મગજ કસો -ભાગ ૨

puzzles

મિત્રો,

“મગજ કસો”ની અગાઉની પોષ્ટની અસાધારણ સફળતાથી પ્રેરાઈને રજૂ કરું છું, “મગજ કસો –ભાગ ૨”.

તો હવે માણો અગાઉના જેવા જ રસપ્રદ અને મગજનું દહીં કરે તેવા મસ્ત મજાના કોયડા.

આ કોયડાઓ અંગે તમારો પ્રતિભાવ “મારો અભિપ્રાય” કોલમમાં જણાવશો, તો આનંદ થશે અને તો વધુ કોયડા  પણ રજૂ કરીશ.

કોઈ કોયડામાં કંઇ મુંઝવણ હોય તો પણ અહીં જણાવવા વિનંતી છે.

મિત્રો, અગાઉના દરેક કોયડાના જવાબો અલગ અલગ પોષ્ટમાં મૂકેલ હતા. પરંતુ હવે તમારી સગવડ અને સરળતા માટે નીચેના બધાજ કોયડાઓના જવાબ એક જ પોષ્ટમાં એકસાથે મૂકેલ છે. તો મારી આપ સર્વેને વિનંતી છે કે જવાબ જોતી વખતે તમે જે કોયડો ઉકેલ્યો હોય, તેનો જ જવાબ જોશો. બીજા કોઈ કોયડાનો જવાબ અગાઉથી જોઈ લેશો તો તમને કોયડો ઉકેલવાની મજા નહીં આવે.


કોયડો નં. ૧

શરૂઆત કરીએ એક સાવ ચવાઈ ગયેલ હોય એટલા જાણીતા અને સહેલાસટ કોયડાથી.

લાલુપ્રસાદને વાઘ, બકરી અને ઘાસનો પૂળો નદીને સામે કિનારે લઇ જવા છે. પરંતુ હોડીમાં પોતાની સાથે ફક્ત એક જ વસ્તુ લઇ જવાય છે. હવે વાઘને પોતાની સાથે બીજા કિનારે લઇ જાય તો અગાઉના કિનારે બકરી ઘાસ ખાઈ જાય અને જો ઘાસનો પૂળો પોતાની સાથે લઇ જાય તો અગાઉના કિનારે વાઘ બકરીને ખાઈ જાય. તો હવે તમે લાલુપ્રસાદને આ ત્રણેય વસ્તુ સહીસલામત સામે કિનારે લઇ જવાનો રસ્તો બતાવો.

સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.

કોયડો નં. ૨

આ કોયડો પણ સાવ સહેલોસટ છે.

અમિતાભ પોતાના છ વર્ષના પુત્ર અભિષેક સાથે બાઈક પર ફરવા જતાં હતા. રસ્તામાં એકસીડન્ટ થયો અને અભિષેકને પગમાં ફ્રેકચર થયું. અમિતાભ તરત અભિષેકને હોસ્પિટલમાં લઇ ગયા. હોસ્પિટલમાં ડોકટરે અભિષેકને જોઇને કહ્યું કે હું ઓપરેશન નહીં કરું, કારણકે આ બાળક મારો પુત્ર છે. તો આ કઈ રીતે શક્ય બને?

સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.

કોયડો નં. ૩

હવે આ કોયડો સહેલો છે કે અઘરો તે તમે જ નક્કી કરો.

છ વરુ છ મીનીટમાં છ ઘેટાં પકડે છે. તો ૬૦ મીનીટમાં ૬૦ ઘેટાં પકડવા માટે કેટલાં વરુની જરૂર પડે?

સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.


કોયડો નં. ૪

ચાલો હવે થોડી માથાકૂટ અને કાગળ પેન લઈને ગણતરી કરવી પડે એવો કોયડો જોઈએ.

એક બગીચામાં બાળમિત્રોનાં બે જૂથ (ગ્રુપ) રમતાં હતાં. પહેલા જૂથે બીજા જૂથને કહ્યું કે તમારામાંથી એક બાળક અમારા જૂથમાં આવે તો અમારી સંખ્યા તમારા કરતાં બમણી થઇ જાય. જવાબમાં બીજા જૂથે કહ્યું કે જો તમારામાંથી એક બાળક અમારા જૂથમાં આવે તો આપણા બંને જૂથની સંખ્યા સરખી થઇ જાય. તો હવે તમે કહો કે આ બંને જૂથમાં કેટકેટલાં બાળકો હશે?

સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.


કોયડો નં.  

હવે થોડા લોજીક કે કલ્પનાશક્તિથી વિચારવું પડે તેવો એક કોયડો જોઈએ.

લાકડાનો એક ઘનચોરસ (ક્યુબ) છે, જેનું માપ ૪’ × ૪’ × ૪’ છે. આ ઘનચોરસની બહારની બધી જ એટલે કે છ બાજુ (સાઈડ)ને લાલ રંગથી રંગેલ છે. હવે આ ઘનચોરસને ૧’ × ૧’ × ૧’ માપના એક સરખા ઘનચોરસ ટુકડામાં કાપવામાં આવે છે. સ્વાભાવિકપણે આ માપના ૬૪ ટુકડા મળશે. હવે તમે ગણતરી કરીને કહો કે આ ૬૪ ટુકડામાં કેટકેટલા ટુકડામાં કેટલી સાઈડમાં લાલ રંગ હશે?

સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.


કોયડો નં. ૬

હવે ખરેખર અઘરો હોય તેવો એક કોયડો જોઈએ.

એકવાર બીરબલ દુશ્મન રાજાને હાથે પકડાઈ ગયો. બીરબલની હાજરજવાબી વિદ્વતા વિષે જાણતા તે રાજાએ કેદી બીરબલને સજાનો હુકમ સંભળાવ્યો: “તું કોઈ પણ એક વાક્ય બોલ. જો તે સાચું હશે તો હું તને કુવામાં ડૂબાડીને મારી નાખીશ અને જો તે વાક્ય ખોટું હશે તો હું તને આગમાં બાળીને મારી નાખીશ.”

આના જવાબમાં ચતુર બીરબલ એવું વાક્ય બોલ્યો કે રાજાએ બીરબલને સજા કર્યા વગર છોડી મૂકવો પડ્યો. તો હવે તમે કહો કે બીરબલ એવું તે શું બોલ્યો હશે?

સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.


કોયડો નં. ૭

હવે એક કોયડો અંકગણિત –Arithmatic નો લઈએ.

એક પ્રોફેસર કરિયાણાની દુકાનમાં ગયા અને રૂ. ૭૦ ના સાબુ ખરીદ્યા. હવે તેમના પાકીટમાં ફક્ત ૫૦ અને ૧૦૦ રૂપિયાની નોટો જ હતી. પરંતુ ધૂની પ્રોફેસરે રૂ. ૫૦ ની બે નોટ આપવાને બદલે ભૂલથી રૂ. ૧૦૦ ની બે નોટ આપી. સામે દુકાનદાર પણ એવો જ ધૂની હતો. તેણે રૂ. ૧૦ ની ત્રણ નોટ પછી આપવાને બદલે ભૂલથી રૂ. ૫૦ ની ત્રણ નોટ આપી. તો આ વ્યવહારમાં કોણ અને કેટલી ખોટમાં ગયું?

સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.


કોયડો નં. ૮

એક કોયડો ભૂમિતિ –Geometry ને લગતો પણ લઈએ.

એક સુથારને ૧૨’ × ૨’ માપના લંબચોરસ પાટિયા પર લેમિનેટ (ફોરમાઈકા) લગાડવાનું છે. હવે તેની પાસે લેમિનેટનું લંબચોરસ શીટ છે, જેનું માપ ૮’ × ૩’ છે.  આમ કુલ ૨૪ ચો. ફૂટ પાટિયા માટે ૨૪ ચો. ફૂટ લેમિનેટ શીટ છે, પરંતુ માપ અલગ હોવાથી લેમિનેટને ટુકડા કરીને લગાડવું જરૂરી છે, પરંતુ આ સુથારને લેમિનેટના ફક્ત બે જ ટુકડા કરવા છે અને તે પણ બંને એકસરખા આકાર અને એકસરખા માપના. તો તમે આ લેમિનેટના બે તદ્દન એકસરખા ટુકડા કરી આપો, જેથી સંપૂર્ણ પાટિયા પર લેમિનેટ લગાવી શકાય.

સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.


કોયડો નં. ૯

છેલ્લે બીજગણિત –Algebra ને પણ શું કરવા બાકી રાખીએ?

આજથી લગભગ ૧૭૦૦ વર્ષ પહેલાં એલેક્ઝાન્ડ્રીયામાં ડાયોફેન્ટસ નામનો મશહૂર ગણિતશાસ્ત્રી થઇ ગયો, જે “બીજગણિતનો પિતા” કહેવાય છે. આ મહાન ડાયોફેન્ટસની કબર ઉપર તેના જીવનનું વર્ણન આ રીતે કરેલું છે:

અહીં ડાયોફેન્ટસ સુતો છે. ભગવાને તેને જિંદગીના છઠ્ઠા ભાગનું બાળપણ આપ્યું અને તે પછી બારમા ભાગની જીંદગી થઇ ત્યારે તેને ગાલ પર પ્રથમ વાર દાઢી આપી. ભગવાને તેને સાતમા ભાગની જીંદગી પછી લગ્નનું સુખ આપ્યું અને પાંચ વર્ષ પછી પુત્ર પણ આપ્યો. પરંતુ બિચારો પુત્ર પિતા કરતાં અડધું જ જીવીને ભગવાન પાસે પાછો જતો રહ્યો. દુખીયારો ડાયોફેન્ટસ પણ પુત્રને ચાર વર્ષ યાદ કરીને આ દુનિયા છોડી ગયો.”

હવે આ જીવનકથા પરથી ડાયોફેન્ટસનું આયુષ્ય કેટલા વર્ષનું હતું તે ગણી બતાવો.

સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.


કોયડો નં. ૧૦

હવે ખરેખર અઘરો હોય અને તમારી વિચારશક્તિ અને કલ્પનાશક્તિનો બરાબર નીચોડ કાઢે, તેવો એક કોયડો જોઈએ.

સાઉદી એરેબીયાના કિંગ ફઝલ પોતાની ગાડીઓના રસાલા સાથે સહરાના રણની મુલાકાતે ગયા. ત્યાં પેટ્રોલપંપની વ્યવસ્થા ફક્ત શહેર A અને શહેર B માં જ છે. હવે આ કિંગની દરેક ગાડીની ૮૦ લીટર ક્ષમતાની પેટ્રોલની ટાંકી પૂરેપૂરી ભરીએ, તો પણ A શહેરથી B શહેર જવામાં ફક્ત અડધા અંતર સુધી જ પહોંચી શકાય છે. વળી ત્યાંના નિયમ મુજબ પેટ્રોલ ફક્ત ગાડીમાં જ ભરી શકાય છે, પરંતુ કેરબામાં કે અન્ય કોઈ સાધનમાં ભરી શકાતું નથી. તો કિંગ ફઝલ શહેર A થી શહેર B સુધી ઓછામાં ઓછી કેટલી ગાડી લઈને કેવી રીતે પહોંચશે અને ઓછામાં ઓછું કેટલું પેટ્રોલ વપરાશે?

સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.


કોયડો નં. ૧૧

ઉપરના અઘરા કોયડાને વધુ અઘરો બનાવવાનો પ્રયત્ન પણ કરી લઈએ.

કિંગ ફઝલને સહરાનું રણ એટલું બધું પસંદ પડી ગયું હતું કે તેઓ બીજા વર્ષે ફરી તેની મુલાકાતે આવ્યા. પરંતુ આ વખતે તેમણે શહેર A થી શરુ કરી વર્તુળાકાર માર્ગમાં રણમાં ફરીને શહેર A પરત આવવાનું નક્કી કર્યું, કારણકે શહેર B નો પેટ્રોલપંપ બંધ થઇ ગયો હતો. અગાઉના કોયડા મુજબ જ કિંગ ફઝલની દરેક ગાડીની ૮૦ લીટર ક્ષમતાની પેટ્રોલની ટાંકી પૂરેપૂરી ભરીએ, તો પણ આ વર્તુળાકાર માર્ગનું ફક્ત અડધું અંતર જ કાપી શકાય છે.

ગયા વર્ષે કિંગ ફઝલે પોતાની ત્રણ ગાડીઓ રણમાં છોડી દીધેલ, તેથી પર્યાવરણને સંભવતઃ નુકશાન માટે કિંગ ફઝલની ટીકા થયેલ. એટલા માટે આ વખતે પોતાની બધી જ ગાડીઓ શહેર A સહીસલામત પાછી આવી જાય તેવી વ્યવસ્થા કિંગ ફઝલે ગોઠવી છે. તો કિંગ ફઝલ શહેર A થી વર્તુળાકાર માર્ગમાં ફરીને શહેર A સુધી ઓછામાં ઓછી કેટલી ગાડી લઈને કેવી રીતે પહોંચશે અને ઓછામાં ઓછું કેટલું પેટ્રોલ વપરાશે તે તમે ગણી બતાવો.

સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.


કોયડો નં. ૧૨

તમારી પાસે બે એકસરખી મીણબતીઓ છે, જે ૧ કલાક ચાલે છે. હવે આ મીણબતીઓની મદદથી ૪૫ મીનીટનો સમય કઈ રીતે માપી શકાય?

સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.


કોયડો નં. ૧૩

૪’ × ૪’ × ૪’ માપના ઘનચોરસ (Cube) માંથી ૧’ × ૧’ × ૧’ માપના ઘનચોરસ ટુકડા કરવા હોય તો ઓછામાં ઓછા કેટલા કાપ મુકવા પડે?

સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.


કોયડો નં. ૧૪

કિશન, રાધા અને તેમનો ડોગી ટોમી સવારે ચાલવા નીકળ્યા છે. કિશન કલાકના ૫ કિમી ની ઝડપે ચાલે છે, રાધા કલાકના ૪ કિમી ની ઝડપે ચાલે છે અને ટોમી કલાકના ૧૦ કિમી ની ઝડપે ચાલે છે. હવે ટોમી સતત રાધા પાસેથી કિશન તરફ અને કિશન પાસેથી રાધા તરફ દોડ્યા કરતું હોય, તો તે એક કલાકમાં કેટલું અંતર કાપશે ?

સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.


કોયડો નં. ૧૫

બે એકસરખા ગ્લાસમાં એકસરખા લેવલ સુધી એકમાં દૂધ અને બીજામાં પાણી ભરેલ છે. હવે દુધના ગ્લાસમાંથી એક ચમચી ભરીને પાણીના ગ્લાસમાં નાખવામાં આવે છે અને પછી તેને બરાબર હલાવીને એક ચમચી ભરીને દૂધના ગ્લાસમાં નાખવામાં આવે છે. તો હવે ક્યા ગ્લાસમાં બીજા પ્રવાહીનું પ્રમાણ ઓછું હશે?

સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.


કોયડો નં. ૧૬

દેવઆનંદ ચેઈનસ્મોકર છે, પરંતુ હાલમાં તે કડકી ચાલતી હોવાથી દરરોજની એક જ સિગારેટ પીવે છે. વળી સિગારેટ પીધા પછી તેનું ઠુંઠું પણ મૂકી રાખે છે, કારણકે આવાં પાંચ ઠુંઠામાંથી પણ એક સિગારેટ બનાવીને એક દિવસ કાઢી નાખે છે. હવે દેવઆનંદ પાસે ૫૦ સિગારેટ અને ૪૦ ઠૂંઠાં છે, તો તે કેટલા દિવસ ચાલશે?

સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.


કોયડો નં. ૧૭

હવે ચાર કોયડા એવા જોઈએ, જે પહેલી નજરે બધા એકસરખા જ જણાય છે, પરંતુ દરેકનો ઉકેલ જુદા જુદા સિદ્ધાંતો મુજબ અલગ અલગ આવે છે. આવો પહેલો કોયડો આ મુજબ છે:

૧ કિગ્રા થી ૧૪ કિગ્રા સુધીના દરેક કિગ્રાનું વજન માપવા માટે ઓછામાં ઓછાં કેટલાં અને ક્યા ક્યા વજનનાં કાટલાં (બાટ) જોઈએ?

સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.


કોયડો નં. ૧૮

હવે બાકીના ત્રણ કોયડા ઉકેલતાં પહેલાં એક હિન્ટ આપી દઉં: આ ત્રણેય કોયડામાં કાટલાંની સંખ્યા એકસરખી છે.

૧ કિગ્રા થી ૧૫ કિગ્રા સુધીના દરેક કિગ્રાનું વજન માપવા માટે ઓછામાં ઓછાં કેટલાં અને ક્યા ક્યા વજનનાં કાટલાં (બાટ) જોઈએ?

સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.


કોયડો નં. ૧૯

૧ કિગ્રા થી ૪૦ કિગ્રા સુધીના દરેક કિગ્રાનું વજન માપવા માટે ઓછામાં ઓછાં કેટલાં અને ક્યા ક્યા વજનનાં કાટલાં (બાટ) જોઈએ?

સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.


કોયડો નં. ૨૦

૧ કિગ્રા થી ૮૦ કિગ્રા સુધીના દરેક કિગ્રાનું વજન માપવા માટે ઓછામાં ઓછાં કેટલાં અને ક્યા ક્યા વજનનાં કાટલાં (બાટ) જોઈએ?

સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.


 

હવે છેલ્લે મને જણાવો કે તમારા કેટલા જવાબ સાચા પડ્યા અને આ કોયડા તમને કેવા લાગ્યા… 

આવા જ મસ્ત મજાના વધુ કોયડાના વિભાગ “મગજ કસો ભાગ ૩” પર જવા અહીં ક્લિક કરો.   

જો તમને આ બધા કોયડા ગમ્યા હોય, તો અહીં લાઇક કરીને તેમજ તમારો પ્રતિભાવ નીચે “મારો અભિપ્રાય” કોલમમાં જણાવીને વ્યક્ત કરશો તો વધુ કોયડા પણ રજૂ કરીશ.

આ પેજ વિષે આપનો અભિપ્રાય અને સલાહ-સૂચન નીચે આપેલ “મારો અભિપ્રાય” કોલમમાં આપવા વિનંતી છે.

જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો તમારું ઇમેલ આઈડી અહીં રજીસ્ટર કરીને આ બ્લોગના ચાહક બનવા વિનંતી છે. જેથી કરીને આ બ્લોગ પર જયારે જયારે નવી પોસ્ટ મુકાય ત્યારે આપને ઈમેલ દ્વારા જાણ થાય તેવી સુવિધા મળશે.  

મિત્રો, જો શક્ય હોય તો, આ બ્લોગનાં જે પેજ તમે વાંચો તેના પરનો તમારો અભિપ્રાય અને સલાહ-સૂચન દરેક પેજની નીચે આપેલ “મારો અભિપ્રાય”ના કોલમમાં આપવા વિનંતી છે. આપને જે પેજ પસંદ આવે, તે પેજને નીચેના ભાગમાં આપેલ લાઇક (like)ના બટન પર ક્લિક કરવા વિનંતી છે.

દરેક પેજની આપની પસંદ અથવા નાપસંદ નીચે આપેલ “અહીં મૂલ્યાંકન કરો” કોલમમાં દર્શાવવા વિનંતી છે.

જે પેજ તમને પસંદ પડે તેને ફેસબુક, ટ્વીટર, ગુગલ+ અને અન્ય સોશિયલ મિડિયા ઉપર શેર કરવા વિનંતી છે.

મુલાકાત બદલ આભાર,

આપના સુંદર સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ સાથે, 

-સુરેશ ત્રિવેદી 

Advertisements

4 thoughts on “મગજ કસો -ભાગ ૨

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s