માર્ચ ૨૦૧૬ના પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ વિજેતા છે …..

મિત્રો, જો તમે આ લેખમાળાનો મૂળ લેખ ના વાંચ્યો હોય તો આપને આ લેખમાળા પાછળનો મૂળભૂત હેતુ જણાવી દઉં.

આપણે બધા જ સામાન્ય જિંદગીમાં ઘણીવાર નાની-મોટી મૂર્ખાઈવાળું કામ જાણે-અજાણે કરી બેસતા હોઈએ છીએ. પરંતુ કેટલાક લોકો તો એટલી મોટી મૂર્ખાઈનું કામ કરી નાખે છે કે તેઓ પોતે તેમ જ તેમનો પરિવાર બહુ મોટી મુશ્કેલીમાં મુકાઇ જાય છે. એટલા માટે મને વિચાર આવ્યો કે વાસ્તવિક જિંદગીમાંથી આવા મૂરખના સરદારને શોધીને તમારી સમક્ષ રજૂ કરું અને આપણે બધા મળીને તેને આપીએ “મૂરખનો સરદાર એવૉર્ડ”.

મિત્રો,  મેં વર્ષ ૨૦૧૬ની શરૂઆતમાં દર અઠવાડિયે “મૂરખનો સરદાર એવૉર્ડ” અર્પણ કરવાની આ લેખમાળા શરુ કરી, ત્યારે મને થોડી આશંકા હતી કે કદાચ દર અઠવાડિયે આ એવોર્ડના યોગ્ય દાવેદાર મળશે કે નહીં. ખરેખર એવું બનત, એટલેકે કોઈ અઠવાડિયે લોકોની મૂરખાઈનો એક પણ કિસ્સો વાંચવા ના મળત, તો મને ઘણો આનંદ થાત. પરંતુ અફસોસની વાત છે કે લોકોની મૂર્ખાઈના કિસ્સાઓ ધાર્યા કરતાં વધારે પ્રમાણમાં છાપાઓમાં પ્રકાશિત થયા કરે છે. વળી છાપામાં આવતા નથી એવા તો કેટલાય કિસ્સાઓ બનતા હશે, એ તો અલગ !!!

વાસ્તવમાં આ લેખમાળા શરુ કરવા પાછળનો મારો હેતુ મૂરખાઈભર્યાં કામ કરનારાઓની મજાક ઉડાવવાનો જરાપણ નથી, પરંતુ આવા કિસ્સાઓ વાંચીને લોકો સજાગ બને અને આવા બનાવો ફરીથી ના બને તે દ્રષ્ટિકોણથી આ લેખમાળા શરુ કરી છે. તો આપ સર્વેને સજાગ અને સાવચેત બનવાની વિનંતી સાથે આપણે આગળ વધીએ નવા એવોર્ડ વિજેતાની શોધમાં ……..

૧) આપણી જૂની અને જાણીતી કહેવત ફરી યાદ કરવી પડશે કે “લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે” ! અમદાવાદના ચાંદખેડામાં રહેતા ઓએનજીસીના નિવૃત કર્મચારીને મોબાઈલ પર ફોન આવ્યો કે તેમને સિક્રેટ ફંડના રૂપિયા ૨૧ લાખ મળે છે, તો બેંક ખાતાની વિગત જણાવો. આટલી મોટી રકમ સામેથી મળવાની ઓફર આવતાં રાજીના રેડ થયેલ આ ભાઈએ તરત જ પોતાની બધી વિગત મોકલી. સામેવાળા ગઠીયાને ખ્યાલ આવી ગયો કે માછલી જાળમાં ફસાઈ છે, એટલે તેણે પહેલાં રૂ ૩ લાખ સિક્યુરિટી પેટે માગ્યા. તે જમા થયા એટલે વળી બીજા પૈસા માગ્યા. આમ રૂ ૨૧ લાખ મેળવવાના લોભમાં છ મહિનાના ગાળામાં આ પ્રૌઢ વ્યક્તિએ જિંદગીભરની બચતના રૂ ૬૬ લાખ ટૂકડે ટૂકડે ઠગ ટુકડીના ખાતામાં જમા કરાવી દીધા. છેવટે છેતરાયાનો અહેસાસ થતાં પોલીસ ફરિયાદ કરી.

તો હવે વિગતથી વાંચો તા.૦૩-૦૩-૨૦૧૬ના “નવગુજરાત સમય”માં છપાયેલ આ સમાચાર અને લોભ કરવા જતાં અને મફતની કમાણી કરવા જતાં છેતરાયેલા ચાંદખેડાના આ પ્રૌઢને આપણે બધા સાથે મળીને અર્પણ કરીએ માર્ચ ૨૦૧૬ના પહેલા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“.

20160322_170229

 

આપણે આશા રાખીએ કે આવા સમાચાર વાંચીને લોકોમાં જાગૃતિ આવે અને ‘મફત’ મેળવવાની લાલચ છોડીને આ રીતે છેતરાઈ જતા અટકે.

૨) અમદાવાદના સ્મિત પાંડે નામના એક ગઠીયાએ પોલીસની “સાયબર ક્રાઈમ” શાખામાં નોકરી અપાવવાની લાલચ આપી તેના પાડોશી વિરલભાઈ પાસેથી રૂ ૮૫ હજાર પડાવ્યા. તે પછી કુલ ૨૦ લોકોની ભરતી કરવાની છે તેમ સમજાવીને વિરલભાઈના મિત્રો અને ઓળખીતાઓ પાસેથી પણ પૈસા પડાવ્યા. એટલું જ નહિ, મહિલા પોલીસની ભરતી કરવાની છે, તેમ કહી વિરલભાઈનાં પત્નીને પણ નોકરીની લાલચ આપી બીજા રૂ ૭૦ હજાર પડાવ્યા.

આ ગઠીયો સ્મિત એટલો તો હોશિયાર હતો અને તેની જાળમાં ફસાયેલા તમામ લોકો એટલા બધા મૂરખ હતા કે સ્મિતે આ બધા લોકોને પોલીસ ખાતામાં નિમણુંક થઇ ગઈ છે તેમ સમજાવીને તેમની ટ્રેનીંગના ભાગ રૂપે અમદાવાદના જુદા જુદા ભાગમાં શંકાસ્પદ લોકોને શોધવાનું કામ પણ શરુ કરાવ્યું. પોતાની જાતને પોલીસ માનીને અમદાવાદના જૂદા જૂદા વિસ્તારોમાં ફરીને શંકાસ્પદ લોકોને શોધતા ફરતા આ લોકો કેવા મૂરખ લગતા હશે તે વિચારીને પણ મારું તો હસવું સમાતું નથી. વળી શાહીબાગની એક હોટેલમાં ઈન્ટરવ્યૂનું નાટક પણ કર્યું. અંતે આ બધા લોકોને પોતે ઠગાયા છે તેવું ભાન થયું ત્યારે પોલીસમાં રૂ ૬.૬૩ લાખની ઠગાઈની ફરિયાદ કરી.

તો હવે વિગતથી વાંચો તા.૧૯-૦૩-૨૦૧૬ના “નવગુજરાત સમય”માં છપાયેલ આ સમાચાર અને આપણે બધા સાથે મળીને નિર્ણયનગરના વિરલભાઈ સહિત ૨૦ લોકોને અર્પણ કરીએ માર્ચ ૨૦૧૬ના બીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“.                  

20160322_170054

૩) ચાલુ લિફ્ટના દરવાજામાંથી માથું બહાર કાઢે તેવા માણસને શું કહેવાય ? મૂરખનો સરદાર જ ને !

કરણ કોષ્ઠી નામનો ૧૯ વર્ષનો અમદાવાદનો યુવાન મસ્કતી માર્કેટમાં લીફ્ટમાં ઉપર જતો હતો, ત્યારે લીફ્ટના દરવાજામાંથી માથું બહાર કાઢતાં માથું ચગદાઈ જતાં મૃત્યુ પામ્યો હતો.

વિગતવાર સમાચાર માટે જુઓ ૦૨-૦૪-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ સમાચારની આ ક્લિપ. 

20160407_121422

અણમોલ જિંદગી ગુમાવનાર આ યુવાન પ્રત્યે સહાનુભુતી અને અનુકંપા. પરંતુ ચાલુ લીફ્ટના દરવાજામાંથી માથું બહાર કાઢવાની મહામોટી ભૂલ કરવા માટે આ યુવાનને અર્પણ છે માર્ચ ૨૦૧૬ના ત્રીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” !

૪) એક ગઠીયાએ ફેસબુક પર અમેરિકન આર્મી કેપ્ટન તરીકે જૂઠી ઓળખાણ આપી કિંમતી વસ્તુઓનું પાર્સલ છોડાવવાના બહાને અમદાવાદની નંદી નામની મહિલા પાસેથી રૂ ૪૧ લાખ પડાવ્યા.

વિગતવાર સમાચાર માટે જુઓ ૨૪-૦૩-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ સમાચારની આ ક્લિપ.        

20160407_121317 - Copy

ફક્ત ફેસ્બુકની મિત્રતાના આધારે અને કિંમતી વસ્તુઓ મેળવવાની  લાલચમાં રૂ ૪૧ લાખ જેવી મસમોટી રકમ ગુમાવનાર આ નંદીબેનને અર્પણ છે માર્ચ ૨૦૧૬ના ચોથા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” !

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “મૂરખનો સરદાર કોણ છે ?” પર જવા અહીં ક્લિક કરો. 
અગાઉનો “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો.  
આના પછીનો “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો.  
આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશ ત્રિવેદી 

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s