(૭) સામવેદ

sam5

સંસ્કૃતમાં સામ એટલે ગેય, ગાઈ શકાય તેવું, ગાન, ગાયન, ગીત. મંત્રોના સ્વરૂપની દ્રષ્ટિએ સામવેદના મંત્રો “ગેય” એટલેકે ગાઈ શકાય તેવા સ્વરૂપે છે, એટલા માટે આ વેદ સામવેદ તરીકે ઓળખાય છે.

સંસ્કૃત શબ્દાર્થ મુજબ सा એટલે ઋક અર્થાત્ ઋચા અને अम: એટલે ગાન. આમ ઋચાઓ અને ગાન મળીને સામ બને છે, એટલે કે ઋચાઓ સ્વરબદ્ધ થઈને સામવેદનો મંત્રભાગ (સંહિતા) બનેલ છે.

सा અને अम: ની એક સુંદર કાવ્યમય અભિવ્યક્તિ અથર્વવેદમાં રજૂ થઇ છે. પતિ પોતાની પત્નીને સંબોધન કરીને કહે છે: “હું આલાપ છું, તું રાગિણી છે; હું સામ છું, તું ઋચા છે; હું દ્યો (આકાશ) છું, તું પૃથ્વી છે; આવ, આપણે બંને એક બનીને ઉત્તમ પ્રજાનું નિર્માણ કરીએ.” (અ. વે. ૧૪-૨-૭૧)

“સામ”ના બીજા કેટલાક અર્થ પણ છે. षो ધાતુને मनिन પ્રત્યય લગાડવાથી साम શબ્દ બને છે, જે મુજબ તેનો અર્થ પાપનો નાશ કરનાર થાય છે. જૈમિનીય ઉપનિષદમાં “આ સામ સમગ્ર લોકમાં સમાન છે, માટે તેને સામ કહે છે” એવી નવતર વ્યાખ્યા આપેલ છે. છાન્દોગ્યોપ્નીષદ મુજબ હંમેશાં સમ એટલે સમાન હોવાથી તેને સામ કહેવામાં આવે છે. સામનો એક અર્થ પ્રિય અથવા પ્રીતિકર વચન થાય છે, એટલે ગાનથી વધુ પ્રિય લાગતી ઋચાઓને સામ કહેવાય છે. 

સામવેદ “ધર્મ અને ઉપાસના”નો ગ્રંથ છે. ધર્મ માટે ભક્તિ એટલેકે ઉપાસના હોવી જરૂરી છે. જયારે અર્થ અને કામ બન્નેને સાધી લેવામાં સફળતા મળે છે, ત્યારે ધર્મમાં પ્રવેશ થઇ જાય છે અને તે પછી જીવનમાં ભક્તિ આવે છે. ભક્તિ અને જ્ઞાન પ્રકાશના પ્રતિક છે, માટે સૂર્યને સામવેદના દેવતા માનવામાં આવે છે.

સામવેદના મંત્રોના ગાનને સામગાન કહે છે. સામગાનમાંથી ભારતીય સંગીતનો જન્મ થયો છે.  યજ્ઞ દરમ્યાન સામવેદનો પાઠ કરનાર એટલે કે સામગાન કરનાર બ્રાહ્મણને ઉદ્દગાતા કહેવામાં આવે છે.

૧) સામવેદનું સ્વરૂપ:

 સામવેદના મંત્રોના સમૂહને ખંડ કહેવામાં આવે છે અને ખંડના સમૂહને અધ્યાય કહે છે. આવા ઘણા અધ્યાય મળીને પ્રપાઠક બને છે. શાખાકીય ભેદ મુજબ અન્ય શાખાની સંહિતામાં સામવેદમાં મંત્ર, દશતિ (દશ મંત્રનો સમૂહ) અથવા સૂક્ત, અર્ધપ્રપાઠક અને પ્રપાઠક એવા વિભાગ છે.     

સામવેદના બે મુખ્ય ભાગ છે: આર્ચિક અને ગાન.

આર્ચિકનો શાબ્દિક અર્થ છે ઋક સમૂહ એટલે કે મંત્રોનો સમૂહ. આર્ચિકના પણ બે ભાગ છે: પૂર્વાર્ચિક અને ઉત્તરાર્ચિક.  

પૂર્વાર્ચિકમાં ૬ પ્રપાઠક, ૬૫ ખંડ અને ૬૫૦ મંત્રો છે. જયારે ઉત્તરાર્ચિકમાં ૯ પ્રપાઠક, ૨૧ અધ્યાય, ૧૨૦ ખંડ અને ૧૨૨૫ મંત્રો છે.

બંને ભાગ મળીને સામવેદમાં કુલ ૧૮૭૫ મંત્રો છે, જેમાંથી ૧૮૦૦ મંત્રો ઋગ્વેદમાંથી લેવામાં આવ્યા છે. કેટલાક વિદ્વાનોના અભિપ્રાય મુજબ બાકીના ૭૫ મંત્રો પણ ઋગ્વેદની શાંખાયન અને અન્ય લુપ્ત થયેલ શાખાઓના જ છે. આ હકીકતને આધારે સામવેદને પોતાના સ્વતંત્ર મંત્ર નથી તેવો પણ એક મત છે.

પરંતુ તે મત સાચો જણાતો નથી. કારણકે ઋગ્વેદના મંત્રોને જયારે ગાનવિદ્યાના નિયમો મુજબ ગાવામાં આવે છે, ત્યારે જ તેને “સામ” કહેવામાં આવે છે. વળી ઋગ્વેદના મંત્રો એ જ સ્વરૂપે સામવેદમાં મળતા નથી, પણ ઘણા જુદા સ્વરૂપે જોવા મળે છે. આમ ઋગ્વેદના મંત્રોને જ “સામ” કહેવામાં આવ્યા નથી, પરંતુ તે મંત્રોને ગાનવિદ્યા અનુસાર સ્વર, તાલ, લય વિગેરે આપીને તૈયાર કરવામાં આવ્યા, ત્યારે તે “સામ” બન્યા અને આવા મંત્રોની સંહિતા “સામવેદ” કહેવાઈ. સામવેદમાં પ્રધાનતત્વ ‘ગાન’ છે, જે ઋગ્વેદની ઋચાઓમાં નથી. આમ ગેયતા (ગાયનની ક્ષમતા) સામવેદની મૌલિક લાક્ષણીકતા છે. તદુપરાંત તાજેતરમાં સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજીએ પણ પરિશ્રમપૂર્વક ગણીને સિદ્ધ કર્યું છે કે સામવેદમાં ૯૯ મંત્રો નવા છે, જે ઋગ્વેદમાં નથી.

 સામવેદ સંહિતાના પૂર્વાચિકમાં એકએક ઋચાઓનાં સામગીત છે, એટલે ૬૫૦ મંત્રોનાં ૬૫૦ સામગીત છે. ઉત્તરાર્ચિકમાં સામાન્ય રીતે ત્રણ ઋચાઓનું એક ગીત બને છે અને કયાંક બે કે ચાર ઋચાઓનાં ગીત પણ છે. તે મુજબ ઉત્તરાર્ચિકમાં ૧૨૨૫ મંત્રો માટે ૪૦૦ સામગીત છે.   

સામવેદની સંહિતા બે પ્રકારની હોય છે: છંદસંહિતા અને ગાનસંહિતા. જે સામવેદના નામથી છપાયેલ ગ્રંથો છે તે છંદસંહિતા છે; જયારે ગાનસંહિતાઓ સામગાનના નામ મુજબ અલગ અલગ છપાયેલ છે. 

૨) સામવેદનું જ્ઞાન :

સામવેદમાં અગ્નિ, ઇન્દ્ર, સોમ એ ક્રમ મુજબ ઋચાઓનો સંગ્રહ થયો છે. પૂર્વાર્ચિકના પ્રથમ પ્રપાઠકમાં અગ્નિદેવના મંત્રો હોવાથી તેને આગ્નેય પર્વ કહેવામાં આવે છે. ૨ થી ૪ સુધીના પ્રપાઠકમાં ઇન્દ્રના મંત્રોનો સંગ્રહ હોવાથી તે ઐન્દ્ર પર્વ તરીકે ઓળખાય છે. પાંચમા પ્રપાઠકમાં સોમપવમાન વિષયક ઋચાઓ હોવાથી તે પવમાન પર્વ કહેવાય છે. ૧ થી ૫ પ્રપાઠકની ઋચાઓ ગ્રામગાન કહેવાય છે. જયારે ૬ઠ્ઠા પ્રપાઠકને આરણ્યક પર્વ કહે છે, કારણકે આ ઋચાઓનું જ્ઞાન અરણ્યમાં જ થાય છે. અંતમાં પરિશિષ્ટ રૂપે મહાનામ્ની નામની ઋચાઓ આપવામાં  આવી છે. આ રીતે પૂર્વાર્ચિકમાં કુલ ૬૫૦ ઋચાઓ છે, જેમાંથી ૨૬૭ જેટલી ઋચાઓ ઉત્તરાર્ચિકમાં પુનરુક્તિ પામી છે. 

ઉત્તરાર્ચિકમાં ૯ પ્રપાઠક છે, જેમાંથી પહેલા પાંચ પ્રપાઠકમાં બબ્બે ભાગ છે, જેને અર્ધપ્રપાઠક કહે છે, અથવા અધ્યાય પણ માનવામાં આવે છે. છેલ્લા ચાર પ્રપાઠક માં ત્રણ ત્રણ અર્ધપ્રપાઠક છે. આ ગણના રાણાયણીય શાખા મુજબ છે, કૌથુમ શાખામાં આ અર્ધને અધ્યાય તેમજ દશતીને ખંડ કહેવામાં આવે છે.

૩) સામવેદનું મહત્વ:

પદ્ય, ગદ્ય અને ગાન (ઋચા, યજુસ અને સામ), આ ત્રણેમાં ગાન માણસને સૌથી વધારે મનભાવન હોય છે. કહેવાય છે કે ગદ્ય કરતાં છંદ, છંદ કરતાં કાવ્ય, કાવ્ય કરતાં ગાયન (ગાન), ગાયનમાં પણ આલાપ ભળે, ત્યારે વધારે પ્રભાવશાળી બને છે. એટલા માટે સામવેદનું વિશેષ મહત્વ છે. સામગાનમાંથી જ ભારતીય સંગીતનો જન્મ થયો છે.  

ઋષિઓએ વેદનું એટલે કે જ્ઞાનનું મૂળ શ્રોત તો ઈશ્વરને જ માન્યા છે. જ્ઞાનની પૂર્ણતા ત્યારે થાય, જયારે તે પોતાના ઉદગમસ્થાન પર પહોંચી જાય. હવે ઈશ્વર સુધી પહોંચવા માટે જ્ઞાન સાથે ભાવનાનું જોડાણ જરૂરી બને છે. એટલે ભાષાને ભાવપૂર્ણ બનાવવાના પ્રયત્નમાં જ મંત્ર બન્યા. ગદ્ય કરતાં પદ્યમાં ભાવ અને ઉભારની ક્ષમતા વધારે જણાઈ, એટલે આ મંત્રો છંદમય પદ્યનું સ્વરૂપ પામ્યા. પદ્યને પણ જયારે ગાનવિદ્યા સાથે જોડવામાં આવ્યું, ત્યારે ભાવનાનો પ્રવાહ વધારે પૂર્ણતારૂપે ખીલ્યો અને ઈશ્વરપ્રાપ્તિનો પંથ સરળ બન્યો. એટલા માટે સામવેદનું વિશેષ મહત્વ છે.      

ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે  वेदानां सामवेदोस्मि – વેદોમાં હું સામવેદ છું. આ કથન પરથી સામવેદની મહત્તા સૂચિત થાય છે. બ્રાહ્મણગ્રંથોમાં પણ સામવેદને સર્વ વેદોનો સાર કહેવામાં આવ્યો છે.

સામનું મહત્વ ઋગ્વેદમાં પણ ઘણી જગ્યાએ વર્ણવેલું છે:

“જે જાગૃત છે તેની પાસે સામ આવે છે.” (ઋગ્વેદ ૫-૪૪-૧૪)

“હે દેવ, સામનું ગાન કરનાર ઋષિની રક્ષા કરો.”  (ઋગ્વેદ ૫-૫૪-૧૪)

“સર્વહુત યજ્ઞમાંથી ઋચાઓની સાથે જ સામની ઉત્પતિ થઇ છે.” (ઋગ્વેદ ૧૦-૯૦-૯)

અથર્વવેદમાં પણ અનેક જગ્યાએ સામ શબ્દનો ઉપયોગ થયેલો છે. તૈતરીય બ્રાહ્મણમાં દેવો સામ વડે સોમરસ લઇ આવ્યા, તેમ કહીને સામની મહત્તા કરેલ છે.   

૪) સામવેદની શાખાઓ: 

સામવેદની એક હજાર શાખાઓ હતી તેવા ઉલ્લેખ જોવા મળે છે. જો કે કેટલાક વિદ્વાનોના મત મુજબ સામવેદની એક હજાર શાખાઓનો ઉલ્લેખ છે, તે વસ્તુતઃ શાખાઓ નથી, પરંતુ ઉચ્ચારણ અને ગાનની અલગ અલગ પદ્ધતિઓ છે. 

વર્તમાનકાળમાં સામવેદની ત્રણ શાખાઓ જ ઉપલબ્ધ છે: રાણાયનીય, કૌથુમીય અને જૈમિનીય. આ ત્રણેય શાખાઓમાં કૌથુમીય શાખા સૌથી વધુ પ્રચલિત અને પ્રસિદ્ધ છે અને તેનો ફેલાવો ઉત્તર ભારતમાં છે. આ શાખાના સૌથી વધુ અનુયાયીઓ ગુજરાતમાં છે અને ગુજરાતના શ્રીમાળી બ્રાહ્મણો આ શાખાના અધ્યેતા મનાયા છે. જૈમિનીય શાખા કેરળમાં ફેલાયેલી છે, જયારે રાણાયનીય શાખાના અનુયાયીઓ મહારાષ્ટ્રમાં વસે છે.

સામવેદની કૌથુમ શાખાનું પ્રકાશન ઈ.સ. ૧૮૪૮માં બેનફીએ કર્યું છે, રાણાયનીય શાખાનું પ્રકાશન ઈ.સ. ૧૮૪૨માં સ્ટવન્સનએ કર્યું છે, જયારે જૈમિનીય શાખાનું પ્રકાશન ઈ.સ. ૧૯૦૭માં ડબલ્યુ કેલેન્ડે કર્યું છે. આમ સામવેદ સંહિતાની બધી શાખાઓના ગ્રંથોના પ્રકાશનનો જશ યુરોપિયન વિદ્વાનોને જાય છે. 

સામવેદના ૯ બ્રાહ્મણ ગ્રંથો મળે છે, જેમાં તાન્ડ્ય બ્રાહ્મણ મુખ્ય છે. અન્ય બ્રાહ્મણો આ મુજબ છે: ષડ્વીશ, સામવિધાન, આર્ષેય, દેવતાધ્યાય, છાન્દોગ્યોપનિષદ, સંહીતોપનિષદ, વંશ અને જૈમિનીય ઉપનિષદ     

જૈમિનીય ઉપનિષદ બ્રાહ્મણ એ જૈમિનીય શાખાનું છે અને તેને તલવકાર આરણ્યક પણ કહે છે. કોઈ જૈમિનીય ઉપનિષદ બ્રાહ્મણના અંતિમ ભાગને તલવકાર આરણ્યક કહે છે. આ આરણ્યકનો નવમો અધ્યાય તે જ કેન ઉપનિષદ છે. છાન્દોગ્યોપનિષદ બ્રાહ્મણનો અંતિમ ભાગ છાન્દોગ્ય ઉપનિષદ છે.

૫) સામગાન:

સામવેદની ચર્ચામાં સામગાન વિષે વાત કરવી અત્યંત આવશ્યક છે. કારણ કે नासाम यज्ञो भवति –સામગાન વિના કોઈ યજ્ઞ થઇ શકે નહીં. યજ્ઞમાં ઉદગાતા સામગાન કરીને દેવોને અને શ્રોતાઓને આનંદ આપે છે. સામગાનના ચાર પ્રકાર છે: ૧) ગ્રામગાન અથવા પ્રકૃતિગાન ૨) આરણ્યક ૩) ઉવ્હગાન અને ૪) ઉહ્યગાન. પૂર્વાર્ચિકના ૧ થી ૫ પ્રપાઠકના મંત્રોનું ગાન ગ્રામગાન છે, ૬ઠ્ઠા પ્રપાઠકનું ગાન આરણ્યક ગાન છે અને બાકીનાં બે ગાન ઉત્તરાર્ચિકના મંત્રોને આધારે કરાય છે.

સામગાન કરનાર માટે છંદનું કોઈ બંધન હોતું નથી અને ગાન માટેની આવશ્યકતા મુજબ ઋચાઓમાં કેટલાંક પરિવર્તનો માન્ય ગણાય છે. છતાં પણ સામગાનની પદ્ધતિ ઘણી જ અઘરી છે, એટલે તેને આત્મસાધ્ધ કરવા માટે તેનું અત્યંત સૂક્ષ્મ અધ્યયન કરવું ઘણું જરૂરી છે.  

સામને ભારતીય સંગીતનું મૂળ પ્રેરણાસ્ત્રોત માનવામાં આવે છે. નારદિય શિક્ષા ગ્રંથમાં સામસ્વર અને લૌકિકસ્વરની સરખામણી આપવામાં આવી છે. સામના સ્વર છે પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, મન્દ્ર, કુષ્ટ અને અતિસ્વર. તેના પરથી જ લૌકિક ગાનના ષડ્જ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ આ સાત સ્વર આવ્યા છે, જે સામાન્યપણે સારેગમ (સા રિ ગ મ પ ધ નિ) તરીકે ઓળખાય છે. આમ આધુનિક સંગીતના મૂળભૂત તત્વરૂપ સારેગમનું ઉદભવસ્થાન સામવેદમાં છે.

૬) સોમરસ:

સામવેદની ચર્ચામાં એક અગત્યની વાતની નોંધ લેવી જોઈએ કે આ વેદમાં સોમરસનું વર્ણન અને મહિમા સવિશેષ કરેલ છે. સોમલતાની પ્રાપ્તિથી માંડી તેને વાટીને રસ કાઢવાની પ્રક્રિયા દરમ્યાન સોમગાન કરવામાં આવતું હતું. લીલા રંગના સોમરસમાં દૂધ, ઘી, મધ વિગેરે ઉમેરવામાં આવતા હતા. સોમરસને દેવને અર્પણ કરવા હેતુથી પ્રથમ આહુતિરૂપે યજ્ઞકુંડમાં હોમવામાં આવતો. તે પછી હોતા, ઉદગાતા, અધ્વર્યુ, બ્રહ્મા તથા અન્ય બ્રાહ્મણો સોમરસનું પાન કરતા. સોમરસ બનાવવાની વિધિ, તેના વિવિધ ઉપયોગ અને પરિણામો વિષે બધા વેદોમાં વિસ્તારપૂર્વક વર્ણન છે અને સામવેદમાં તો વિશેષતઃ છે. પરંતુ સોમરસ શું છે તે બાબત હજુ સુધી વિદ્વાનોમાં ઘણો મતભેદ છે.

ઋષિઓની દ્રષ્ટિએ સોમરસ એક મૂળભૂત પોષકતત્વ છે. એને ક્યારેક સોમલતાના રૂપમાં, ક્યારેક સૂક્ષ્મ શક્તિપ્રવાહના રૂપમાં તથા ક્યારેક દેવશક્તિના રૂપમાં કલ્પવામાં આવ્યો છે. હિમાચ્છાદિત શિખરો પર થતી સોમલતામાંથી નીકળતો દિવ્ય મધુર રસ અતિશય આનંદ આપવામાં સક્ષમ છે અને દેવતાઓને પણ તે ઘણો પ્રિય છે, તેમ ઘણાં શાસ્ત્રોમાં અનેક જગ્યાએ કહેવામાં આવ્યું છે.     

ભારતીય વિદ્વાનો સોમરસને સોમલતા નામની એક જાતની વનસ્પતિમાંથી બનતો રસ માને છે, જયારે યુરોપિયન વિદ્વાનોએ મોટેભાગે સોમરસને એક પ્રકારની સુરા તરીકે ઓળખાવેલ છે. જો કે મેક્સમૂલર તેને આંબળાનો રસ ગણાવે છે, જયારે હિલબ્રાન્ટ તેને મધ ગણે છે. એક અન્ય અભિપ્રાય મુજબ વેદ્કાળની સોમલતા એ બાઈબલનું જ્ઞાનવ્રુક્ષ (Tree of knowledge) છે. જયારે એક આધુનિક વિદ્વાને તો પદાર્થવિજ્ઞાનના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને ઇન્દ્ર, વાયુ અને સોમને એટોમિક પાર્ટીકલ્સ -ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ગણાવીને તેમાંથી જ બ્રહ્માંડની રચના થઇ છે, તેવો અર્થ તેમના પુસ્તકમાં કર્યો છે. આમ સોમલતા અને સોમરસ હજુ સુધી વિદ્વાનો માટે સંશોધનનો વિષય છે.

આ લેખ વિષે આપનું મંતવ્ય અને સૂચન નીચે આપેલ “મારો અભિપ્રાય” કોલમમાં આપવા વિનંતી છે.

– સુરેશ ત્રિવેદી

પંચામૃત:

સાહિત્યમાં ઘણીવાર શબ્દોની ચમત્કૃતિવાળી રચનાઓ જોવા મળે છે. તેમાંની એક છે સીધું અને ઊંધું બંને રીતે વાંચતાં એકસરખું જણાય તેવું અર્થસભર વાક્ય. આપણી ગુજરાતી ભાષાનું વર્ષોથી જાણીતું આવું વાક્ય છે: લીમડી ગામે ગાડી મલી. આવાં વાક્યને અંગ્રેજીમાં પેલીન્ડ્રોમ (Palindrome) કહે છે અને સંસ્કૃતમાં ગતિચિત્ર કહે છે, જે ચિત્રકાવ્યનો એક પ્રકાર છે.

વિશ્વભાષા ગણાતી અંગ્રેજી ભાષામાં આવાં પેલીન્ડ્રોમ બહુ ઓછાં જોવા મળે છે, અને જે વાક્યો રચાયાં છે તે પણ ટૂંકાં અને અર્થલાલિત્ય વગરનાં છે, જયારે અભિવ્યક્તિની બાબતમાં અજોડ ગણાતી સંસ્કૃત ભાષામાં આવી કેટલીય અદભૂત રચનાઓ જોવા મળે છે.

મહાકવિ કાલિદાસ જેના દરબારની શોભા હતા, તે માળવાના રાજા અને કવિ ભોજ દ્વારા રચાયેલ सरस्वती कंठाभरणम નામના કાવ્યસંગ્રહની એક રચના હવે જુઓ:

       वारणागगभीरा सा साराभिगगणारवा I

       कारितारिवधा सेना नासेधावरितारिका II

અર્થ: આ સેના કે જે પહાડ જેવડા હાથીઓ ધરાવે છે, તેનો સામનો કરવાનું સહેલું નથી. સેના બહુ મોટી છે અને ગભરાયેલા લોકોની બૂમો સંભળાય છે. શત્રુઓનો તેને ધ્વંશ કરી નાખ્યો છે.

આ શ્લોકમાં પહેલી લીટી સવળેથી વાંચો કે અવળેથી વાંચો, એક સરખી જ રહે છે. તે જ રીતે બીજી લીટી પણ  સ્વતંત્ર રીતે તેના જેવી જ છે. આમ રણભૂમિનો તાદ્રશ ચિતાર આપતો આ અર્થસભર  શ્લોક શબ્દોની અદભૂત ચમત્કૃતિ ધરાવે છે અને આપણી સંસ્કૃત ભાષાની મહાનતા અને આપણા કવિઓની વિદ્વતા પ્રગટ કરે છે. 

 

Advertisements

One thought on “(૭) સામવેદ

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s