આર્ટીકલ્સ જ મૂકું છું. પરંતુ તાજેતરમાં આર્થ્રાઇટિસથી બચવા માટેના ઉપાયો વિષે એક આર્ટીકલ વાંચવામાં આવ્યો. ગુજરાતી મીડ ડે માટે  જીગીષાબેનનો લખેલો આ આર્ટીકલ મને ઉપયોગી જણાયો. એટલે ગુજરાતી મીડ ડે અને જીગીષાબેનના આભાર સાથે વાંચકોના લાભાર્થે અહીં મૂક્યો છે.

 

આર્થ્રાઇટિસનાં શરૂઆતનાં લક્ષણોને ઓળખતાં શીખો

લેખક:  જિગીષા જૈન

 

દરેક રોગની જેમ જ આર્થ્રાઇટિસનાં શરૂઆતી લક્ષણોને જો ઓળખી કાઢીએ તો એ રોગની તીવ્રતાથી બચી શકાય છે. ખાસ કરીને એનાં લક્ષણો ઓળખાઈ જાય તો એનો પ્રારંભિક ઇલાજ લાઇફ-સ્ટાઇલમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે. એમાં વજન ઉતારવું અને ફિઝિયોથેરપી વડે ઘૂંટણની આજુબાજુના સ્નાયુઓને મજબૂત બનાવવા મુખ્ય છે.

આર્થ્રાઇટિસને આપણે સાદી ભાષામાં સંધિવા કહીએ છીએ. આર્થ્રાઇટિસનો સરળ અર્થ સ્નાયુઓમાં આવતો સોજો કહી શકાય. આમ જોવા જઈએ તો આર્થ્રાઇટિસના લગભગ ૧૦૦ જેટલા પ્રકાર છે. શરીરના અલગ-અલગ સ્નાયુઓ પર અલગ-અલગ કારણોસર સોજો આવે અને એને લીધે દુખાવો થાય, એ સ્નાયુઓનું હલનચલન મુશ્કેલ બનતું જાય એ પરિસ્થિતિ એટલે જ સંધિવા કે આર્થ્રાઇટિસ.

આ રોગની સૌથી મહત્વની વાત એ છે કે એનો કોઈ કાયમી ઇલાજ નથી. એક વખત જ્યારે તમને આર્થ્રાઇટિસ થયો ત્યારે ઇલાજ દ્વારા એની ગંભીરતાને ઘટાડી શકાય છે, એનાં લક્ષણોને કાબૂમાં લઈ શકાય છે; પરંતુ જે સ્નાયુનો પ્રૉબ્લેમ છે એ કાયમી ધોરણે દૂર થઈ નથી શકતો.

આ રોગના દરદીને જિંદગીભર સતત દુખાવો સહન કરતા રહેવું પડે છે અને તેમની રોજિંદી કામગીરી પર એની ઘણી જ અસર પડે છે. બીજા રોગોની જેમ આ રોગમાં પણ જરૂરી છે કે આપણે એનાં ચિહ્નોને જલદી ઓળખી લઈએ. જો એનાં ચિહ્નોને જલદી ઓળખી શકીએ તો ચોક્કસપણે રોગની તીવ્રતાથી બચી શકાય છે.

આર્થ્રાઇટિસ કઈ રીતે થાય છે: 

આર્થ્રાઇટિસને સમજતાં પહેલાં એ સમજવું જરૂરી છે કે સાંધા કઈ રીતે કામ કરે છે.

બે હાડકાને જોડતો ભાગ એ સાંધો હોય છે. ઇલૅસ્ટિક બૅન્ડ જેવા લિગામેન્ટ્સ બે હાડકાંઓને પકડી રાખવાનું કામ કરે છે. જ્યારે લિગામેન્ટ્સ બન્ને હાડકાંને વ્યવસ્થિત પકડી રાખે છે ત્યારે એને જોડતા સ્નાયુ રિલૅક્સ રહે છે અને હલનચલન વ્યવસ્થિત કરી શકવાને લાયક રહે છે.

આ ઉપરાંત કાર્ટિલેજ હોય છે જે હાડકાની સપાટીનું ઢાંકણ બનીને કામ કરે છે, જેને કારણે બે હાડકાં એકબીજા સાથે ઘસાય નહીં. કાર્ટિલેજ ઘસાવાને કારણે, લિગામેન્ટ્સ ડૅમેજ થવાને કારણે, ઇન્ફેક્શન લાગવાને કારણે, શરીરમાં યુરિક ઍસિડ વધી જવાને કારણે કે બીજા કોઈ પણ કારણસર જો સ્નાયુમાં સોજો આવે અને સ્નાયુમાં દુખાવો થાય તો વ્યક્તિને આર્થ્રાઇટિસ થયો છે એમ કહેવાય.

આર્થ્રાઇટિસના પ્રકાર:

મુખ્યત્વે બે પ્રકારના આર્થ્રાઇટિસ વધુ જોવા મળે છે:

૧) રૂમૅટૉઇડ આર્થ્રાઇટિસ એક ઑટોઇમ્યુન ડિસીઝ છે એટલે કે ઇમ્યુનિટી કોઈ રીતે રીઍક્શન આપે ત્યારે આ રોગ થાય છે. આ રોગ નાની ઉંમરે વધુ જોવા મળે છે, જેના બચાવ માટે આપણે ખાસ કંઈ કરી શકીએ નહીં કારણ કે એ થવાનું કારણ જ જુદું છે.

૨) બીજો પ્રકાર છે ઑસ્ટિયોઆર્થ્રાઇટિસ. આર્થ્રાઇટિસ વિશે મોટા ભાગના લોકો એવું માનતા હોય છે કે આ રોગ વધતી ઉંમરે એટલે કે ૪૦-૫૦ વર્ષ પછી જ આવે છે. આ માન્યતા પાછળ એક મહત્વનું કારણ એ છે કે મોટી ઉંમરે થતો આર્થ્રાઇટિસનો એક પ્રકાર ઑસ્ટિયોઆર્થ્રાઇટિસ છે, જે આ રોગના બધા જ પ્રકારોમાં સૌથી વધુ જોવા મળે છે.

ઑસ્ટિયોઆર્થ્રાઇટિસ:

ભારતમાં ૪૫ વર્ષથી ઉપરના લોકોમાં લગભગ પચાસ ટકા લોકોમાં આ રોગ જોવા મળે છે, જ્યારે ૬૦ વર્ષથી ઉપરના લોકોમાં ૮૦ ટકા લોકોમાં અને ૮૦ વર્ષથી ઉપરના બધા જ એટલે કે ૧૦૦ ટકા લોકોમાં ઑસ્ટિયોઆર્થ્રાઇટિસ જોવા મળે છે. મોટી ઉંમરે શરીર ઘસાઈ જાય છે. એને કારણે આ રોગ થાય છે. આ પ્રકારનો આર્થ્રાઇટિસ પગના ઘૂંટણ પર સૌથી વધુ અસર કરે છે. ભારતમાં જે વૃદ્ધ લોકોને ઑસ્ટિયોઆર્થ્રાઇટિસ થાય છે એવા ૧૦માંથી ૯ લોકોને ઘૂંટણની તકલીફ જોવા મળે છે.

અસર કોને વધુ?

જે લોકોને ઑસ્ટિઓઆર્થ્રાઇટિસ થાય છે એ લોકો માટે મેડિકલ સાયન્સ પાસે ઇલાજ અને સર્જરી બન્ને ઉપાય છે, પરંતુ એ બધા થકી પણ આ રોગને સંપૂર્ણ રીતે દૂર કરી શકાતો નથી.

આ બાબતે સમજાવતાં વૉકહાર્ટ હૉસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલના ઑર્થોપેડિક સજ્ર્યન ડૉ. મુદિત ખન્ના કહે છે, ‘આ ઉંમર સાથે લાગતો ઘસારો છે, જેને કોઈ દવાથી ઠીક ન કરી શકાય. પરંતુ મહત્વનો પ્રશ્ન એ છે કે કોને એની અસર વધુ જલદી થાય છે અથવા કોને આ તકલીફ અસહ્ય રીતે હેરાન કરે છે?

આ તકલીફ મોટા ભાગે ઓબીસ (જાડા) લોકોને થાય છે. જ્યારે શરીરનું વજન ખૂબ વધારે હોય ત્યારે હાડકાં અને સ્નાયુ પર ઘસારો વધારે જ લાગવાનો છે. આખી જિંદગી જે લોકો તંદુરસ્ત રહ્યા હોય, વજન સાચવી રાખ્યું હોય અને એક્સરસાઇઝ કરી હોય તેમને ખૂબ પાછળની ઉંમરે આર્થ્રાઇટિસની અસર દેખાય છે. આ એક ખૂબ મહત્વની વાત છે જેને નોંધવી જરૂરી છે.’

આ રોગથી બચવા શું કરવું?

આ રોગથી બચવા માટે અથવા કહી શકાય કે આ રોગને વધુ ને વધુ પાછળની ઉંમર તરફ ધકેલવા માટે વજન નિયંત્રિત રાખો અને દરરોજ એક કલાક એક્સરસાઇઝ કરો.

પરંતુ જ્યારે તમે ઑલરેડી ૪૦-૫૦ વર્ષના છો જ અને તમને શરૂઆતી લક્ષણો ચાલુ થઈ ગયાં છે ત્યારે શું કરશો એ વાત સમજાવતાં ડૉ. મુદિત ખન્ના કહે છે, ‘તમને જો શરૂઆતી લક્ષણો સામે આવ્યાં હોય તો ગંભીર બનો અને એક્સરસાઇઝ અને ડાયટ વડે ચોક્કસપણે વજન ઉતારવાની કોશિશ કરો. આ સિવાય એક્સરસાઇઝ વડે પગના સ્નાયુઓને મજબૂત કરવાની કોશિશ કરો. પગનાં ઘૂંટણની આસપાસની જે પણ સ્નાયુઓ છે, જેમ કે સાથળ, સાથળની પાછળનો ભાગ, ઘૂંટણની નીચેના પગની પાછળના સ્નાયુઓ વગેરે સશક્ત બનાવવાની કસરતો જરૂરી છે. જો તમારાં શરૂઆતી લક્ષણોમાં કસરત કરવાથી દુખાવો થતો હોય તો ફિઝિયોથેરપી લો અને નિષ્ણાત પાસે આ પ્રકારની એક્સરસાઇઝ ચાલુ કરો.’

પછી આના ઉપાય નહીં થાય:

ઘણા લોકો શરૂઆતી લક્ષણોને સમજતા નથી કે અવગણે છે અને પછી જ્યારે તકલીફ ખૂબ વધી જાય પછી ડૉક્ટર પાસે જાય છે.

આ બાબતે ચેતવતાં ડૉ. મુદિત ખન્ના કહે છે, ‘આર્થ્રાઇટિસ થયા પછી વજન ઉતારવું ખૂબ જ અઘરું છે, કારણ કે એટલો દુખાવો થતો હોય એ દુખાવા સાથે એક્સરસાઇઝ ન કરી શકાય અને એક્સરસાઇઝ ન કરો અને બેઠાડુ જીવન જીવો એટલે વજન તો વધવાનું જ છે. વજન વધશે એટલે આર્થ્રાઇટિસની તકલીફો પણ વધશે. આમ આ બાબતને વધવા ન દો. શરૂઆતી લક્ષણો ખબર પડે કે તરત જ વજન ઉતારવાનું અને ફિઝિયોથેરપી લેવાનું ચાલુ કરી દો.’

કેવી રીતે ઓળખશો શરૂઆતનાં લક્ષણો?

૧. જ્યારે તમે જમવા માટે કે કોઈ બીજાં કારણોસર ખુરશી પર અડધા કલાકથી ૪૫ મિનિટ સુધી બેસો છો અને પછી ઊઠો ત્યારે તમારે લંગડાતા ચાલવું પડે, બેચાર મિનિટ એ રીતે ચાલ્યા પછી આપોઆપ તમે નૉર્મલી ચાલવા લાગો અને તમને એમ થાય કે કશું નથી. પરંતુ એ કશું નથી એમ સમજવાની ભૂલ ન કરો.

૨. સામાન્ય રીતે તમે તમારા બિલ્ડિંગની સીડી ચડી જતા હો, પરંતુ કોઈ નવી જગ્યાએ જાઓ અને એનાં પગથિયાં થોડાં ઊંચાં હોય તો ચડવામાં તકલીફ પડે. તમારે સાથળ ઉપર હાથ મૂકીને ચડવું પડે એવી પરિસ્થિતિ સર્જા‍ય. ત્યારે સીડી ઊંચી હતી એવાં બહાનાં ન શોધો. સમજો કે તકલીફ શરૂ થઈ છે.

૩. જમીન પર બેસો ત્યારે ઊભા થવામાં જો ટેકો લેવો પડે અને જાતે ઊભા ન થઈ શકો તો સમજો કે તકલીફ શરૂ થઈ ગઈ છે.

આ ચિહ્નો એકદમ શરૂઆતી લક્ષણોમાં ખાસ છે. જો તમને આ ચિહ્નો શરૂ થઈ ગયાં હોય તો જરૂરી છે કે તમારે તમારી લાઇફ-સ્ટાઇલ બદલવાની તાતી જરૂર છે. એ પરિસ્થિતિને વૉર્નિંગ સમજો અને તમારી હેલ્થ માટે ગંભીર બનો.

US નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન મુજબ જો વ્યક્તિને રોજિંદા જીવનમાં હલનચલનમાં કોઈ પ્રૉબ્લેમ હોય, દુખાવો રહેતો હોય અને શરીર ખૂબ અકળાઈ જતું હોય તો તેને આર્થ્રાઇટિસ હોવાની અથવા ભવિષ્યમાં થવાની શક્યતા ખૂબ વધી જાય છે.

 

આ પેજને વોટ્સ એપ, ફેસબુક, ટ્વીટર, ગુગલ+ અને અન્ય સોશિયલ મિડિયા ઉપર શેર કરવા વિનંતી છે.  

આપનો ફીડબેક આપશો તો મઝા આવશે.

અવારનવાર અહીં મળતા રહેજો.

મુલાકાત બદલ આભાર,

તમારા સુંદર સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ સાથે, 

-સુરેશ ત્રિવેદી  

Advertisements

One thought on “આર્થ્રાઇટિસ (સંધિવા)થી કેવી રીતે બચવું?

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s