૧) શ્રેષ્ઠ દાનવીર કોણ છે ?

dan2

આજના વિષય પર જતાં પહેલાં તમને એક સામાન્ય સવાલ પૂછું છું…..

“મનુષ્ય અને જાનવરમાં ફરક શું ?”

માફ કરજો, જો તમને આ વાક્યના શબ્દો ખૂંચતા હોય, તો આ જ પ્રશ્ન હવે સારા શબ્દોમાં પૂછું છું :

“માનવજાતની કઈ ખાસિયતો તેમને પ્રાણીઓથી અલગ પાડીને શ્રેષ્ઠ જાતિ બનાવે છે ?”

મારી દ્રષ્ટીએ આ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે (તમારો જુદો અભિપ્રાય હોય તો પ્લીઝ જણાવજો) :

આપણે જાણીએ છીએ કે કુદરતી રીતે મનુષ્ય અને પ્રાણીઓનાં મોટાભાગનાં લક્ષણો અને વર્તન વધતાઓછા અંશે સરખાં હોય છે, જેવાંકે ખાવું, ઊંઘવું, બોલવું, રડવું, યાદ રાખવું, આનંદ કે ડર જેવી સંવેદનાઓ વ્યક્ત કરવી, ખોરાક મેળવવા માટે પ્રયત્ન કરવા, નર કે માદાને આકર્ષવા પ્રયત્ન કરવા, વંશવૃદ્ધિ કરવી, પોતાનાં બચ્ચાંનું જતન કરવું, પ્રતિસ્પર્ધીનો સામનો કરવો, ભવિષ્ય માટે ખોરાકનો સંગ્રહ કરવો, સામુહિક જીવન જીવવું,  વિગેરે વિગેરે.  

પણ મનુષ્યમાં ત્રણ એવી મુખ્ય લાક્ષણીકતાઓ છે, જે પ્રાણીઓમાં નથી અને તેને લીધે જ માનવજાત પ્રાણીઓથી અલગ પડીને પોતાને કુદરતની શ્રેષ્ઠ જાતિ બનાવે છે.

આવી સૌ પ્રથમ લાક્ષણીકતા છે હસવાની ક્રિયા. અલબત્ત પ્રાણીઓ પણ પોતાની ખુશ થવાની ઘટનાને વત્તાઓછા અંશે શરીરની ભાષા (બોડી લેન્ગવેજ) દ્વારા અભિવ્યક્ત કરી શકે છે, પરંતુ તેઓ હસી શકતાં તો નથી જ. વાસ્તવમાં “હસવાની ક્ષમતા” એ મનુષ્યને ઈશ્વર તરફથી મળેલ મોટી ભેટ છે. તેથી આપણે બધાએ તેનો મહત્તમ લાભ ઉઠાવવો જોઈએ અને સદા હસતા અને હસાવતા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.

બીજી ખાસિયાત છે મનુષ્યની લખવા, વાંચવા અને વિચારવાની ક્ષમતા. કુદરતની આ અણમોલ દેણને લીધે મનુષ્ય અનેક સામાજીક, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સિદ્ધિઓ મેળવીને સમગ્ર સ્રુષ્ટિનું માનવજીવન સરળ, સુખી, સમૃદ્ધ અને સગવડતાવાળું બનાવી શક્યો છે.

મનુષ્યને પ્રાણીઓથી જુદી પાડતી ત્રીજી અને સૌથી અગત્યની ખાસિયાત છે મનુષ્યની દરેક જીવમાત્રને મદદરૂપ અને ઉપયોગી થવાની ભાવના અને ક્રિયા, જે “માણસાઈ” અથવા “માનવતા”  તરીકે ઓળખાય છે.

આ લાક્ષણીકતાને હું સૌથી શ્રેષ્ઠ શા માટે ગણું છું, તે હવે સમજાવું. અત્યારના આશ્ચર્યજનક વૈજ્ઞાનિક સિદ્ધિઓના જમાનામાં મનુષ્યે અદભૂત રોબોટનું સર્જન કર્યું છે, જે મનુષ્યના જેવી અને જેટલી (કદાચ થોડી વધારે!) લગભગ બધી જ ક્ષમતાઓ ધરાવે છે. આ રોબોટ લખી શકે છે, વાંચી શકે છે અને વિચારી પણ શકે છે, તેમ જ મનુષ્ય કરે છે, લગભગ તે બધાં જ કાર્ય, કદાચ થોડી વધારે કુશળતાથી, કરી શકે છે.

અલબત્ત અત્યારે રોબોટ હસવાની ક્ષમતા જેવી અમુક લાક્ષણીકતા ધરાવતા નથી. પરંતુ મને ખાત્રી છે કે નજીકના ભવિષ્યમાં તેવી ક્ષમતા ધરાવતા રોબોટ પણ બની જશે. પરંતુ મને દ્રઢ વિશ્વાસ છે કે માનવતાનો ગુણ ધરાવતા રોબોટ તો નહીં જ બની શકે. એટલે ભવિષ્યમાં તો મનુષ્યને બીજી પ્રજાતિઓથી જુદી પાડતી એકમાત્ર લાક્ષણીકતા “માનવતા”નો ગુણ જ રહેશે!   

આટલી પૂર્વભૂમિકા પછી હવે આપણે આજના મૂળ વિષય પર પાછા આવીએ.

આપણે જોયું કે આપણી શ્રેષ્ઠ લાક્ષણીકતા “માનવતા” એ સૃષ્ટિના દરેક જીવમાત્રને મદદરૂપ થવાની ભાવના અને ક્રિયા છે. માનવતા ધરાવતો દરેક માણસ પોતાની ક્ષમતા અને લાયકાત અનુસાર જરૂરિયાતવાળા યોગ્ય પાત્રને (તે માનવ, જાનવર, વનસ્પતિ કે પ્રકૃતિનો કોઈપણ અંશ હોઈ શકે) યથાશક્તિ અન્ન, વસ્ત્ર, દ્રવ્ય, શિક્ષણ, સારવાર, સેવા, સાથ, સહકાર, શુભેચ્છા, કે આશીર્વાદ આપે છે. આવી શારીરિક, માનસિક અથવા આર્થિક એવી કોઈ પણ સેવાને આપણે સામાન્ય રીતે “દાન” તરીકે જાણીએ છીએ. દાન અનેક પ્રકારે થઇ શકે છે, જેમકે અન્નદાન, વસ્ત્રદાન, ગૌદાન, દ્રવ્યદાન, શ્રમદાન, વિદ્યાદાન, જ્ઞાનદાન, શુભેચ્છાદાન, આશીર્વાદદાન વિગેરે.

મોટેભાગે એવો ખ્યાલ પ્રવર્તે છે કે ધનવાન માણસ જ શ્રેષ્ઠ દાનવીર બની શકે છે, પરંતુ તે માન્યતા સાચી નથી. ગરીબમાં ગરીબ માણસ પણ શ્રેષ્ઠ દાનવીર હોઈ શકે છે. ચાલો જોઈએ કે આ કઈ રીતે શક્ય બની શકે છે.

પહેલાં એક ઉદાહરણથી આ વાત સમજીએ. ધારોકે કોઈ સામાજીક કાર્ય માટે ૧૦ કરોડની સંપત્તિ ધરાવતો એક ધનવાન માણસ ૧ કરોડનું દાન કરે છે અને ૧૦ હજારની સંપત્તિ ધરાવતો એક સામાન્ય માણસ ૯ હજારનું દાન કરે છે. તો આ બંનેમાં કયો માણસ મોટો દાનવીર ગણાય?

પહેલી નજરે તો ૯ હજાર કરતાં ૧ કરોડ ઘણી મોટી રકમ હોવાથી ધનવાન માણસ મોટો દાનવીર લાગે છે. પરંતુ ઝીણવટભરી દ્રષ્ટીએ જોઈએ તો ખ્યાલ આવે છે કે ધનવાન માણસે પોતાની સંપતિના ૧૦%નું એટલેકે દશમા ભાગની સંપત્તિનું જ દાન કર્યું છે, જયારે સામાન્ય માણસે તો પોતાની સંપતિના ૯૦%નું એટલેકે ૯૦ ભાગની સંપત્તિ દાન તરીકે આપી છે. એટલેકે સામાન્ય માણસે કરેલું દાન ધનવાન માણસના દાન કરતાં નવ ગણું મોટું છે. માટે આ કિસ્સામાં સામાન્ય માણસ મોટો દાનવીર ગણાય.  

આ જ વાતને બીજા શબ્દોમાં કહીએ તો જે વ્યક્તિ પોતાની પાસે જે કંઈ હોય તેમાંથી વધારે મોટા ભાગનું દાન કરે, તેને શ્રેષ્ઠ દાનવીર કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો જે વ્યક્તિ પોતાની સૌથી કિંમતી ચીજનું દાન કરે તેને શ્રેષ્ઠ દાનવીર કહેવાય. હવે સવાલ એ થાય છે કે વ્યક્તિ માટે તેની સૌથી કિંમતી ચીજ કઈ ગણાય?

આ બાબત સારી રીતે સમજવા માટે તમારે મારી સાથે ઇતિહાસમાં થોડા પાછળના યુગમાં આવવું પડશે. તો ચાલો આપણે આઝાદીનો સમયકાળ વટાવી, અંગ્રેજોનો કાર્યકાળ પણ વટાવીને મોગલયુગમાં પહોંચી જઈએ.

ભારતમાં મોગલ સામ્રાજયની સ્થાપના કરનાર મોગલ સમ્રાટ બાબર તેના પુત્ર હુમાયુની જીવલેણ માંદગીથી અત્યંત ચિંતિત છે, કારણકે શ્રેષ્ઠ વૈદકીય સારવાર પછી પણ હુમાયુ સાજો થતો નથી. છેલ્લા ઉપાય તરીકે કોઈ ડાહ્યા માણસે બાબરને સૂચન કર્યું કે તમે તમારી સૌથી કિંમતી ચીજ ખુદાને અર્પણ કરી દો અને બદલામાં ખુદા પાસે હુમાયુની જિંદગી માગી લો, તો કદાચ ખુદા હુમાયુની જિંદગી બક્ષી દેશે!

લોકોએ સ્વાભાવિક રીતે માની લીધું હશે કે બાદશાહ પોતાનો ભવ્ય મહેલ અથવા સાચાં મોતીનો હાર અથવા હીરાજડિત સોનાના મુગટ એવી કોઈ ચીજને પોતાની સૌથી કિંમતી ચીજ ગણીને તેનું દાન કરશે. પણ બાબરે તો કોઈપણ દુન્યવી ચીજને બદલે પોતાનો જીવ પોતાના માટે સૌથી કિંમતી છે, તેમ જાહેર કરીને ખુદાને અરજ કરી: હે ખુદા, મારો જીવ હું તમને અર્પણ કરું છું, તે સ્વીકારી લો અને બદલામાં મારા પુત્રને સાજો કરી દો. એમ કહેવાય છે કે તે પછી હુમાયુ ધીરે ધીરે સાજો થવા માંડ્યો અને બાબર બીમાર થઈને મૃત્યુને વર્યો. કદાચ, ખુદાને પણ આવડા મોટા દાન કે સમર્પણનું માન રાખવું હશે!

આનાથી પણ ચડિયાતા પ્રાણદાનનો બીજો દાખલો આપણા પૌરાણિક કાળમાં મળે છે. મહાબળવાન રાક્ષસ વૃત્રાસુર સ્વર્ગના દેવોને યુદ્ધમાં પરાજિત કરીને ઇન્દ્રાસન કબજે કરે છે. દેવતાઓનાં દૈવી આયુધો આ રાક્ષસને હણી શકવા શક્તિમાન નથી. છેવટે એવો ઉપાય વિચારવામાં આવ્યો કે જો કોઈ મહાતપસ્વી ઋષિનાં હાડકાંમાંથી આયુધ બનાવવામાં આવે, તો તેના વડે વૃત્રાસુરનો વધ કરી શકાશે.

તે વખતે આવા એકમાત્ર ઋષિ હતા દધીચિઋષિ. એટલે ઇન્દ્ર જાતે દધીચિઋષિ પાસે ગયા અને તેમનાં હાડકાં દાનમાં માગ્યાં. દધીચિઋષિ એટલા મહાન હતા કે એક પણ ક્ષણનો વિચાર કર્યાં સિવાય આ વાત સ્વીકારીને પોતાનો દેહત્યાગ કરી દીધો. ઇન્દ્રે તેમનાં હાડકાંમાંથી મહાશક્તિશાળી આયુધ બનાવ્યું, જે “વજ્ર” તરીકે ઓળખાયું. આ વજ્રના પ્રહારથી વૃત્રાસુરનો વધ કરીને ઇન્દ્રે પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. 

બાબરના પ્રાણદાન કરતાં દધીચિઋષિના પ્રાણદાનને હું ચડિયાતું એટલા માટે ગણું છું કે બાબરને તો પ્રાણદાન કરીને પોતાના પુત્રને બચાવવાનો સ્વાર્થ હતો, જયારે દધીચિઋષિએ તો કોઈપણ સ્વાર્થ કે અપેક્ષા વગર પ્રાણદાન કર્યું હતું.     

(એક અગત્યની માહિતી: આપણા અમદાવાદમાં વાડજ પાસે સાબરમતી નદી ઉપર જે નવો પુલ બનાવવામાં આવ્યો છે, તેનું નામ “દધીચિ પુલ” રાખવામાં આવ્યું છે. આ પુલના વાડજ તરફના નાકે દધીચિ ઋષિનું સુંદર મંદિર પણ આવેલું છે.)

તો હવે તમે મારી સાથે સહમત થશો ને કે “પ્રાણદાન” કરનાર શ્રેષ્ઠ દાનવીર છે ?

હવે સવાલ એ છે કે પ્રાણદાનના તો આવા જવલ્લે જ જોવા મળતા ગણ્યાગાંઠયા કિસ્સા છે. વળી હાલના જમાનામાં પ્રાણદાન વ્યાવહારિક કે ઉપયોગી નથી, તો અત્યારે શ્રેષ્ઠ દાન કોને ગણવું.

તેનો જવાબ છે કે અત્યારના જમાનામાં “અંશતઃ પ્રાણદાન” એટલે કે “અંગદાન” કરીને દરેક વ્યક્તિ શ્રેષ્ઠ દાનવીર બની શકે છે.

અંગદાનનો વિચાર કંઈ નવો વિચાર નથી. આપણામાંથી ઘણાએ રક્તદાન તો કરેલ જ હશે અને કેટલાકે તો એક કરતાં વધારે વખત રક્તદાન કરેલ હશે. આ ઉપરાંત કીડનીદાન વિષે પણ મોટાભાગના લોકો જાણતા જ હશે. ભગવાને આપણને બે કીડની આપી છે, પરંતુ આપણું શરીર એક કીડની વડે પણ સરળતાથી કામ ચલાવી શકે છે. એટલે જો કોઈ વ્યક્તિની બંને કીડની ખરાબ થઇ જાય, તો અન્ય કોઈ તંદુરસ્ત વ્યક્તિ પોતાની એક કીડની દાન કરીને તેનો જીવ બચાવી શકે છે.

રક્તદાન અને કીડનીદાન -આ બંને પ્રકારનાં અંગદાન, વ્યક્તિ જીવંત હોય ત્યારે કરે છે. જયારે મૃત્યુ પછી કરાતાં અંગદાનમાં ચક્ષુદાન ખુબ જાણીતું અને સામાજીક રીતે સ્વીકાર્ય અંગદાન છે.

પરંતુ શું તમે જાણો છો કે રક્તદાન, કીડનીદાન અને ચક્ષુદાન ઉપરાંત શરીરનાં અન્ય ઘણાં બધાં અંગોનું પણ દાન કરી શકાય છે?       

જો તમારો જવાબ “ના” માં હોય તો આ લેખ તમારે પૂરો વાંચવો જ રહ્યો.  

સાચું કહું તો મને પણ વિવિધ પ્રકારનાં અંગદાન વિષે ખાસ કંઇ જાણકારી કે જાગૃતિ નહોતી. પરંતુ તાજેતરમાં ૧૩-૦૮-૨૦૧૫નો દિવસ “અંગદાન” દિવસ તરીકે ઉજવાયો, ત્યારે મને વર્તમાનપત્રો દ્વારા અંગદાન વિષે થોડી માહિતી જાણવા મળી. આ પછી આ વિષય પર વધુ અભ્યાસ કરતાં મને જાણવા મળ્યું કે આપણા દેશમાં લાખો લોકો કીડની, લીવર, હૃદય, ફેફસાં, આંતરડાં, સ્વાદુપિંડ જેવાં અગત્યના અંગો ખરાબ થવાથી ગંભીર શારીરિક તકલીફો ભોગવે છે, જેનો એકમાત્ર ઉપાય બીજી વ્યક્તિનાં સાજાંસારાં અંગો મેળવીને પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટ) કરવાનો છે.

આવું અંગદાન કેટલાક કિસ્સામાં મૃત્યુ પછી અને મોટાભાગના કિસ્સામાં “મગજમૃત્યુ (બ્રેઈનડેડ)” પછી થઇ શકે છે. પરંતુ આપણા દેશમાં “મૃત્યુ પછીનાં અંગદાન” વિષે લોકોને પૂરતી જાણકારી અને જાગૃતિ ના હોવાથી, સાજાંસારાં અંગો જોઈતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. જેને પરિણામે અંગદાનઈચ્છુક લોકોનું વેઇટિંગ લિસ્ટ ઘણું લાંબુ છે અને વળી નિરંતર વધતું જ જાય છે.

તા. ૦૨-૦૮-૨૦૧૫ના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ આપણા દેશમાં દોઢ લાખ વ્યક્તિઓને કીડનીની જરૂરિયાત છે, જેની સામે વાર્ષિક ફક્ત ૩૦૦૦ કીડની જ મળે છે. તે જ રીતે ૨૫૦૦૦ લીવરની જરૂરિયાત સામે વાર્ષિક ફક્ત ૮૦૦ લીવર જ મળે છે. ઘણાં દુઃખની વાત છે કે પુરતાં અંગો નહીં મળવાથી વેઇટિંગ લિસ્ટના ૯૦%થી પણ વધારે લોકો જરૂરિયાતવાળાં અંગો સમયસર નહિ મળવાના કારણે મૃત્યુ પામે છે.      

મૃત્યુ હમેશાં દુઃખદાયક હોય છે અને તેમાંય નજીકના સ્વજનનું મૃત્યુ તો દરેક વ્યક્તિ માટે અત્યંત પીડાકારી હોય છે. પરંતુ દરેક જણ જિંદગીની કઠોર વાસ્તવિકતા જાણે છે કે સ્વજન ભલે ગમેતેટલું વહાલું હોય, તેના મૃત્યુ પછી તેનું શરીર સાચવી શકાતું નથી. હવે જો આવા બેહદ કિંમતી શરીરને મૃત્યુ પછી અગ્નિ કે ધરતીને શરણે ધરી દેવાનું જ હોય, તો પહેલાં તે શરીરમાંથી જે કંઇ સાજાંસારાં અંગો હોય, તે હોંશિયાર ડોક્ટર દ્વારા સન્માનપૂર્વક કાઢી લઈને જરૂરિયાતવાળા લોકોને પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટ) કરી તેમનો જીવ બચાવવાનો પ્રયાસ ના કરવો જોઈએ ?   

જો તમારો જવાબ “હા” માં હોય અને તમે “અંગદાન” વિષે વધુ માહિતી મેળવવા ઉત્સુક હો, તો હવે પછીના પ્રકરણ “અંગદાન શ્રેષ્ઠદાન” પર જવા અહીં ક્લિક કરો.

એક આડવાત. અંગદાન પર મેં લેખ તૈયાર તો કર્યો, પરંતુ તેને બ્લોગ પર પોસ્ટ કરવા જતાં મને મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંત જ્ઞાનેશ્વરનો એક પ્રસંગ યાદ આવી ગયો.

એકવાર સંત જ્ઞાનેશ્વર પાસે એક સ્ત્રી તેના ચાર પાંચ-વર્ષના બાળકને લઈને આવી અને સંતને વિનંતી કરી કે તેનું બાળક ગોળ બહુ ખાય છે, તો તેને જરા શિખામણ આપો કે તે ગોળ ઓછો ખાય. સંત જ્ઞાનેશ્વર થોડો વિચાર કરીને બોલ્યા: બહેન, તમે એક અઠવાડિયા પછી આ બાળકને લઈને આવજો.

એક અઠવાડિયા પછી આ સ્ત્રી પોતાના બાળકને લઈને ફરીથી આવી ત્યારે સંત જ્ઞાનેશ્વરે તે બાળકને વ્હાલથી કહ્યું: બેટા, હવેથી ગોળ ઓછો ખાજે. હવે તે સ્ત્રીને પ્રશ્ન થયો કે આવી સીધીસાદી વાત કહેવા માટે એક અઠવાડિયાની રાહ શા માટે જોઈ?

ત્યારે સંત જ્ઞાનેશ્વરે તે સ્ત્રીની શંકાનું સમાધાન કરતાં જણાવ્યું: બહેન, અઠવાડિયા પહેલાં હું પણ ગોળ બહુ ખાતો હતો, તો આ બાળકને ગોળ ના ખાવાની શિખામણ કઈ રીતે આપી શકું? પણ તે દિવસથી મેં ગોળ ખાવાનો બંધ કર્યો છે, માટે આજ હવે હું આ બાળકને ગોળ ના ખાવા માટેની શિખામણ આપવા માટે યોગ્ય બન્યો છું.

આમ જોવા જાઓ તો આ ઘણી નાની વાત છે, પરંતુ તે બહુ મોટો સંદેશ આપી જાય છે. આજના આપણા નેતાઓ અને ધાર્મિક ગુરુઓ ગળાં ફાડીને પ્રજાને શિખામણ અને ઉપદેશ આપ્યા કરે છે, પરંતુ લોકો તેનો અમલ કેમ કરતા નથી તે સમજવું આ ઉદાહરણ પરથી સહેલું બને છે. આ વાત આજના શિક્ષકો અને માબાપોને પણ એટલીજ લાગુ પડે છે. બાળકો તેમના વડીલો શું કહે છે તેના કરતાં શું કરે છે તેના પર વધુ ધ્યાન આપે છે. તો શિખામણ અને ઉપદેશ આપવાના સ્થાને બેઠેલાઓએ હંમેશા સંત જ્ઞાનેશ્વરને નજર સમક્ષ રાખવા જ રહ્યા.

મને આ પ્રસંગ યાદ આવી ગયો, એટલે મેં પહેલું કામ કર્યું “અંગદાન રજીસ્ટ્રેશન” માટેની વેબસાઈટ પર જઈને મારા શરીરના અંગદાન માટે સંમતિપત્ર ભરવાનું. અંગદાન રજીસ્ટ્રેશન કર્યા પછી મને જે “ડોનર કાર્ડ” મળ્યું છે તે તમારા બધાની જાણ માટે અહી મુકું છું:      

20151012_174132 20151012_174145

મારા શરીરનાં અંગોનું દાન કરવાની સંમતિ માટેનું રજીસ્ટ્રેશન કર્યાં પછી હવે હું અંગદાન વિષે બે બોલ કહેવા માટે યોગ્ય બન્યો છું. તેથી હવે અંગદાન વિષેની જરૂરી માહિતી આપની સમક્ષ રજુ કરું છું.

જો આપને આ માહિતીમાં રસ હોય તો હવે પછીના પ્રકરણ “અંગદાન-શ્રેષ્ઠદાન” પર જવા અહીં ક્લિક કરો. તે પ્રકરણ વાંચ્યા પછી જો તમે પણ અંગદાન કરવાની સંમતિ માટેનું રજીસ્ટ્રેશન કરવા માટે ઇચ્છુક હો, તો તે વેબસાઈટની વિગતો પણ તે પ્રકરણમાં આપેલી છે.

આપની તંદુરસ્તીની શુભકામનાઓ સાથે આ લેખ પૂરો કરું છું.

આ લેખ વિષે આપના પ્રતિભાવો નીચે આપેલ “મારો અભિપ્રાય” કોલમમાં આપવા વિનંતી છે.
હવે પછીના લેખ “અંગદાન-શ્રેષ્ઠદાન” પર જવા અહીં ક્લિક કરો.

 

-સુરેશ ત્રિવેદી 

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s