શું દવા વગર કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય?

તંદુરસ્તી પરની મારી લેખમાળા “પહેલું સુખ તે….” શરુ કરી, ત્યારે જ મેં વાચકોને વચન આપ્યું હતું કે અહીં ફક્ત અધિકૃત સ્ત્રોતમાંથી મેળવેલ માહિતી અથવા અનુભવસિદ્ધ માહિતી જ રજૂ કરીશ. તે મુજબ પ્રથમ લેખ “કબજીયાતનો ક” મારા ખુદના અનુભવ આધારિત હતો અને બીજો લેખ “શું તમારા લોહીમાં લોખંડ છે ? એ અધિકૃત મેગેઝીનના લેખ આધારિત હતો.

હવે આ ત્રીજો લેખ પણ મારા ખુદના અનુભવને આધારે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું.

મિત્રો, આમ જુઓ તો મારી તંદુરસ્તી ઘણી સારી છે. આજની તારીખે મને ચોસઠમું વર્ષ ચાલે છે, ત્યાં સુધીમાં કોઈ મોટી બીમારી આવી નથી કે કોઈ ઓપરેશન કરાવવું પડ્યું નથી. વળી અત્યારે બહુ જનસામાન્ય ગણાય એવા બે મુખ્ય રોગો “ડાયાબિટીસ’ અને “હાઈ બીપી”ની તકલીફ પણ નથી. મારી આવી સારી તંદુરસ્તીનો યશ હું ચાર પરિબળને આપીશ:

 • વારસામાં મળેલ તંદુરસ્તીના જીન્સ,
 • નાની ઉંમરથી તંદુરસ્તી પ્રત્યે સભાનતા (હેલ્થ કોન્શિયસનેસ),
 • નિયમિત જીવન અને આહાર-વિહારનું યોગ્ય નિયમન,
 • પરમાત્માની કૃપા.

જોકે સોનાની થાળીમાં લોઢાની મેખ હોય તેમ ઘણાં વર્ષોથી મારું કોલેસ્ટ્રોલ લેવલ નિર્ધારિત માત્રા કરતાં વધારે રહે છે અને છેલ્લાં ૧૩ વર્ષ દરમ્યાન અનેક પ્રયોગો, નુસખાઓ અને દવાઓ અજમાવ્યા પછી પણ તેને ઘટાડવાના પ્રયત્નો સફળ થયા નહોતા.

પરંતુ તાજેતરમાં “નેચરોપથી” એટલેકે “કુદરતી ઉપચાર પધ્ધતિ”ના ઘેર થઇ શકે તેવા સાદા પ્રયોગોથી કોઈ ચમત્કારની જેમ મારું કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડી શકાયું છે, એટલે મને જરૂરી લાગ્યું છે કે આ વાત તમારા બધા સમક્ષ વિગતવાર રજૂ કરું.

મિત્રો, તમે કદાચ જાણતા જ હશો કે આપણા દેશમાં લોહીમાં રહેલ કોલેસ્ટ્રોલના લેવલ પ્રત્યેની સભાનતા છેલ્લાં ૧૫-૨૦ વર્ષોથી જ વધી છે. વળી મને હૃદય કે બીપીને લાગતી કોઈ તકલીફ પણ નહોતી. એટલે યુવાનીનાં સમયમાં તો મેં કોલેસ્ટ્રોલનો કોઈ ટેસ્ટ કરાવેલ જ નહોતો. પરંતુ ૫૦ વર્ષ પુરા કર્યાં પછી તંદુરસ્તી પ્રત્યેની સભાનતાના કારણસર લોહીના કેટલાક જરૂરી ટેસ્ટ કરાવ્યા હતા.

તે મુજબ તા.૦૭-૦૯-૨૦૦૩ના રોજ કરાવેલ “લીપીડ પ્રોફાઇલ ટેસ્ટ”માં મારું ટોટલ કોલેસ્ટ્રોલ ૨૭૬ આવ્યું, જે આદર્શ માત્રા મુજબ ૨૦૦ કરતાં નીચું હોવું જોઈએ. ઉપરાંત એલડીએલ (LDL) અને વીએલડીએલ (VLDL) કોલેસ્ટ્રોલનાં (એટલેકે ખરાબ કોલેસ્ટ્રોલના બે પ્રકાર) લેવલ પણ નિર્ધારિત માત્રા કરતાં ઊંચાં હતાં. આમ વર્ષ ૨૦૦૩માં, જયારે મારી ઉંમર ૫૦ વર્ષ હતી, ત્યારે મને પહેલી વાર ખબર પડી કે મારું કોલેસ્ટ્રોલ લેવલ નિર્ધારિત માત્રા કરતાં ઊંચું છે.

મેં તરત જ અમારા ફેમિલી ડોક્ટરનો સંપર્ક કર્યો, તો તેમણે દવા ચાલુ કરવાની ભલામણ કરી. પરંતુ મેં કુદરતી રીતે કોલેસ્ટ્રોલ કાબુમાં લેવાય તેવા ઉપાયો બતાવવા પૂછ્યું, તો તેમણે ખોરાકમાં ઘી અને તેલ ઘટાડવાનું, ફળ અને સલાડનો ઉપયોગ વધારવાનું અને કસરત કરવાનું કહ્યું.

અમારા ડોક્ટર સાથે વધુ ચર્ચા દરમ્યાન તેમણે એ પણ બતાવ્યું કે તેઓ જયારે મેડીકલમાં ભણતા હતા, ત્યારે એટલે કે લગભગ ૨૫-૩૦ વર્ષ પહેલાં કોલેસ્ટ્રોલ લેવલની નિર્ધારિત માત્રા ૨૪૦ હતી. પરંતુ આટલાં વર્ષોમાં બદલાયેલી જીવનશૈલીના પગલે હવે આ લેવલ ઘટાડીને ૨૦૦ કરવામાં આવ્યું છે.

આટલી વિગત જાણ્યા પછી મેં વિચાર્યું કે જો ૨૪૦ના મૂળભૂત નિર્ધારિત લેવલને ધ્યાનમાં લઈએ તો  મારું ૨૭૬નું કોલેસ્ટ્રોલ લેવલ ઘણું ઊંચું તો ના ગણાય. એટલા માટે પહેલાં તો દવા લીધા સિવાય કોલેસ્ટ્રોલ ઘટાડવાના પ્રયત્નો કરવા જોઈએ અને તેમાં સફળતા ના મળે તો પછી દવા લેવાનું વિચારીશું.

એ મુજબ મેં ખોરાકમાં ઘી, મીઠાઈઓ અને તળેલી ચીજો ખાવાની ઓછી કરી. ફળ અને સલાડનો ઉપયોગ વધાર્યો. કસરત માટેની ભલામણ હતી, તો હું દરરોજ રાત્રે જમ્યા પછી અડધો કલાક ચાલવા જતો હતો જ, જે ચાલુ રાખ્યું અને સાથેસાથે યોગાસનો કરવાનું પણ શરુ કર્યું. તે પછી પંદર મહિનાના સમય બાદ એટલે કે તા.૨૫-૧૨-૨૦૦૩ના રોજ કરાવેલ લીપીડ પ્રોફાઇલ ટેસ્ટ મુજબ મારું કુલ કોલેસ્ટ્રોલ ૨૫૬ આવ્યું. અર્થાત્ કુલ કોલેસ્ટ્રોલમાં ૭%નો ઘટાડો કરવામાં સફળતા મળી.

આ સફળતાથી પ્રોત્સાહિત થઈને ખોરાકની એ શૈલી ચાલુ રાખી. તે પછી લગભગ બે વર્ષના સમય બાદ એટલે કે તા.૨૦-૧૧-૨૦૦૫ના રોજ ફરી લીપીડ પ્રોફાઇલ ટેસ્ટ કર્યો, ત્યારે કુલ કોલેસ્ટ્રોલ ૨૪૭ આવ્યું. અર્થાત્ કુલ કોલેસ્ટ્રોલમાં બીજો ૩%નો ઘટાડો થયો હતો.          

પરંતુ તે પછી તા.૧૮-૦૩-૨૦૦૭ના રોજ કરાવેલ ટેસ્ટ મુજબ કોલેસ્ટ્રોલ વધીને ૨૫૫ થયું, તા.૦૩-૦૯-૨૦૦૮ના રોજ ફરીથી વધીને ૨૬૮ થયું અને તા.૦૭-૦૬-૨૦૦૯ના રોજ કોલેસ્ટ્રોલ લેવલ ૨૫૮ થયું. આમ કોલેસ્ટ્રોલનું લેવલ વધુ ઘટાડવામાં સફળતા મળી નહીં.

છેવટે કંટાળીને ના છૂટકે ડોક્ટરની સલાહ મુજબ દરરોજની એક ગોળી (Lipigol 10 mg) ચાલુ કરી. લગભગ એક વર્ષ સુધી ગોળી લીધા પછી કોલેસ્ટ્રોલ માપ્યું તો તા.૧૪-૦૩-૨૦૧૦ ના રોજ ૧૮૧ આવ્યું. આમ લગભગ ૭ વર્ષ પછી પહેલી વાર કુલ કોલેસ્ટ્રોલ યોગ્ય લેવલ પર આવ્યું. તો “એલોપથી”ની સારવાર પધ્ધતિની અસરકારકતા, ક્ષમતા અને પરિણામની પ્રશંસા તો કરવી જ રહી.

પણ જેમ ગુલાબના ફૂલને કાંટા હોય તેમ મોટાભાગની એલોપથીની દવાઓ આડઅસરવાળી હોય છે. આથી મને આ ગોળીઓની આડઅસરથી પગ તૂટવાની તકલીફ થઇ એટલે કે સાથળમાં દુખાવો થવા લાગ્યો. ડોક્ટરને જણાવ્યું તો તેમણે આ ગોળીથી સ્નાયુઓના દુખાવાની આડઅસર થઇ શકે છે તેમ જણાવ્યું અને વધુ તકલીફ હોય તો દુખાવાની ગોળી લખી આપી.

આમ તો હું તંદુરસ્તી પ્રત્યેની સભાનતાને લીધે શરીરની પોતાની જાતે રોગો મટાડવાની અને થતા અટકાવવાની શક્તિઓથી વાકેફ હોઈ દવાઓનો ઓછામાં આછો ઉપયોગ કરવાનો હિમાયતી હતો જ. એમાં વળી આ દવાઓની આડઅસરનો ભોગ બન્યો, એટલે કંટાળીને દવા બંધ કરી અને પાછો ખોરાકમાં કંટ્રોલ કરીને જ કોલેસ્ટ્રોલ કાબુમાં લેવા તત્પર બન્યો.

પરંતુ દવા બંધ કર્યાના આઠ મહીના પછી એટલે કે તા.૧૬-૧૧-૨૦૧૦ના રોજ કરેલ ટેસ્ટ મુજબ કોલેસ્ટ્રોલ ૨૯૫ એટલે કે અત્યાર સુધીના સૌથી ઊંચા (Life time high) લેવલ પર આવ્યું. એટલે મેં આ મુદ્દે ગંભીરતાથી વિચાર કરી ખોરાકમાંથી ઘી અને તમામ તળેલી ચીજો સદંતર બંધ કરી અને ખોરાકમાં ફળફળાદિનો ઉપયોગ વધાર્યો. તો કોલેસ્ટ્રોલ ઘટીને ૨૪૩ થયું (૨૭-૦૩-૧૧ના ટેસ્ટ મુજબ).

પરંતુ ઘી અને તેલના ત્યાગનો આકરો નિર્ણય લાંબો સમય નિભાવી શકાયો નહીં. ગાયનું ઘી તો કોલેસ્ટ્રોલમાં ફાયદો કરે એમ દલીલો થઈ એટલે એ ચાલુ કર્યું. વળી કોઈક વાર તો બધું જ ખવાય એમ પણ સમજાવવામાં આવ્યું એટલે ખોરાકમાં થોડીઘણી છૂટ લેવાતી ગઈ.

જો કે દર વર્ષે કોલેસ્ટ્રોલનો ટેસ્ટ કરવાનું તો ચાલુ રાખેલ અને તે મુજબ કોલેસ્ટ્રોલ ૨૫૦ થી ૨૮૦ની વચ્ચે જ આવતું હતું. હવે આટલા પ્રયત્નો પછી પણ કોલેસ્ટ્રોલ ઘટ્યું નહીં એટલે વર્ષ ૨૦૧૫માં બીજા ડોક્ટરની સલાહ લીધી. તેમણે બીજી ગોળી (Rosulip-F 10 mg) લખી આપી. આ ગોળી લીધા પછી વળી પાછો અગાઉના જેવો જ પગનો દુખાવો શરુ થયો, એટલે ચારેક મહિના પછી આ ગોળી પણ બંધ કરી.

પરંતુ આ વખતે દવા બંધ કરવાનું વધારે ખરાબ પરિણામ આવ્યું અને તા. ૦૭-૧૨-૨૦૧૫ના રોજના ટેસ્ટ મુજબ કોલેસ્ટ્રોલ ૩૨૨ આવ્યું, એટલે કે નવો ‘લાઈફ ટાઇમ હાઈ’ રેકોર્ડ બન્યો. આમ મામલો વધારે ગંભીર બન્યો.

આ સમય દરમ્યાન એટલે કે વર્ષ ૨૦૧૩ દરમ્યાન હું બેન્કમાંથી સેવાનિવૃત્ત થયો હતો, જેથી ફાજલ સમયનો સદુપયોગ વાંચન અને સારા વક્તાઓના પ્રવચન સાંભળવામાં કરતો હતો. તે દરમ્યાન નેચરોપથી એટલે કે “કુદરતી ઉપચાર પધ્ધતિ” વિષે થોડું જાણવા મળેલ. મને તેમાં રસ પડ્યો એટલે મેં નેચરોપથીનાં કેટલાંક પ્રવચન સાંભળ્યાં અને જાન્યુઆરી ૨૦૧૬માં મણીનગર, અમદાવાદ ખાતે નેચરોપથીની ત્રણ દિવસની શિબિરમાં પણ ભાગ લીધો.

આ શિબિરમાં ગુજરાત અને મહારાષ્ટ્રના નેચરોપથીના નિષ્ણાતોએ નેચરોપથીનાં વિવિધ પાસાંઓની તલસ્પર્શી છણાવટ સતત ત્રણ દિવસ સવારે ૯ થી સાંજે ૬ સુધી કરી. ઉપરાંત સવારનો નાસ્તો, બપોરનું પીણું અને બંને ટાઇમ જમવાનું પણ નેચરોપથીના નિયમો અનુસારનું બનાવીને આપવામાં આવતું હતું. 

આ શિબિરમાં શરીરની આંતરિક પ્રક્રિયાઓ, આપણા ખોરાકની પદ્ધતિઓ, અયોગ્ય ખોરાકની અસરો અને સારવારની અન્ય પદ્ધતિઓની ખામીઓ વિષે ઘણું જાણવા મળ્યું. વળી મેં કોલેસ્ટ્રોલ ઘટાડવાના જે પ્રયોગો કર્યા તેમાં કેવી કેવી ભૂલો કરી હતી તેનો ખ્યાલ પણ આવ્યો.

તો સૌ પ્રથમ તો મારા પ્રયોગોમાં મેં શું ભૂલો કરી હતી તે જોઈએ:

૧) મેં ખોરાકમાંથી ઘી ઓછું કરવાનું જ નક્કી કર્યું, તે મોટી ભૂલ હતી. ખરેખર તો ઘીનો ઉપયોગ સદંતર બંધ કરવાની જરૂર હતી. કારણકે “ઓછા”ની સાચી વાખ્યા કરવી ઘણી મુશ્કેલ છે. કારણકે  ઘીનો વપરાશ પહેલેથી જ ઘણો વધારે હોય અને તેમાંથી થોડો વપરાશ ઓછો કરીએ, તો પણ બાકીનો વપરાશ શરીરની જરૂરિયાત કરતાં વધારે હોઈ શકે છે. વળી ઓછું ખાવાનો નિયમ અવારનવાર તૂટી જાય છે, જયારે “સદંતર બંધ”નો નિયમ પાળવો પ્રમાણમાં સહેલો છે.

૨) મેં ઘેર મીઠાઈઓ અને ફરસાણ ખાવાનું બંધ કરેલ, પરંતુ બહારના જમણવાર કે મહેમાનગતી વખતે આ નિયમનું પાલન કરતો નહીં. કદાચ એમ મન મનાવ્યું હશે કે બીજા કોઈને ઘેર જઈને આપણને ધરેલી વસ્તુ નહિ ખાઈએ તો તેમને ખોટું લાગશે અથવા તેઓએ આપણને અનુકૂળ એવી બીજી કોઈ વસ્તુ બનાવવાની તકલીફ લેવી પડશે.

પરંતુ સગાંસંબંધી, મિત્રમંડળ, ઓફિસસર્કલ અને અડોશપડોશમાં અવારનવાર કોઈ ને કોઈ પ્રસંગ તો હોય જ અને પ્રસંગ હોય તો જમણવાર પણ હોય જ. આમ તે દિવસે ઘી અને તેલથી ભરપુર ખોરાક લેવાઈ જતો. અર્થાત્ આવા એક ટંકના અમર્યાદિત ભોજન માત્રથી એક અઠવાડિયાનો ડાએટ કંટ્રોલ ધોવાઇ  જતો.

૩) ત્રીજી ભૂલ એ કરી કે અવારનવાર બિસ્કીટ, કેક, બ્રેડ-બટર વિગેરે ખાવાનું તો ચાલુ જ હતું. નેચરોપથીના અભ્યાસ પછી ખ્યાલ આવ્યો કે અત્યારના જમાનાની ખોરાકની સૌથી ખતરનાક આદત “બેકરી પ્રોડક્ટ”ની છે.

આપણે ગુજરાતીઓ ગર્વથી કહેતા હોઈએ છીએ કે અમે ફક્ત ચોખ્ખું (દેશી) ઘી ખાઈએ છીએ અને ડાલડા (વનસ્પતિ) ઘીને તો હાથ પણ અડાડતા જ નથી. પરંતુ બિસ્કીટ, કેક, બ્રેડ જેવી તમામ બેકરી પ્રોડક્ટમાં વનસ્પતિ ઘીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે, તે કદાચ આપણે ભૂલી ગયા છીએ. હવે વનસ્પતિ ઘી આરોગ્ય માટે દેશી ઘી કરતાં અનેકગણું ખરાબ છે, તેથી બેકરી પ્રોડક્ટનો ઉપયોગ ચાલુ રાખવાથી પણ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાયું નહીં.

૪) ભલે ઘેર મીઠાઈ ના બનાવીએ, પરંતુ સગાંસંબંધી, મિત્રમંડળ, અડોશપડોશ કે ઓફિસસર્કલમાંથી ભજન કે કથાનો પ્રસાદ, જન્મદિવસ કે એનીવર્સરી નિમિત્તે કેક અથવા મીઠાઈ, પરિક્ષાના સારા પરિણામ માટે કે વાહનની ખરીદી માટે પેંડા કે આઈસક્રીમ, એવું કંઇક ને કંઇક અવારનવાર આવ્યા જ કરે. તેમાંથી ભલે કંટ્રોલ કરીને થોડું ખાઈએ તો પણ કુલ ક્વોટા તો વધી જ જાય ને !

૫) મેં ખોરાકમાં ફળ અને સલાડનો ઉપયોગ વધાર્યો હતો, પરંતુ તે અન્ય ખોરાકની સાથે જ લેવાથી જેવો થવો જોઈએ તેવો ફાયદો થયો નહીં. નેચરોપથીના અભ્યાસ પછી ખ્યાલ આવ્યો કે ફળ સવારે ભૂખ્યા પેટે જ લેવાં જોઈએ અને તે વખતે ફક્ત ફળ જ લેવાં જોઈએ. અર્થાત ફળની સાથે કાર્બોહાઈડ્રેટ કે ચરબીવાળો બીજો કોઈ ખોરાક લેવો ના જોઈએ.

ઉપરાંત સલાડ ખાવા માટે આદર્શ પદ્ધતિ એ છે કે જમવાનું શરુ કરતાં પહેલાં અનુકૂળ હોય તેવું અને તેટલું સલાડ ખાઈ લેવું અને તે પૂરું કર્યાં પછી જ રોટલી, શાક, દાળ જેવો અન્ય ખોરાક લેવો જોઈએ.

૬) કસરતની બાબતમાં પણ હું રાત્રે જમ્યા પછી ચાલવા જતો હતો, તે પધ્ધતિ પણ અયોગ્ય હતી. નિષ્ણાત ડોક્ટરની સાથે ચર્ચા દરમ્યાન જાણવા મળ્યું કે તમે રાત્રે ચાલવા જાઓ અને આરામથી ચાલો, તેને ટહેલવા કે ફરવા ગયા તેમ કહેવાય અને તેમાં મનોરંજનની સાથે ખુલ્લી હવાનો ફાયદો મળે, પણ શરીરને જરૂરી કસરત ના મળે. કસરતના હેતુથી તો વહેલી સવારે ચાલવા માટે જવું જરૂરી છે, ઉપરાંત ઝડપથી ચાલવું એ તેનાથી પણ વધારે જરૂરી છે.

આમ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટેના મારા પ્રયોગો અધકચરા તો હતા જ, ઉપરાંત તેના અજમાયેશની  પદ્ધતિઓ પણ અયોગ્ય હતી. તેને લીધે આ પ્રયોગોથી ધાર્યું પરિણામ મેળવી શકાયું નહીં. મને આ ખ્યાલ આવ્યો એટલે મેં નવેસરથી, પૂરી ગંભીરતાથી અને યોગ્ય પધ્ધતિસર કોલેસ્ટ્રોલ ઘટાડવાના પ્રયોગો ચાલુ કર્યા, જે સવારથી સાંજ સુધીના સમયક્રમ મુજબ નીચે પ્રમાણે છે:

૧) સૌ પ્રથમ તો મેં સવારની ચા બંધ કરી અને તેને બદલે એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધું લીબું અને એક ચમચી મધ મિક્ષ કરીને લેવાનું ચાલુ કર્યું. લીંબુ અને મધ બંને ઉત્તમ ઔષધિઓ છે અને તે બંનેના વર્ણન માટે તો બે સંપૂર્ણ લેખ લખવા પડે, એટલે અહીં વધુ લખતો નથી.

૨) સવારે મોર્નિંગવોકમાં જવાનું ચાલુ કર્યું, જેમાં દરરોજ ત્રણ કિમી ઝડપથી (આશરે ૧૦ મીનીટમાં ૧ કિમીની ઝડપે) ચાલવાનું રાખ્યું.

૩) સવારે ૯ વાગે ફક્ત ફળનો નાસ્તો સાથે એક ગ્લાસ રસ લેવાનું રાખ્યું. સિઝનલ ફળ જે મળે તેમાંથી બે કે ત્રણ ફળ લેવાનું રાખ્યું અને દરરોજ જુદાંજુદાં ફળનો ઉપયોગ કરવાનો પ્રયત્ન પણ કર્યો. ફળ ઉપર મીઠું કે અન્ય કોઈ પણ મસાલાનો ઉપયોગ કર્યો નહીં.

સાથે એક ગ્લાસ રસ, જે નીચે મુજબના રસમાંથી વારાફરતી કોઈપણ એક રસ લેતો હતો અને તે પણ ખાંડ મીઠું કે અન્ય કોઈ પણ મસાલા નાખ્યા વગર:

–       આમળાં, આદુ અને હળદર

–       ગ્રીન જ્યુસ (પાલખ, ફુદીનો, કોથમીર, મીઠો લીમડો અને કાચું પપૈયું)

–       ગાજર, બીટ અને ટામેટાં

–       દુધી અને ટામેટાં

–       નારીયેળ પાણી

૪) બપોરે ૧૨ વાગે જમવામાં પહેલાં સલાડ (કાકડી, ગાજર, મૂળા, બીટ, ટામેટાં, પાલખ, લીલી ડુંગળી, સિમલા મરચું, કોબીજ વિગેરેમાંથી બે-ચાર સલાડ જે હાજર હોય તે) બરાબર ચાવી ચાવીને ખાવાનાં. સલાડ પૂરું ના થાય ત્યાં સુધી બીજી કોઈ વસ્તુ થાળીમાં લેવાની નહીં. ઉપરાંત સલાડમાં મીઠું કે કોઈપણ જાતનો મસાલો નાખવાનો નહીં. જો કોઈને દાંતની એટલેકે ચાવવાની તકલીફ હોય તો સલાડ છીણીને વાપરી શકાય. ઉપરાંત સ્વાદ વગર ના ચાલતું હોય તો છીણેલા સલાડમાં દહીં નાખીને ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે.

સલાડ ખાધા પછી જેટલી ભૂખ હોય તે મુજબ ગ્રીનપેસ્ટવાળી કોરી રોટલી (ઘી ચોપડ્યા વગરની) અને નહિવત તેલમાં બનાવેલ શાક ખાવાનાં. સાથે એક વાટકી દાળ અથવા સૂપ અથવા દહીં કે છાસ જે હાજર હોય તે લેતો હતો. હું ઘણાં વર્ષોથી ઘઉં અને ચોખા બેમાંથી એકસાથે એક જ અનાજ લઉં છું. અર્થાત રોટલી ખાવી હોય તો ભાત નહીં ખાવાના અને જયારે ભાત ખાવાનું મન થાય ત્યારે રોટલી નહીં ખાવાની.

ગ્રીનપેસ્ટવાળી રોટલી એટલે પાલખ અને અન્ય ભાજીઓની પેસ્ટ બનાવી તેનાથી જ રોટલીનો લોટ બાંધવાનો અને તેને બે કલાક સુધી મૂકી રાખી પછી તેમાંથી રોટલી બનાવવાની. આ રોટલી ઘણી પોચી અને એવી સ્વાદિષ્ટ બને છે કે તમે સાદી રોટલી ખાવાનું ભૂલી જ જાઓ.  

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે લીલાં પાનવાળી તમામ ભાજી (પાલક, તાંદળજો, લૂણી, મૂળાની ભાજી, કોથમીર, ફુદીનો, મીઠા લીમડાનાં પાન વિગેરે)નો ઘણો મોટો ફાળો છે. કારણકે શરીરમાં કોલેસ્ટ્રોલ બનાવવાનું અને કંટ્રોલ કરવાનું કામ કરે છે લીવર અને લીવરને કાર્યક્ષમ બનાવે છે લીલાં પાનમાં રહેલાં તત્વો. આથી દરરોજના ખોરાકમાં કોઈ એકાદ સ્વરૂપમાં તો લીલી ભાજીનો સમાવેશ હું કરતો જ હતો, પછી તે જ્યુસ હોય કે સલાડ હોય, શાક હોય કે રોટલીમાં પેસ્ટ તરીકે હોય.  

૫) બપોર પછી એટલે કે ચાર વાગે એક કપ ચા, ગ્રીન ટી અથવા લીબુંપાણી અથવા દૂધ જે ઈચ્છા થાય તે લેતો હતો.

૬) સાંજે ભૂખ લાગે તો નાસ્તામાં એક ખાખરો અથવા મમરા અથવા ધાણી અથવા સીંગ-ચણા એવો હલકો નાસ્તો લેવાનું રાખ્યું હતું.

૭) રાતના જમવામાં ભાખરી-શાક અથવા ખીચડી-શાક લેતો હતો. અવારનવાર ઓછા તેલમાં બને તેવાં ફરસાણ એટલે કે ખમણ, ઢોકળાં, હાંડવો, મુઠીયાં, પૌંઆ, ઉપમા, ઈડલી વિગેરેમાંથી કોઈ એક ચીજ પણ લેતો હતો.        

તો આ હતી મારી રોજની દિનચર્યા, જે અમલમાં મુક્યા પછી એક જ મહિનામાં આડફાયદા તરીકે પેન્ટ કમરથી મોટાં પડવા લાગ્યાં અને બે મહિનાના ડાયેટપાલન પછી મારું વજન ૬૮ કિલોથી ઘટીને ૬૪ કિલો થયું.  

પરંતુ બે મહિના આવો ખોરાક લીધા પછી મારા કોલેસ્ટ્રોલ લેવલમાં શું ફેર પડ્યો તેની વાત કરતાં પહેલાં મેં બીજી કઈ કઈ કાળજી લીધી હતી તેની વાત કરવી જરૂરી છે. તો ચાલો તે વાત પહેલાં જાણી લઈએ.        

૧) મેં ખોરાકમાંથી ઘી અને માખણ તથા તેના ઉપયોગથી બનતી તમામ ચીજો ખાવાની સદંતર બંધ કરી હતી. એટલે મોટાભાગની મીઠાઈનો પણ ત્યાગ. જોકે રસગુલ્લા અને ખજૂરપાક જેવી મીઠાઈ (કારણકે તેમાં ઘીનો ઉપયોગ થતો નથી) તથા મલાઈ વગરના દૂધમાંથી બનાવેલ દૂધપાક, ફ્રુટ સલાડ, ગાજર કે દુધીનો હલવો વિગેરે મર્યાદિત પ્રમાણમાં કોઈક વાર લઇ શકાય.

૨) તમામ પ્રકારની બેકરી પ્રોડક્ટ ખાવાની સદંતર બંધ કરી, એટલે કે કોઈ પણ જાતનાં બિસ્કીટ, બ્રેડ, કેક, પાઉં, દાબેલી, પિત્ઝા, ખારી, ટોસ્ટ જેવી તમામ ચીજો પર સંપૂર્ણ પ્રતિબંધ.

૩) તળેલી અને ગરમ તેલ વપરાય તેવી તમામ વસ્તુ એટલે કે પૂરી, ઢેબરાં, પરોઠા, પૂડલા, સમોસા, કચોરી, ગોટા-ભજીયાં, ફાફડા, ગાંઠિયા, સેવ, ચવાણું, તળેલા પાપડ, વેફર, ઘી અને તેલવાળા ખાખરા વિગેરે તમામ ચીજો ખાવાની બંધ કરી હતી.

૪) આ બે મહિનામાં લગભગ છ વખત લગ્ન, સગાઇ અને ધાર્મિક પ્રસંગના જમણવારમાં જવાનું થયું, પરંતુ ત્યાં પણ મને સહેલાઈથી મારા ડાએટપ્લાન મુજબનું જમવાનું મળી ગયું હતું. કારણકે મોટેભાગે સૂપ અને સલાડ તો હવે બધા જમણવારમાં હોય જ છે, એટલે ૫૦% પેટ તો તેમાંથી જ ભરાઈ જાય. જો ઘી વગરની રોટલી મળી રહે તો રોટલી-શાક અને ના મળે તો દાળભાત તો હોય જ ને ! અને હા, મીઠાઈ અને ફરસાણના કાઉન્ટર પર તો જવાનું જ નહિં અને છેલ્લે આઈસક્રીમને પણ ભૂલી જ જવાનો ! જો કે કોઈ જગ્યાએ ફરસાણમાં ખમણ, ઢોકળાં કે ખાંડવી હોય તો પ્રમાણસર ખાવામાં વાંધો નહીં. 

૫) આ સમયગાળામાં એક વખત હોટલમાં જમવા જવાનું પણ થયું અને આબુ ફરવા ગયા ત્યારે ત્રણ દિવસ હોટલમાં ખાવાનું થયું. પરંતુ ત્યાં પણ સરળતાથી ડાએટપ્લાનને અનુસરી શકાયો. આબુમાં પણ સવારનો નાસ્તો ફળનો જ કર્યો અને જમવામાં સૂપ, સલાડ, પ્લેઈન રોટી અને પ્લેઈન દાળ, પ્લેઈન રાઈસ, દહીં વિગેરેનો ઉપયોગ કર્યો અને બધા સાથે એન્જોય પણ કર્યું.

૬) આ સમયમાં સગાસંબંધી અને મિત્રોને ત્યાં પણ અવારનવાર જવાનું થયું. ત્યાં પણ મીઠાઈ, તળેલો નાસ્તો કે આઈસ્ક્રીમ વિગેરેને પ્રેમપૂર્વક નકારીને ચા-કોફી, લીંબુપાણી અને શક્ય હતું ત્યાં મમરા જેવો હળવો નાસ્તો સ્વીકાર્યો. 

૭) આ સમયમાં બે વખત શ્રી સત્યનારાયણ કથાનો લાભ પણ મળેલ હતો, જેમાં મહાપ્રસાદ એટલે કે શીરા સિવાયનો ફળનો પ્રસાદ પણ સહેલાઈથી મળી ગયો હતો. ટૂંકમાં ‘મન હોય તો માળવા જવાય’ એટલેકે દ્રઢ મન રાખીએ તો દરેક જગ્યાએ રસ્તો નીકળે છે.

તો પંદરમી જાન્યુઆરીથી શરુ કરેલ આ ડાયેટપ્લાનના લગભગ બે મહિના પછી એટલેકે તા.૧૮-૦૩-૨૦૧૬ના રોજ ફરીથી લીપીડ પ્રોફાઈલ ટેસ્ટ કરાવ્યો અને રીપોર્ટ વાંચી હું ખુશીથી ઉછાળી પડ્યો, કારણકે મારું કુલ કોલેસ્ટ્રોલ ૩૨૨થી ઘટીને ૨૧૪ થયું હતું, અર્થાત ૩૪%નો મસમોટો ઘટાડો. સાથે સાથે એલડીએલ અને વીએલડીએલનાં લેવલમાં પણ નોધપાત્ર ઘટાડો હતો. જોકે આ તમામ લેવલ હજુ નિર્ધારિત લેવલની હદમાં આવ્યાં નહોતાં, પણ હવે મને વિશ્વાસ બેસી ગયો હતો કે આ રીતે લાઈફ સ્ટાઇલ થોડો વધુ સમય ચાલુ રાખીને તે પણ બરાબર કરી શકાશે.

આ સાથે આ લેખનું સમાપન કરું છું. આશા છે કે વાચકોને ઉપયોગી માહિતી મળી હશે.

ડિસ્ક્લેમર:આ પેજ અને આ બ્લોગનાં બીજાં બધાં પેજમાં બતાવેલી ટીપ્સનો અમલ નિષ્ણાત ડોક્ટરની સલાહ લીધા પછી તેમજ તેમના માર્ગદર્શન હેઠળ જ કરવો.
તમારો અભિપ્રાય, સલાહ-સૂચન અને અનુભવ અહી "મારો અભિપ્રાય" કોલમમાં બધા સાથે વહેંચશો એવી અપેક્ષા રાખું છું. 

તમારા સુંદર સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ સાથે, 

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “પહેલું સુખ તે .....” પર જવા અહીં ક્લિક કરો. 
અગાઉના લેખ “શું તમારા લોહીમાં લોખંડ છે ?” પર જવા માટે અહીં ક્લિક કરો. 
આના પછીના લેખ “”પર જવા અહીં ક્લિક કરો.  

-સુરેશ ત્રિવેદી 

Advertisements

5 thoughts on “શું દવા વગર કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય?

 1. નમસ્તે, સર, જય માતાજી.
  માણસ ત્યારે જ સંશોધન તરફ વળે, જયારે તે મુશ્કેલીમાં હોય. મારું પણ કંઈક આવું જ છે.
  ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) વિષેનો આ લેખ વાંચી ઘણુંબધું જાણવા મળ્યું.

 2. ખૂબજ સરસ,સાહેબ.

  મારી 36 વર્ષની ઉમર છે અને 98 વજન છે. હાઈ બીપીના પ્રોબ્લેમની 21 વર્ષની ઉમરમાં જાણ થઇ. પહેલાં 150 હતું, જે પછી 160/170 થયું. ગોળી ચાલુ કરી પછી લેવલ બરાબર થયું.
  હમણાં એક વર્ષથી હોમીઓપેથી દવાથી BP 140 છે, જે એલોપેથી દવા વગર છે. પણ હમણાં 5.11.17 ના ફૂલ બોડી રિપોર્ટમાં કોલેસ્ટ્રોલ 364.34 આવેલ છે, જેમાં LDL 252.74 અને VLDL 47.2 આવેલ છે. આ લેવલ ઉમરના હિસાબે ખૂબજ વધારે આવેલ છે.

  હાલ કોઈ ડાઈટ કે કસરત નથી કરતો. પણ ફર્સ્ટ ગૂગલ ચેક માં તમારી પોસ્ટ વાંચી, તો ખૂબજ સારી માહિતી મળી. તે અનુસાર ડાયેટ અને કસરત કરવાનું ચાલુ કરું અને તમારા જેવો જ ફાયદો થાય તેવી આશા રાખું છું. ખૂબ ખૂબ આભાર.

  1. આપનું વજન જો ૯૮ હોય, તો ઘણું વધારે કહેવાય. જો તમે અત્યારથી જ વજન ઘટાડવાના પ્રયત્ન નહીં કરો, તો ઉમરની સાથે બીજા રોગો થવાની શક્યતા રહેશે. તો કુદરતી જીવન શૈલી અપનાવીને ધીરજથી કામ લેશો. વજન ઝડપથી ઘટાડવું તે ઘણું ખતરનાક છે. તો ધીમે ધીમે વજન ઘટાડવાના પ્રયત્નો ચાલુ રાખો. કોઈપણ દવા બંધ કરતાં પહેલાં ડોક્ટર ની સલાહ જરૂર લેજો. આપના પ્રયત્નો અંગે ફીડબેક આપતા રહેજો.

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s