જૂન ૨૦૧૬ના પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ”ના વિજેતા છે …..

મિત્રો, જો તમે આ લેખમાળાનો મૂળ લેખ ના વાંચ્યો હોય તો આ લેખમાળા લખવા પાછળનો મારો મૂળભૂત હેતુ આપને જણાવી દઉં.

આપણે બધા જ સામાન્ય જિંદગીમાં ઘણીવાર નાની-મોટી મૂર્ખાઈવાળું કામ જાણે-અજાણે કરી બેસતા હોઈએ છીએ. પરંતુ કેટલાક લોકો તો એટલી મોટી મૂર્ખાઈનું કામ કરી નાખે છે કે તેઓ પોતે તેમ જ તેમનો પરિવાર બહુ મોટી મુશ્કેલીમાં મુકાઇ જાય છે. એટલા માટે મને વિચાર આવ્યો કે વાસ્તવિક જિંદગીમાંથી આવા મૂરખના સરદારને શોધીને તમારી સમક્ષ રજૂ કરું અને આપણે બધા મળીને તેને આપીએ “મૂરખનો સરદાર એવૉર્ડ”.

મિત્રો, મેં વર્ષ ૨૦૧૬ની શરૂઆતમાં દર અઠવાડિયે “મૂરખનો સરદાર એવૉર્ડ” અર્પણ કરવાની આ લેખમાળા શરુ કરી, ત્યારે મને થોડી આશંકા હતી કે કદાચ દર અઠવાડિયે આ એવોર્ડના યોગ્ય દાવેદાર મળશે કે નહીં. ખરેખર એવું બનત, એટલેકે કોઈ અઠવાડિયે લોકોની મૂર્ખાઈનો એક પણ કિસ્સો વાંચવા ના મળત, તો મને ઘણો આનંદ થાત. પરંતુ અફસોસની વાત છે કે લોકોની મૂર્ખાઈના કિસ્સાઓ ધાર્યા કરતાં વધારે પ્રમાણમાં છાપાઓમાં પ્રકાશિત થયા કરે છે. વળી છાપામાં આવતા નથી એવા તો કેટલાય કિસ્સાઓ બનતા હશે, એ તો અલગ !!!

વાસ્તવમાં આ લેખમાળા શરુ કરવા પાછળનો મારો હેતુ મૂર્ખાઈભર્યાં કામ કરનારાઓની મજાક ઉડાવવાનો જરાપણ નથી, પરંતુ આવા કિસ્સાઓ વાંચીને લોકો સજાગ બને અને આવા બનાવો ફરીથી ના બને તે દ્રષ્ટિકોણથી આ લેખમાળા શરુ કરી છે. તો આપ સર્વેને સજાગ અને સાવચેત બનવાની વિનંતી સાથે આપણે આગળ વધીએ નવા એવોર્ડ વિજેતાની શોધમાં ……..

૧) ફેસબુક પર બનેલા મિત્ર દ્વારા છેતરાઈને નરોડાની ત્રણ બાળકોની માતાએ પોતાના દાગીના અને રોકડ મળીને કુલ રૂ. ૪.૫૦ લાખ ગુમાવ્યા. વિગતવાર સમાચાર માટે જુઓ ૧૨-૦૬-૨૦૧૬ના દિવ્ય ભાસ્કરમાં છપાયેલ સમાચારની આ ક્લિપ.        

DB-120616

સામાન્ય રીતે આપણે ઓળખાણવાળા લોકોને પણ મોટી રકમ આપતાં હોઈએ તો યોગ્ય સાવચેતી લેતા હોઈએ છીએ. ત્યારે પૂરતી ઓળખાણ સિવાય અને યોગ્ય ચકાસણી કર્યા સિવાય આટલી મોટી રકમનું જોખમ લેનાર નરોડાની આ મહિલાને આપણે “મૂરખના સરદાર” સિવાય બીજું શું કહીએ? તો આપણે બધા સાથે મળીને નરોડાની આ મહિલાને અર્પણ કરીએ જૂન ૨૦૧૬ના પહેલા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ”.

૨) આપણી જૂની અને જાણીતી કહેવતો ફરી યાદ કરવી પડશે કે “લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે” અને “સસ્તા રોયે સો બાર” ! કારણકે અમદાવાદની ૫ વ્યક્તિઓ સસ્તું સોનું મેળવવાની લાલચમાં નકલી સોનું મેળવીને ઠગાઈનો ભોગ બન્યા, પૈસા તો ગુમાવ્યા જ અને મૂરખ બન્યા તે નફામાં. વિગતવાર સમાચાર માટે જુઓ ૧૨-૦૬-૨૦૧૬ના દિવ્ય ભાસ્કરમાં છપાયેલ સમાચારની આ ક્લિપ.

DB-120616-2

તો સસ્તાની લાલચમાં મૂર્ખ બની જનાર અમદાવાદની આ ૫ વ્યક્તિઓને આપણે બધા સાથે મળીને અર્પણ કરીએ જુન ૨૦૧૬ના બીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ”. સાથે સાથે આપણે બધા આશા રાખીએ કે આવા સમાચાર વાંચીને લોકોમાં જાગૃતિ આવે અને ‘સસ્તું’ કે ‘મફત’ મેળવવાની લાલચ છોડીને આ રીતે છેતરાઈ જતા અટકે.

૩) તા. ૧૪-૦૬-૨૦૧૬ના “દિવ્ય ભાસ્કર”માં સમાચાર વાંચ્યા કે વડોદરાના બે યુવાનો સેલ્ફી લેવાના ચક્કરમાં મહી નદીમાં ડૂબી ગયા હતા. ઘણા દુઃખદ પરિણામવાળા આ કિસ્સાની થોડી વિગત તમે નીચેની ક્લિપમાં જોઈ લો:

DB-140616

અણમોલ જિંદગી ગુમાવનાર આ યુવાનો પ્રત્યે સહાનુભૂતી અને અનુકંપા. પરંતુ સેલ્ફી જેવી ક્ષુલ્લક ચીજ માટે આવડું મોટું જોખમ લેવાની મૂર્ખાઈ કરવા માટે આ યુવાનોને અર્પણ છે જુન ૨૦૧૬ના ત્રીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” ! સાથેસાથે આપણે આશા રાખીએ કે આ યુવાનોએ કરી તેવી બેવકુફીભરી અને જીવલેણ નીવડે એવી મૂર્ખાઈ બીજો કોઈ ના કરે.

૪) અદ્યતન ટેકનોલોજીના આ યુગમાં આપણી પાસે અનેક ગેજેટ્સ આવી ગયાં છે, જેના વડે આપણી જિંદગી સવલતવાળી અને મનોરંજક બની ગઈ છે. પરંતુ જો આ ગેજેટ્સનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે ના કરીએ, તો ઘણાં ખતરનાક પરિણામો પણ આવી શકે છે.

“સેલ્ફી”ની ઘેલછા કેવી જીવલેણ નીવડી શકે છે તે આપણે ઉપરના કિસ્સામાં જ જોયું. સેલ્ફી જેવી જ જીવલેણ નીવડી શકે એવી બીજી ઘેલછા “ઈયરફોન” (હેન્ડ્સ ફ્રી)ની છે. તા. ૨૨-૦૬-૨૦૧૬ના “નવગુજરાત સમય”માં સમાચાર વાંચ્યા કે વેજલપુર, અમદાવાદનો એક કિશોર પોતાના કાનમાં “હેન્ડ્સ ફ્રી” લગાવીને ગીતો સાંભળતાં સાંભળતાં પોતાની સાયકલ ખેંચીને રેલ્વે પાટા ક્રોસ કરવા જતાં ટ્રેનની અડફેટે આવી જતાં કરુણ મોતને ભેટ્યો હતો. ઘણા દુઃખદ પરિણામવાળા આ કિસ્સાની થોડી વિગત તમે નીચેની ક્લિપમાં જોઈ લો:

NS-220616

અણમોલ જિંદગી ગુમાવનાર આ કિશોર પ્રત્યે સહાનુભૂતી અને અનુકંપા. પરંતુ હેન્ડ્સ ફ્રી એ આપણે એક જગ્યાએ બેઠા હોઈએ ત્યારે જ ઉપયોગ કરવાની ચીજ છે, જેનો મૂળભૂત ઉદેશ્ય તમે જે મ્યુઝિક સાંભળો છો તેનાથી બીજા કોઈને ડીસ્ટર્બ ના થાય એવો છે. પણ હેન્ડ્સ ફ્રીનો ઉપયોગ જાહેર રસ્તા પર કરવો ઘણો ખતરનાક નીવડી શકે છે. જાહેર રસ્તા પર કાનમાં હેન્ડ્સ ફ્રી ભરાવીને બહારનો અવાજ આવતો બંધ કરી દઈને મોટું જોખમ લેનાર આ કિશોરને તેમજ આ સગીરને યોગ્ય સલાહ, સમજણ અને માર્ગદર્શન ના આપનાર તેના વાલીઓને અર્પણ છે જુન ૨૦૧૬ના ચોથા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” ! સાથેસાથે આપણે આશા રાખીએ કે આ કિશોરે કરી તેવી બેવકુફીભરી અને જીવલેણ નીવડે એવી મૂર્ખાઈ બીજો કોઈ ના કરે.

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “મૂરખનો સરદાર કોણ છે ?” પર જવા અહીં ક્લિક કરો. 
અગાઉના મહિનાના “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો. 
હવે પછીના મહિનાના “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો.  
આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવવા વિનંતી છે.

– સુરેશ ત્રિવેદી

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s