(૬) યજુર્વેદ

KRISHNA-YAJURVEDA-mf44s70q8ukur5do4t4n8eib4ep8apwdqe6eu0e0tc

ભારતીય સંસ્કૃતિના ઈતિહાસમાં એક ઉલ્લેખ એવો પણ મળે છે કે વેદોનું વિભાજન ચાર વેદમાં થયું તે પહેલાં એક જ વેદ યજુર્વેદ હતો. જો કે આ વાતને વિદ્વાનોનું સમર્થન મળતું નથી, પરંતુ હકીકતમાં વૈદિકકાળમાં યજુર્વેદને અધિક મહત્વ તો મળતું જ હતું, કારણ કે તે સમયે યજ્ઞનો મહિમા ઘણો હતો અને યજુર્વેદમાં યજ્ઞવિધિને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.

મંત્રોના સ્વરૂપની દ્રષ્ટિએ યજુર્વેદના મંત્રો ગદ્ય સ્વરૂપે છે. સંસ્કૃતમાં ગદ્ય એટલે યજુ:, જેના પરથી યજુર્વેદ નામ આવ્યું છે. યજુ:ની શાસ્ત્રીય વ્યાખ્યા મુજબ જેમાં અક્ષરોની મર્યાદા નિશ્ચિત નથી તે યજુ: છે. એક અન્ય વ્યાખ્યા મુજબ ઋચા (મંત્ર) અને સામ (ગાન) સિવાયનું બધું યજુ: છે. યજુ:નો એક અર્થ પૂજા અથવા યજ્ઞ પણ થાય છે અને યજુર્વેદમાં યજ્ઞનો ઘણો મહિમા છે.

જેમ પ્રાચીન ભારતની સંસ્કૃતિ અને ઈતિહાસ વિષે જાણવા માટે ઋગ્વેદ ઉપયોગી છે, તે જ રીતે પ્રાચીન યજ્ઞ વિધિવિધાનની માહિતી જાણવા માટે યજુર્વેદ મહત્વનો છે.

યજુર્વેદ “કામ”નો ગ્રંથ છે. કામમાં કર્મ, કામનાઓ અને મન ત્રણેયનો સમાવેશ થાય છે. યજુર્વેદ કર્મકાંડની પ્રાધ્યાનતા ધરાવતો ગ્રંથ છે. આમાં યજ્ઞનું મહત્વ છે જે કર્મનું પ્રતિક પણ છે. વાયુ મનનું પ્રતિક છે, કારણકે મન વાયુની જેમ ઝડપથી ગતિ કરે છે અને અસ્થિર પણ છે. તેથી વાયુને યજુર્વેદના મુખ્ય દેવતા માનવામાં આવ્યા છે. કર્મમાં શ્રેષ્ઠતા માટે મનને સાધવું આવશ્યક છે. મનને સાધવાથી જ તેમાંથી કામનાઓનો લોપ થશે અને મન સદ્કર્મો અને ધર્મના સંચયમાં લાગશે.

યજુર્વેદની રચના કુરુક્ષેત્ર વિસ્તારમાં થઇ હોવાનું મનાય છે.

યજુર્વેદની બે સંહિતાઓ ઉપલબ્ધ છે: શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. પરંતુ આ બે જુદા વિભાગો કે જુદા વેદ નથી, પરંતુ બે સંપ્રદાયની બે સંહિતાઓ છે. યજુર્વેદના બે સંપ્રદાય છે: આદિત્યસંપ્રદાય અને બ્રહ્મસંપ્રદાય. આદિત્યસંપ્રદાયના મહર્ષિ યાજ્ઞવલ્ક્ય દ્વારા સૂર્યની આરાધના કરીને શુક્લ યજુર્વેદ મેળવવામાં આવ્યો છે, જયારે કૃષ્ણ યજુર્વેદ બ્રહ્મસંપ્રદાયનું પ્રતિનિધિત્વ કરે છે.

કૃષ્ણ યજુર્વેદમાં સંહિતા, બ્રાહ્મણ અને આરણ્યક ભાગની ભેળસેળ થઇ ગઈ હોવાથી અસ્તવ્યસ્ત અને અવ્યવસ્થિત છે. વળી મંત્રોની અપૂર્ણતા છે અને પાઠમાં દ્વિવિધતા છે. તેથી તેને કૃષ્ણ એટલેકે શ્યામ -અંધકારમય એવું નામ અપાયું છે. જયારે શુક્લ યજુર્વેદ સુવ્યવસ્થિત હોવાથી તેને શુક્લ નામ અપાયું છે.

કૃષ્ણ યજુર્વેદ દક્ષિણ ભારતમાં પ્રચલિત છે, જયારે શુક્લ યજુર્વેદ ઉત્તર ભારતમાં પ્રચલિત છે.

યજુર્વેદનું સ્વરૂપ:

યજુર્વેદના મંત્રોને કંડિકાઓ કહેવામાં આવે છે અને કંડિકાઓના સમૂહને અનુવાક કહે છે. આવાં ઘણાં અનુવાક મળીને અધ્યાય બને છે. યજુર્વેદમાં ૪૦ અધ્યાય, ૩૦૩ અનુવાક અને ૧૯૭૫ કંડિકાઓ છે.

યજુર્વેદમાં ૬૬૩ મંત્ર ઋગ્વેદમાંથી લેવામાં આવ્યા છે, જે પદ્ય સ્વરૂપમાં છે, બાકીના બધાં મંત્રો (કંડિકાઓ) ગદ્ય સ્વરૂપમાં છે.

યજુર્વેદના મંત્રો ગદ્ય સ્વરૂપમાં હોવા છતાં પ્રાચીન પરંપરા પ્રમાણે તેને પણ છંદોબદ્ધ માનવામાં આવે છે. તે મુજબ ૮ પ્રકારના છંદો યજુર્વેદમાં મળે છે.

યજ્ઞ દરમ્યાન યજુર્વેદનો પાઠ કરનાર બ્રાહ્મણને અધ્વર્યુ કહેવામાં આવે છે.

યજુર્વેદનું જ્ઞાન :

યજુર્વેદમાં યજ્ઞ એ પ્રધાનવિષય છે, એટલે મુખ્યત્વે તેમાં અલગ અલગ પ્રકારના યજ્ઞોના મંત્રો છે અને યજ્ઞની વિધિનું અને કર્મકાંડનું વર્ણન છે. પરંતુ તે ઉપરાંત તેમાં અનેક સુંદર વિચારોનો સંગ્રહ પણ છે.

યજુર્વેદના ૪૦ અધ્યાય છે. તેના પહેલા અને બીજા અધ્યાયમાં દશ-પૂર્ણમાસ અને પિંડપિતૃયજ્ઞનું વર્ણન છે. ત્રીજા અધ્યાયમાં અગ્નિહોત્ર અને ૪ થી ૮ અધ્યાય સુધીમાં સોમયાગનું વર્ણન છે. નવમા અને દશમા અધ્યાયમાં વાજપેયયજ્ઞ અને રાજસૂય યજ્ઞના મંત્રો છે. ૧૧ થી ૧૮ અધ્યાય સુધી અગ્નિચયનનું વર્ણન છે, જેમાંથી ૧૬મા અધ્યાયમાં શતરુદ્રીય હોમનું વર્ણન છે, જે રુદ્રાધ્યાય તરીકે પ્રખ્યાત છે. ૧૯ થી ૨૧માં સૌત્રામણી, ૨૨ થી ૨૫માં અશ્વમેઘયજ્ઞ, ૨૬ થી ૨૯માં ખિલમંત્રો છે. ૩૦માં પુરુષમેઘયજ્ઞ, ૩૧માં પુરુષસૂક્ત, ૩૨ અને ૩૩માં સર્વમેઘયજ્ઞ, ૩૪માં સુપ્રસિદ્ધ શિવસંકલ્પ મંત્રો, ૩૫માં પિતૃમેઘયજ્ઞ અને ૩૬ થી ૩૯માં પ્રવ્ગર્યયાગયજ્ઞનું વર્ણન છે.

તેનો છેલ્લો એટલેકે ૪૦મો અધ્યાય એ સુપ્રસિદ્ધ ઇશાવાસ્ય ઉપનિષદ છે. સંહિતા ભાગમાં સમાવાયેલ હોવાથી ઇશાવાસ્ય ઉપનિષદ મંત્રોપનિષદ ગણાય છે અને સર્વ ઉપનિષદોમાં તેની ગણના પ્રથમ થાય છે. 

યજુર્વેદમાં ભક્તિભાવપૂર્ણ સ્તોત્રો પણ છે, જેમ કે માતા અદિતિની પ્રાર્થના, જલદેવીની સ્તુતિ, વિગેરે. શાંતિની ઝંખના કરતો પ્રખ્યાત सर्व शांति: વાળો શાંતિમંત્ર પણ યજુર્વેદનો જ ભાગ છે.      

શુક્લ યજુર્વેદના ૨૨મા અધ્યાયનો ૨૨મો મંત્ર તે આપણું પ્રસિદ્ધ પ્રાચીન રાષ્ટ્રગીત છે.

યજુર્વેદની શાખાઓ:  

શુક્લ યજુર્વેદની વાજસનેયી સંહિતા હાલ પૂર્ણ સ્વરૂપે ઉપલબ્ધ છે. શુક્લ યજુર્વેદના રચયિતા મહર્ષિ યાજ્ઞવલ્ક્ય વાજસનિના પુત્ર હતા, તેથી વાજસનેય તરીકે ઓળખાતા હતા. તેમના નામ પરથી આ સંહિતા વાજસનેયી સંહિતા તરીકે ઓળખાય છે. એક અન્ય તર્ક પ્રમાણે સૂર્યનું એક નામ વાજસનિ છે. જેથી સૂર્યની આરાધના કરીને રચાયેલી આ સંહિતાનું નામ વાજસનેયી સંહિતા પડ્યું છે.

મહર્ષિ યાજ્ઞવલ્ક્યના ૧૫ શિષ્યો હતા, જેમના નામ પરથી શુક્લ યજુર્વેદની ૧૫ શાખાઓ પ્રચલિત થઇ, પરંતુ અત્યારે તેમાંથી ફક્ત બે જ શાખાઓ ઉપલબ્ધ છે: માધ્યંદિન અને કાણ્વ. 

મહર્ષિ યાજ્ઞવલ્ક્યના એક શિષ્ય માધ્યંદિનના નામ પરથી માધ્યંદિન શાખા બની છે. એક અન્ય અભિપ્રાય મુજબ સૂર્ય પાસેથી મહર્ષિ યાજ્ઞવલ્ક્ય દ્વારા દિવસના મધ્યકાળે પ્રાપ્ત કરી હોવાથી માધ્યંદિન સંહિતા નામ પડ્યું છે. આ સંહિતા વાજસનેયી માધ્યંદિન સંહિતા તરીકે ઓળખાય છે, જે ઉત્તર ભારત અને નેપાળમાં વિશેષ રૂપે પ્રચલિત છે.

મહર્ષિ યાજ્ઞવલ્ક્યના એક અન્ય શિષ્ય કાણ્વના નામ પરથી કાણ્વશાખા બની છે. એક અન્ય અભિપ્રાય મુજબ સૂર્ય પાસેથી મહર્ષિ યાજ્ઞવલ્ક્ય દ્વારા સૂર્યના ઘોડાના કાનમાં બેસીને પ્રાપ્ત કરી હોવાથી તેનું નામ કાણ્વસંહિતા નામ પડ્યું છે. આ સંહિતા મધ્ય અને દક્ષિણ ભારત પ્રચલિત છે.

માધ્યંદિન સંહિતા અને કાણ્વસંહિતાનો વિષય સમાન જ છે, માત્ર અધ્યાય અને મંત્રોના ક્રમમાં થોડો ફેરફાર છે.

શુક્લ યજુર્વેદને શતપથ નામનો એક બ્રાહ્મણ ગ્રંથ છે, જે સમસ્ત બ્રાહ્મણગ્રંથોમાં સૌથી મહત્વપૂર્ણ, વિપુલકાય અને યજ્ઞવિધિને સર્વોતમરીતે સમજાવનાર છે. આ બ્રાહ્મણ માધ્યંદિન અને કાણ્વ બંને શાખાઓમાં મળે છે. બંનેમાં વિષયની સમાનતા હોવા છતાં વર્ણન ક્રમ અને અધ્યાયોની સંખ્યામાં થોડો ભેદ છે. માધ્યંદિન શાખાના બ્રાહ્મણમાં ૧૦૦ અધ્યાય હોવાથી તેનું નામ શતપથ પડ્યું છે, જો કે કાણ્વ શાખાના શતપથ બ્રાહ્મણમાં ૧૦૪ અધ્યાયો છે. શતપથ બ્રાહ્મણમાં યજ્ઞોનાં વિવિધ સ્વરૂપો અને અનુષ્ઠાનોનું પરિપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું છે. તદુપરાંત આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ યજ્ઞનું મહત્વ સમજાવેલ છે. શતપથ બ્રાહ્મણમાં યજ્ઞને જીવનનું સર્વશ્રેષ્ઠ કર્મ ગણાવેલ છે (यज्ञो वै श्रेष्ठतमं कर्म I श. ब्रा. : १-७-३-५).  

શુક્લ યજુર્વેદને બૃહદારણ્યક નામનું એક આરણ્યક તેમજ ઈશાવાસ્યોપનિષદ અને બૃહદારણ્યક નામનાં બે ઉપનીષદો છે.

કૃષ્ણ યજુર્વેદને ૮૬ શાખાઓ હતી, જેમાંથી અત્યારે ચાર શાખાઓ ઉપલબ્ધ છે:  તૈતરીય, મૈત્રાયણી, કઠ અને કપિષ્ઠલ.

કૃષ્ણ યજુર્વેદને તૈતરીય નામનો એક બ્રાહ્મણ ગ્રંથ છે, તેમજ તે નામનું એક આરણ્યક પણ છે. ઉપરાંત તૈત્તિરીયોપનીષદ, કઠોપનિષદ અને શ્વેતાશ્વતરોપનિષદ  નામનાં ત્રણ ઉપનીષદો છે.

યજુર્વેદના પ્રસિદ્ધ મંત્રો:

૧) મનુષ્યને ઉચ્ચ અને આદર્શ જીવનશૈલીનો ઉપદેશ આપનાર યજુર્વેદના ૩૬મા અધ્યાયનો ૧૮મો મંત્ર જો વિશ્વના દરેક મનુષ્ય પાલન કરવા માંડે તો પૃથ્વી પર જ સ્વર્ગ રચાઈ જાય.

द्रते दंह मा मित्रस्य मा चक्षुषा सर्वाणि भूतानि समीक्षन्ताम I

मित्रस्याहम चक्षुषा सर्वाणि भूतानि समीक्षे I मित्रस्य चक्षुषा समीक्षामहे II

અર્થ: મને બધાં પ્રાણીઓ મિત્રની દ્રષ્ટિથી જુએ. હું બધાં પ્રાણીઓને મિત્રની દ્રષ્ટિથી જોઉં. અમે બધા એકબીજાને મિત્રની દ્રષ્ટિથી જોઈએ.

અહીં મનુષ્યો એકબીજાના મિત્ર બને તેવી વિશ્વબંધુત્વની ભાવનાની સાથે મનુષ્યેતર સર્વે પ્રાણીઓને પણ એકબીજાના મિત્ર બનાવીને પર્યાવરણના સંરક્ષણની પણ આદર્શ કલ્પના કરવામાં આવી છે.     

૨) યજુર્વેદના ૩૧મા અધ્યાયનો ૧૧મો મંત્ર બહુ જ સુંદર સંદેશ આપનારો મંત્ર છે, પરંતુ અમુક અનુવાદ્કોએ તેનો ભાવ સમજ્યા વગર ખોટો અને અધૂરો અર્થ કરીને વેદના આદર્શ સંદેશને અયોગ્ય રીતે પ્રસ્તુત કરીને વેદની બદનામી કરી છે.

        ब्राह्मणोस्य मुखमासीद् बाहू राजन्य: कृत: I

       ऊरू तदस्य यद् वैश्य: पद्भ्यां शूद्रो अजायत II

અર્થ: આ સમાજરૂપી શરીરનું મુખ બ્રાહ્મણ છે, હાથ ક્ષત્રિય છે, જાંઘ વૈશ્ય છે અને પગ શુદ્ર છે.

આ પ્રતીકાત્મક વાતનો અર્થ એ છે કે મસ્તિષ્કના પ્રતિકરૂપી બ્રાહ્મણ સમાજને જ્ઞાન, સમજણ, ડહાપણ અને માર્ગદર્શન આપે. હાથના પ્રતિકરૂપી ક્ષત્રિય સમાજનું રક્ષણ કરે અને પગના પ્રતિકરૂપી વૈશ્ય અને શુદ્ર સમાજના સંચાલનનું કાર્ય કરે. ટૂંકમાં જેમ વ્યક્તિ માટે તેનાં દરેક અંગ જરૂરી અને ઉપયોગી છે, તેમ સમાજના આ બધા જ વર્ગ પણ સમાજના યોગ્ય સંચાલન અને વિકાસ માટે ઘણા જરૂરી છે.

પરંતુ કેટલાક અનુવાદ્કોએ તેનો અવળો અર્થ કર્યો છે કે વેદમાં બ્રાહ્મણને મનુષ્યના મુખ સમાન શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે અને શુદ્રને પગ સાથે સરખાવીને નિમ્ન દરજ્જો આપવામાં આવ્યો છે. વાસ્તવમાં વેદકાલીન ભારતમાં સમાજના દરેક વર્ણને સરખું મહત્વ આપવામાં આવતું હતું અને વૈદિક સાહિત્યની રચનામાં પણ શુદ્ર વર્ણના વિદ્વાનોએ ફાળો આપ્યો છે. જો કે વેદકાલીન કર્મ આધારિત વર્ણવ્યવસ્થા પછીના મધ્યયુગમાં જન્મ આધારિત વર્ણવ્યવસ્થામાં બદલાઈ ગઈ અને તેનાથી ભારતીય સમાજ વિભાજીત થવાથી નબળો બન્યો. પરંતુ એ જુદી વાત છે અને જ્યાં સુધી વૈદિકકાળની વાત છે ત્યાં સુધી વર્ણવ્યવસ્થા કર્મ આધારિત હતી અને ત્યારે દરેક વર્ણને સરખું મહત્વ અપાતું હતું.        

૩) શાંતિની ઝંખના એ માનવજીવનની સૌથી ઉચ્ચ આકાંક્ષા છે. એટલે જ વેદ અને ઉપનિષદના અનેક મંત્રોમાં આ શાંતિની ઝંખનાનું પ્રતિબિંબ ઝીલાયું છે. શુક્લ યજુર્વેદના ૩૬મા અધ્યાયનો ૧૭મો મંત્ર પ્રસિદ્ધ શાંતિમંત્ર છે:

        दयो शान्तिरंतरिक्ष शान्ति: पृथिवी शान्ति: शान्तिराप: शान्तिरोषधय: शान्ति: I

       वनस्पतय: शान्ति: विश्वेदेवा: शान्ति: ब्रह्म शान्ति: सर्व शान्ति: शान्तिरेव शान्ति: सा मा शान्तिरेधि II

આ મંત્રમાં ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી છે કે સૂર્ય, અંતરીક્ષ, પૃથ્વી, જળ, ઔષધિ, વનસ્પતિ, સર્વે વિદ્વાન, બ્રહ્મ અને આ સર્વેથી ભિન્ન પદાર્થો પણ શાંત થાઓ, તે શાંતિ મારામાં આવીને વસો અને વિશ્વસમસ્તને શાંત કરનારી શાંતિ પણ સ્વયં શાંત થઇ જાઓ. કેવી અદભૂત કલ્પના !

૪) શુક્લ યજુર્વેદના ૨૨મા અધ્યાયનો ૨૨મો મંત્ર તે આપણું પ્રસિદ્ધ પ્રાચીન રાષ્ટ્રગીત છે.

ओ३म् आ ब्रह्मन् ब्राह्मणों ब्रह्मवर्चसी जायतामाराष्ट्रे राजन्यः शूरऽइषव्योऽतिव्याधी महारथो जायतां दोग्ध्री धेनुर्वोढ़ाऽनड्वानाशुः सप्तिः पुरन्धिर्योषा जिष्णू रथेष्ठाः सभेयो युवास्य यजमानस्य वीरो जायतां निकामे-निकामे नः पर्जन्यो वर्षतु फलवत्यो नऽओषधयः पच्यन्तां योगक्षेमो नः कल्पताम् ॥ — यजुर्वेद २२, मन्त्र २२

હિંદી કાવ્યાનુવાદ

ब्रह्मन् ! स्वराष्ट्र में हों, द्विज ब्रह्म तेजधारी।

क्षत्रिय महारथी हों, अरिदल विनाशकारी ॥

होवें दुधारू गौएँ, पशु अश्व आशुवाही।

आधार राष्ट्र की हों, नारी सुभग सदा ही ॥

बलवान सभ्य योद्धा, यजमान पुत्र होवें।

इच्छानुसार वर्षें, पर्जन्य ताप धोवें ॥

फल-फूल से लदी हों, औषध अमोघ सारी।

हों योग-क्षेमकारी, स्वाधीनता हमारी ॥

અર્થ:

હે ઈશ્વર ! અમારા બ્રાહ્મણો ઉત્કૃષ્ટ જ્ઞાની હોય. તે સ્વાર્થી, લોભી કે નીચી કામનાવાળા ના હોય.

ક્ષત્રિયો બળવાન, શુરવીર, હથિયારધારી અને શત્રુઓને હરાવનારા મહારથી હોય, જેથી કોઈ અમારા રાષ્ટ્ર પર આક્રમણ કરવાની કલ્પના પણ ના કરે.

અમારી ગાયો દૂધ આપનારી હોય, બળદો શક્તિશાળી હોય અને ઘોડાઓ તેજ હોય.

અમારી સ્ત્રીઓ સ્વસ્થ અને સુંદર હોય. તે કોમળ, નિર્બળ અને રોગી ના હોય, જેથી તેમનાં સંતાનો હ્રુષ્ટપુષ્ટ હોય.

અમારા સૈનિકો વિજયની ઈચ્છા ધરાવતા હોય.

અમારા પુત્રો ગુણવાન હોય.

અમારી આવશ્યકતા હોય ત્યારે અને તેટલો વરસાદ આવે.

અમારા ખેતી ફળદાયી હોય.

અમારા રાષ્ટ્રમાં યોગક્ષેમ રહે, અર્થાત અમારા રાષ્ટ્રમાં જરૂરી એવા બધા જ પદાર્થોનું યોગ્ય પ્રમાણમાં ઉત્પાદન થાય અને ઉત્પન્ન થયેલ વસ્તુઓનો લોકોને પુરેપુરો લાભ મળે.

સાચા અર્થમાં સમગ્ર રાષ્ટ્રના તમામ લોકો માટે લાભકર્તા, ફળદાયી અને કલ્યાણકારી આદર્શો હજારો વર્ષ પહેલાં રજૂ કરનાર આ મંત્રો આજના જમાનામાં પણ પ્રસ્તુત છે. તો સમગ્ર રાષ્ટ્રના કલ્યાણ માટે આવી અદભૂત કલ્પના અને પ્રાર્થના કરનાર આપણા વિદ્વાન ઋષિઓને શત શત પ્રણામ કરીને આપણે આગળ વધીએ.

 

આ લેખ વિષે આપનું મંતવ્ય અને સૂચન નીચે આપેલ “મારો અભિપ્રાય” કોલમમાં આપવા વિનંતી છે.

– સુરેશ ત્રિવેદી

પંચામૃત:

અનોખી સંસ્કૃત ભાષામાં કેવળ બે મૂળાક્ષરના ઉપયોગ દ્વારા રચાયેલો અદભૂત શ્લોક આપણે ગયા પ્રકરણમાં જોયો છે. હવે તેથી પણ અદભૂત એક અન્ય રચના જોઈએ, જેમાં ફક્ત એક જ અક્ષરના ઉપયોગથી અર્થસભર મંત્ર રચાયો છે.

૬ઠ્ઠી સદી દરમ્યાન ભારવિ નામના મહાન કવિ અને સાહિત્યકારે તેમના किरातार्जुनीय નામના કાવ્યસંગ્રહમાં ફક્ત न વ્યંજનનો ઉપયોગ કરીને ગજબનું સાહિત્યિક કૌશલ્ય વાપરી અદભૂત અર્થપૂર્ણ શ્લોક રચ્યો છે.

न नोननुन्नो नुन्नेनो नाना नानानना ननु  l

नुन्नोSनुन्नो ननुन्नेनो नानेना नुन्ननुन्न नून ll

અર્થ: જે મનુષ્ય (યુદ્ધમાં) તેના કરતાં નબળા મનુષ્યના હાથે ઘવાય તે ખરો મનુષ્ય નથી. એવી જ રીતે પોતાના કરતાં નબળા મનુષ્યને જો ઘાયલ કરે તો એ પણ મનુષ્ય નથી. ઘાયલ મનુષ્યનો સ્વામી જો ઘાયલ ન થયો તો એવો મનુષ્ય પોતે ઘાયલ ગણાય નહિ અને ઘાયલ થયેલા મનુષ્યને જો એ ઘાયલ કરે તો એ પણ મનુષ્ય નથી.

છે કોઈ અન્ય ભાષામાં આટલું શબ્દ અને અર્થ વૈવિધ્ય, જે ફક્ત એક જ અક્ષરના ઉપયોગ વડે એક આખો અર્થસભર શ્લોક રચી બતાવે !

 

Advertisements

5 thoughts on “(૬) યજુર્વેદ

 1. યજુર્વેદ સબંધિય આ જ્ઞાન આપનાર વિદ્વાનને મારા પ્રણામ.
  જે પૂર્વ કાલે શબ્દોમાં ભાવ હતો, તેથી તેનુ પાલન થતુ.
  અત્યારે શબ્દોમાં ભય મૂકાય છે, તેથી સર્વ દૂર ભાગતા જાય છે.

 2. સુરેશભાઈ,
  નમસ્કાર.

  યજુર્વેદ અંગે વિગતવાર તથા સચોટ જ્ઞાન પ્રદાન કરવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર.
  પરમાત્મા આપનું કલ્યાણ કરે.
  આદર-સહ,
  કૌશિક
  ૧૫.૦૩.૨૦૧૯

  1. મારી ઈ-બુક “આપણાં શાસ્ત્રો” ના દરેક પ્રકરણને અંતે સંસ્કૃત ભાષાની ખાસિયતો અંગે પંચામૃત મુકેલ છે. આગામી દરેક પ્રકરણ સાથે આવા વધુ કિસ્સા પ્રગટ થશે, જે જોતા રહેશો.

   મારા બ્લોગને ફોલો -Follow કરશો તો જયારે જયારે મારા બ્લોગ પર નવી પોસ્ટ મૂકાશે, ત્યારે તમને ઇમેલ દ્વારા જાણ થશે.

   તમારો અભિપ્રાય અને સુચન જણાવતા રહેશો,

   આભાર સહ,

   સુરેશ ત્રિવેદી

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s