મૂરખનો સરદાર કોણ છે?

images

આપણને બધાને બીજા લોકોની મૂર્ખાઈની વાત કરવામાં અને તેને ચગાવવામાં બહુ જ રસ પડે છે. તમે કોઈપણ પાનના ગલ્લે, બગીચાને બાંકડે, ઓફીસના લંચરૂમમાં, શેરી કે પોળના નાકે, મંદિરને ઓટલે કે ગામના ચોતરા પર લોકોની ચોવટ ચાલતી હોય, ત્યાં જઈને ધ્યાનથી સાંભળશો તો, ત્યાં મોટેભાગે બીજા લોકોની મૂર્ખાઈની વાતો જ થતી સંભળાશે.

કોઈ જગ્યાએ ફલાણો બેટ્સમેન કેવી મૂર્ખાઈથી આઉટ થઇ ગયો અથવા ઢીંકણા બોલરે કેવી મૂર્ખાઈથી વધારે રન આપી દીધા, તેવી વાતો ચાલતી હશે, તો વળી કોઈ જગ્યાએ અમુક રાજકારણી કેવી મૂર્ખાઈથી સરકાર ચલાવે છે અથવા અને તમુક રાજકારણી કેવી મૂર્ખાઈથી બરોબર વિરોધ કરી શકતો નથી, તેવી વાતો ચાલતી હશે.

કોઈ જગ્યાએ ફલાણી સાસુ કેવી મૂર્ખાઈથી તેની વહુની બેહુદી વર્તણૂક સહન કરે છે અથવા ઢીંકણી વહુ કેવી મૂર્ખાઈથી તેની સાસુની સેવા કે ધોલાઈ કરે છે, તેવી વાતો ચાલતી હશે, તો વળી કોઈ જગ્યાએ અમુક પૂજારી પૂજા કરવામાં કેવી મૂર્ખાઈ કરે છે અને તમુક કથાકાર કથા વાંચવામાં કેવી મૂર્ખાઈ કરે છે, તેવી વાતો ચાલતી હશે.  

ટૂંકમાં દરેક જણને એમ લાગે છે કે મારા સિવાય દુનિયામાં દરેક જણ મૂરખ જ છે. જો કે થોડું આત્મનિરિક્ષણ કરીએ તો ખ્યાલ આવે છે કે આપણે પોતે ઘણીવાર અને વારંવાર મૂર્ખાઈભર્યું વર્તન કે કાર્ય કરતા હોઈએ છીએ અને તેને દોહરાવતા પણ હોઈએ છીએ. વાસ્તવમાં દરેક જણ નાની-મોટી મૂર્ખાઈ તો કરતા જ રહેતા જ હોય છે. ફર્ક માત્ર એટલો છે કે કોઈને તેનો અહેસાસ તરત જ થઇ જાય છે, તો વળી બીજા કોઈને તેનો અહેસાસ બે-ચાર મહીને કે વર્ષે થાય છે. જયારે કોઈ તો એવા રીઢા અને અહંકારી હોય છે કે જુવાનીમાં કરેલી મૂર્ખાઈઓ ઘરડા થાય તો ય સ્વીકારતા નથી.

ગમે તેમ હોય, પણ એક વાત તો નક્કી જ છે કે આપણને બધાને બીજાઓની મૂર્ખાઈની વાતો સાંભળવામાં ખૂબ આનંદ આવે છે. નાનાં બાળકો અનુભવના અભાવે ચોવટ કરીને આવો આનંદ  લઇ શકતા નથી, તેથી તેઓ મૂરખ પાત્રો અને તેમના છબરડાઓની વાર્તાઓ વાંચીને કે સાંભળીને અથવા તેવી ટીવી સિરિયલ (બધી કાર્ટુન સીરીયલ) જોઇને આનંદ લે છે. બાળપણમાં મહાન મૂરખ પાત્ર “અડવા”ની વાતો બધાએ વાંચી જ હશે. વળી ટીડા જોશી, મિયાં ફૂસકી, શેખચલ્લી, જેવાં અનેક પાત્રો (જે બધાં તેના સર્જકોએ સાચૂકલાં માણસો પરથી પ્રેરણા લઈને જ સર્જયાં છે) આપણા બાળપણને આનંદિત બનાવી ચૂક્યાં છે.

તે જ રીતે સરકસમાં જોકર, નાટકમાં વિદૂષક  અને ફિલ્મમાં કોમેડિયન તેમની મૂર્ખાઈભરી હરકતોથી આપણને મનોરંજન પૂરું પાડે છે. અત્યારે લોકપ્રિય બની રહેલા “જોક્સ” પણ વાસ્તવમાં જે તે પાત્રની મૂર્ખાઈભરી હરકતોને લીધે જ આપણને મનોરંજન પૂરું પડે છે, પછી ભલે તે પાત્ર “સરદારજી” હોય કે “બાપુ” હોય, સંતા-બંતા હોય કે છગન-લીલી હોય, કોઈ “નેતા” હોય કે “અભિનેતા” હોય, “પત્ની” અથવા “પતિ” હોય કે “સ્ત્રી” અથવા “પુરુષ” હોય.          

સાહિત્યનો એક નાનો સરખો ભાગ ગણાતું હાસ્યસાહિત્ય અત્યારે “જોક્સ”ની લોકપ્રિયતાને લીધે કદાચ સૌથી વધારે વંચાતા સાહિત્યપ્રકારમાં આવી ગયું હશે. તેને લીધે ગંભીર સાહિત્યનું પુસ્તક હોય કે ફિલ્મી મેગેઝીન હોય, સમાચારપત્ર હોય કે જ્ઞાતિનું મુખપત્ર હોય, દરેકમાં જોક્સ માટે જગ્યા ફાળવવામાં આવે છે. ફેસબુક અને વોટ્સ એપ જેવાં સોસિયલ મિડિયાનો વ્યાપ વધ્યા પછી જોક્સની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે અને દરરોજ હજારોની સંખ્યામાં જોક્સ પોસ્ટ થાય છે.

જોક્સની લોકપ્રિયતાનું એક કારણ એ છે કે તે હાસ્યસાહિત્યનું સૌથી ટૂંકું, રોમાંચક અને ચોટદાર ફોર્મેટ છે. આજનો જમાનો ઝડપનો છે. પાંચ દિવસની “ટેસ્ટમેચ” કરતાં એક દિવસની “વનડે મેચ” જલ્દીથી લોકપ્રિય બની ગઈ હતી, કારણકે તે ઓછા સમયમાં વધુ રોમાંચ પૂરું પડે છે. પરંતુ આ લોકપ્રિયતા લાંબો સમય ટકી નહીં, કારણકે તે પછી ૨૦ ઓવરની “ટી-ટ્વેન્ટી મેચ” આવી ગઈ, જે વનડે મેચ કરતાં પણ ઓછા સમયમાં તેનાથી વધુ રોમાંચ પૂરો પાડે છે. આમ અત્યારે ક્રિકેટમાં ટી-ટ્વેન્ટી મેચ સૌથી વધુ લોકપ્રિય ફોર્મેટ છે.

જોક્સની બાબતમાં પણ આવું જ કંઈક થયું છે. બસ્સો પાનાની હાસ્યનવલકથાનો જમાનો તો ક્યારનો ય જતો રહ્યો હતો, પરંતુ હવે તો ચાર-પાંચ પાનાની હાસ્યનવલિકા વાંચવાનો સમય પણ કોઈ પાસે નથી. કેટલાક લોકો એક પાનાનો હાસ્યલેખ વાંચી સંતોષ અનુભવે છે, જયારે મોટાભાગના લોકો તો ચાર-પાંચ લીટીનો જોક વાંચીને જ ઓડકાર ખાઈ લે છે.                    

જોક્સની વાત નીકળી છે, તો એક વાત ધ્યાનમાં આવી. છેલ્લાં કેટલાંક વર્ષોથી “સરદારજી”ના પાત્રને ખોટી રીતે મજાકનું સાધન બનાવી દેવામાં આવ્યું છે અને સોસિયલ મિડિયાનો વ્યાપ વધ્યા પછી તેનું પ્રમાણ ઘણું વધી ગયું છે. દરરોજ હજારોની સંખ્યામાં જોક્સ પોસ્ટ થાય છે, જેમાંથી મોટાભાગના જોક્સ “સરદારજી”ને માધ્યમ બનાવીને રજૂ થાય છે.

વાસ્તવમાં પંજાબની સરદાર કોમ એક બહાદુર, લડાયક, ખુમારીવાળી અને મહેનતકશ જાતિ છે. ભૂતકાળમાં તેમની બહાદુરીથી આપણી સંસ્કૃતિનું રક્ષણ થયું છે અને અત્યારે પણ સરદારજીઓ વગરના લશ્કરની કલ્પના થઇ શકે તેમ નથી. તદુપરાંત સરદારજીઓ સરકારમાં ઉચ્ચ હોદાઓ પર પણ પહોંચ્યા છે અને વિવિધ ધંધા-રોજગાર અને ઉદ્યોગોનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે. એટલા માટે સરદારજીને મૂરખ તરીકે રજૂ કરીને આપણે મોટી ભૂલ કરી રહ્યા છીએ.

એની વે, હવે આપણે પ્રશ્નરૂપમાં રહેલ આ લેખના શીર્ષક પર આવીએ કે ખરેખર મૂરખનો સરદાર કોણ છે ?

જો આપણે આજુબાજુ સુક્ષ્મ દ્રષ્ટિથી જોતા રહીએ, તો કેટલાય મૂરખ આપણને નજરે પડશે, જેઓ નાની-મોટી મૂર્ખાઈ કરતા રહેતા હોય છે. આવા લોકોમાંથી વધારે મૂર્ખાઈનું કામ કરનારને તો “મૂરખનો સરદાર” કહેવો જ પડે ને !

તો મને વિચાર આવ્યો કે વાસ્તવિક જિંદગીમાંથી આવા મૂરખના સરદારને શોધીને તમારી સમક્ષ રજૂ કરું અને આપણે બધા મળીને તેને આપીએ “મૂરખનો સરદાર એવૉર્ડ”.

તો આ “મૂરખનો સરદાર એવોર્ડ” જીતનાર ભાગ્યશાળી (કમનસીબ ?) કોણ છે તે જાણવા નીચેની લીંક પર ક્લિક કરો:

૧)     વર્ષ ૨૦૧૫નો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ વિજેતા છે એક રાજસ્થાની યુવક, જે શરતમાં એક ફૂટ લાંબી લોખંડની સાણસી ગળી ગયો ! 

૨)     જાન્યુઆરી ૨૦૧૬ના પ્રથમ અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ વિજેતા છે સેલ્ફી લેવાના ચક્કરમાં સમુદ્રમાં પડેલી મુંબઈની ત્રણ યુવતીઓ.

૩)     જાન્યુઆરી ૨૦૧૬ના બીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ વિજેતા છે ‘રસમ અને સંભાર’ પસંદ ના પડવાથી લગ્ન ફોક કરનાર બેંગ્લોરના વરરાજા.

૪)     જાન્યુઆરી ૨૦૧૬ના ત્રીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ વિજેતા છે સેલ્ફી લેવા જતાં ટ્રેન નીચે આવી ગયેલ ચેન્નઈનો દિનેશકુમાર !

૫)     જાન્યુઆરી ૨૦૧૬ના ચોથા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ વિજેતા છે યુપીનો એક યુવક જે ફેસબુક પરની તેની પ્રેમીકાને મળવા ગયો, તો તે તેની પત્ની જ નીકળી!

તા. ૨૮-૦૨-૨૦૧૬

તા.૦૪-૦૨-૨૦૧૬ના રોજ આ લેખ પોસ્ટ કર્યો ત્યારે એવો અભિપ્રાય વ્યક્ત કરેલ કે “સરદારજી”ના પાત્રને મૂરખ તરીકે ચીતરીને આપણે બધા ઘણી મોટી ભૂલ કરી રહ્યા છીએ અને મારા આ મંતવ્યને ટેકો આપતા હોય એવા સમાચાર તરત જ વાંચવા મળ્યા.

તા. ૧૭-૦૨-૨૦૧૬ના “ગુજરાત સમાચાર”માં વાંચ્યું કે “સરદારજી” પર વધતા જતા જોક્સથી વ્યથિત થઈને દિલ્હીના શીખ સમાજના વિવિધ જૂથોએ સુપ્રીમ કોર્ટમાં આવા જોક્સ અટકાવવા કોર્ટને રજૂઆત કરી છે. વિગતવાર સમાચાર નીચેની ક્લીપમાં વાંચો:

20160225_120016

જો તમે પણ આ વિચાર સાથે સંમત હો તો “સરદારજી” પરના જોક્સ સાંભળવાનું, કહેવાનું કે સોશિયલ મિડિયા પર પોસ્ટ કરવાનું બંધ કરો, પ્લીઝ, કારણકે ખરેખરા મૂરખાઓ તો બીજા કોઈક જ છે !!!

ચાલો હવે આગળ જોઈએ કે ફેબ્રુઆરી મહિનાના પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ”ના દાવેદાર કોણ છે !

૬)     ૩૦ ટકા વળતરની લ્હાયમાં રૂપિયા ગુમાવનાર લોકોને મળે છે ફેબ્રુઆરી ૨૦૧૬ના પહેલા  અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” !

૭)     સેલ્ફી લેવા જતાં ડેમમાં ડૂબી જનાર સૌરભ મેળવે છે ફેબ્રુઆરી ૨૦૧૬ના બીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” !

૮)     એક વર્ષમાં પૈસા “ડબલ” કરાવવા જતાં રૂ.૧૯.૧૪ લાખ ગુમાવનાર અમદાવાદના બેંક કર્મચારી ભાનુકાન્તભાઈને મળે છે ફેબ્રુઆરી ૨૦૧૬ના ત્રીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” !

૯)     સાધુઓ પાસે ધાર્મિક વિધિ કરાવી કરોડો રૂપિયા મેળવવા જતાં રૂ. ૩.૧૫ લાખ ગુમાવનાર રાણીપના યુવકને મળે છે ફેબ્રુઆરી ૨૦૧૬ના ચોથા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” !

૨૯-૦૨-૨૦૧૬

મિત્રો,  દર અઠવાડિયે “મૂરખનો સરદાર એવૉર્ડ” અર્પણ કરવાની આ લેખમાળા શરુ કરી, ત્યારે મને થોડી આશંકા હતી કે મને કદાચ દર અઠવાડિયે આ એવોર્ડના યોગ્ય દાવેદાર મળશે નહીં. ખરેખર એવું બનત, એટલેકે કોઈ અઠવાડિયે લોકોની મૂરખાઈનો એક પણ કિસ્સો વાંચવા ના મળત, તો મને ઘણો આનંદ થાત. પરંતુ અફસોસ છે કે મુર્ખાઈના કિસ્સા ધાર્યા કરતાં વધારે પ્રકાશિત થયા કરે છે. વળી છાપામાં આવતા નથી એવા તો કેટલાય કિસ્સાઓ બનતા હશે ને !!!

વાસ્તવમાં આ લેખમાળા શરુ કરવા પાછળનો મારો હેતુ મૂરખાઈભર્યાં કામ કરનારાઓની મજાક ઉડાવવાનો જરાપણ નથી, પરંતુ આવા કિસ્સાઓ વાંચીને લોકો સજાગ બને અને આવા બનાવો ફરીથી બને નહિ તે દ્રષ્ટિકોણથી આ લેખમાળા શરુ કરી છે. તો આપ સર્વેને સજાગ અને સાવચેત બનવાની વિનંતી સાથે આપણે આગળ વધીએ નવા એવોર્ડ વિજેતાની શોધમાં ……..

૧૦) માર્ચ ૨૦૧૬ના પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ વિજેતા છે …..

૧૧) એપ્રિલ ૨૦૧૬ના પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ વિજેતા છે …..

૧૨) મે ૨૦૧૬ના પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ વિજેતા છે …..

૧૩) જૂન ૨૦૧૬ના પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ વિજેતા છે …..

૧૪) જુલાઈ ૨૦૧૬ના પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ વિજેતા છે …..

 

આ લેખ અંગે તમારો પ્રતિભાવ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશ ત્રિવેદી  

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s