કબજીયાતનો ક…

 

images (15)

તંદુરસ્તી વિષે લખવાનું નક્કી તો કર્યું, પણ શરૂઆત કયા વિષયથી કરવી તે નક્કી કરવામાં જ મુંઝવણ ઉભી થઇ. છેવટે એમ વિચાર્યું કે ચાલો કક્કાના સૌ પ્રથમ અક્ષર ‘ક’ થી જ શરુ કરીએ.

તો ઘણા બધા લોકોને જેની તકલીફ હોય છે, વળી પાછી દરરોજની તકલીફ હોય છે, આમ એકદમ સામાન્ય રોગ કહેવાય (કદાચ કેટલાક જણ તેને રોગ તરીકે ગણતા પણ નહિ હોય), પરંતુ તેમાંથી બીજા અનેક મોટા રોગ થવાની શક્યતા હોય છે, એવી જનસામાન્ય શારીરિક તકલીફ જો કોઈ હોય તો તે કબજીયાતની તકલીફ છે. તો તંદુરસ્તીને લગતી લેખમાળાની શરૂઆત તેનાથી જ કરું. તો પ્રસ્તુત કરું છું કબજીયાતને કંટ્રોલ કરે તેવી કેટલીક કુદરતી કરામતો:     

૧) આપણી અત્યારની દોડધામ અને ભાગમભાગવાળી તથા સમયના અભાવને લીધે તણાવગ્રસ્ત બનેલી જીવનશૈલીમાં જો સવારના પહોરમાં પેટ સાફ આવી જાય, તો આખો દહાડો સુધરી જાય. તો કબજીયાતની તકલીફથી પીડાતા મિત્રો માટે પહેલું સૂચન છે, સવારમાં એક થી બે ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પીવાનું.

એક અભિપ્રાય મુજબ સવારે બ્રશ કર્યા પહેલાં, એટલેકે વાસી મોં હોય ત્યારે આવી રીતે પાણી પીવાથી મોંમાં રહેલી વાસી લાળ પેટમાં જાય છે. હવે મોંની લાળ ‘ક્ષારિય’ હોય છે અને વાસી લાળ વધારે ક્ષારિય હોવાથી પેટમાં રહેલા ‘એસીડ’ને શાંત કરી વધુ ફાયદો કરે છે. આમછતાં જે કોઈને બ્રશ કર્યા પહેલાં પાણી પીવાનું યોગ્ય લાગતું ના હોય, તેઓ બ્રશ કર્યા પછી પાણી પીવાનું રાખે, તો પણ કંઇ વાંધો નહિ.

યાદ રાખો કે પાણી હૂંફાળું ગરમ હોવું જોઈએ એ પાયાની જરૂરિયાત છે. શરૂઆત એક ગ્લાસ પાણી પીવાથી કરવી અને થોડા દિવસ પછી થોડું થોડું વધારે પાણી લેવાની ટેવ પાડી બે ગ્લાસ પાણી સુધી પહોંચવું.

આટલું પાણી પેટમાં જાય એટલે તેના દબાણથી અને ગરમ પાણીની ગરમીથી આંતરડાં સક્રિય બને છે, જેનાથી તેમાં રહેલો મળ આગળ ધકેલાય છે અને તમને હાજત માટેની સંવેદના થાય છે, એટલે કે શરીર તમને સિગ્નલ આપે છે.

૨) બીજી સલાહ છે હાજત માટેની આ સંવેદના એટલે કે સિગ્નલને ઓળખવાની અને તેને મહત્વ આપી, બીજું બધું કામ છોડી સીધા ટોઇલેટમાં જવાની. કબજીયાતની તકલીફવાળા લોકોએ યાદ રાખવું કે જયારે આપણાં આંતરડાં હાજત માટે તૈયાર થાય, ત્યારે તરત જ હાજત માટે જઈએ, તો પેટ સારી રીતે સાફ થાય છે.

મને યાદ છે કે અમે નાના હતા ત્યારે સવારે ઉઠીને રમવામાં મશગુલ થઇ જઈએ અને ન્હાવાનું કે જમવાનું યાદ પણ ના કરીએ, ત્યારે મારાં બા અમને એક કહેવત ખાસ કહેતાં કે “સો કામ મૂકીને ન્હાવું અને હજાર કામ મૂકીને ખાવું”. હવે આ કહેવતને થોડી લંબાવીને કહું તો “લાખ કામ મૂકીને કુદરતી હાજતે જવું !!”

એક વાત તો માનવી પડશે કે કુદરતે આપણું શરીર એટલું સરસ બનાવ્યું છે કે જો આપણે તેને પૂરેપૂરું ઓળખી લઈએ અને સમજી લઈએ, તો આપણને શારીરિક તકલીફો ભાગ્યેજ થાય. આપણું શરીર તેની દરેક જરૂરિયાત માટે આપણને સિગ્નલ મોકલે છે, જેમકે પેટ ખાલી થાય એટલે આપણને ભૂખ લાગે, શરીરને પાણીની જરૂર પડે એટલે આપણને તરસ લાગે, તે જ રીતે શરીરમાં પ્રવાહી કચરો ભેગો થઇ જાય એટલે આપણને પેશાબ કરવા જવાની જરૂરિયાતનું સિગ્નલ મળે છે અને ઘન કચરો ભેગો થઇ જાય અને આંતરડાં આ કચરો બહાર ફેંકવા તૈયાર થાય ત્યારે આપણને હાજત માટે જવાની જરૂરિયાતનું સિગ્નલ મળે છે. 

એટલે કુદરતી હાજત માટે તમારું શરીર જેવું તમને સિગ્નલ આપે કે તરત જ ટોઇલેટમાં જાઓ. મોટે ભાગે લોકો સવારે છાપું વાંચવામાં, ટીવી કે મોબાઈલ જોવામાં અથવા વાતો કરવામાં એવા મશગુલ થઇ જાય છે કે, શરીરનાં આ સિગ્નલો ઉપર ધ્યાન આપતાં નથી અને પોતાની નવરાશે ટોઇલેટમાં જાય છે, તેથી યોગ્ય પરિણામ મળતું નથી. તો શરીરના આ સિગ્નલને ઓળખો અને તેને તરત જ અનુસરો. 

૩) હવે ત્રીજી ટીપ છે એક્યુપ્રેશરને લગતી. આપણા ચહેરામાં હડપચી કે દાઢીનો જે ભાગ છે તેની બિલકુલ વચ્ચેનું પોઇન્ટ દબાવવાથી પણ આંતરડાં સક્રિય થાય છે. તો જયારે તમે ટોઇલેટમાં બેઠા હો, ત્યારે જ હાથના અંગુઠાથી નીચેની આકૃતિમાં બતાવ્યા મુજબ આ પોઈન્ટ પર સહન થઇ શકે એટલું દબાણ આપો અને ૧૦-૨૦ સેકન્ડમાં જ તમને તેનું રિઝલ્ટ મળશે.

CameraZOOM-20150727195151627-2

૪) અને છેલ્લી ટીપ છે ટોઇલેટના કમોડને લગતી. તાજેતરના રીસર્ચ પ્રમાણે, જો દેશી કમોડનો ઉપયોગ કરીએ તો તેમાં આંતરડાંનો અંતભાગ પુરેપુરો ખુલ્લે છે, જેથી તે સંપૂર્ણ સાફ થઇ શકે છે. જયારે ઉભું કમોડ, એટલે કે વેસ્ટર્ન કમોડના ઉપયોગ વખતે શારીરિક સ્થિતિ મુજબ આંતરડાંનો અંતભાગ દબાયેલો રહે છે, જેથી તે પૂરાં સાફ થઇ શકતાં નથી. તો કબજીયાતની તકલીફવાળા માટે દેશી કમોડનો ઉપયોગ સલાહભર્યો છે.

અત્યારે આધુનિકતાની માંગ પ્રમાણે, પગ તથા ઘૂંટણની તક્લીફોને લીધે અને દેખાવ તથા સ્વચ્છતાની જરૂરિયાત મુજબ વેસ્ટર્ન કમોડ હવે લગભગ દરેક ઘરમાં ફરજીયાત થઇ ગયાં છે. તેથી જો તમારે વેસ્ટર્ન કમોડ જ વાપરવું પડતું હોય અને કબજીયાતની તકલીફ હોય તો તેનો પણ એક ઉપાય છે. પગ નીચે ૧૦ કે ૧૨ ઈંચનું નાનું સ્ટૂલ કે ઉંચો પાટલો મુકવો, જેથી આંતરડાં માટે હાજતને અનુકૂળ એવી શરીરની સ્થિતિ સર્જાશે, જે પેટ સાફ લાવવામાં મદદરૂપ થશે.                     

તો આ હતી કબજીયાતને કાબુમાં લાવે એવી થોડી ટીપ્સ. તમે જોયું હશે કે પ્રથમ પ્રકરણમાં આપેલા વચન પ્રમાણે મેં કોઈ પણ દવાનું સૂચન કર્યું નથી અને ફક્ત કુદરતી ઉપાયો જ બતાવ્યા છે. 

જે લોકોને કબજીયાતની તકલીફ ઘણા વખતથી હોય, તે માટે કોઈ દવા લેતા હોય, જેમનાં આંતરડાં નબળાં પડી ગયાં હોય અથવા બીજા રોગો હોય, તેમણે ધીરજ રાખી ૧૦-૧૫ દિવસ સુધી આ પ્રયોગ ચાલુ રાખવો, તો જરૂર ફાયદો થશે. 

ડિસ્ક્લેમર:આ પેજ અને આ બ્લોગનાં બીજાં બધાં પેજમાં બતાવેલી ટીપ્સનો અમલ નિષ્ણાત ડોક્ટરની સલાહ લીધા પછી તેમજ તેમના માર્ગદર્શન હેઠળ જ કરવો.
તમારો અભિપ્રાય, સલાહ-સૂચન અને અનુભવ અહી "મારો અભિપ્રાય" કોલમમાં બધા સાથે વહેંચશો એવી અપેક્ષા રાખું છું. 
આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “પહેલું સુખ તે .....” પર જવા અહીં ક્લિક કરો. 
આના પછીના લેખ શું તમારા લોહીમાં લોખંડ છે?પર જવા અહીં ક્લિક કરો.

તમારા સુંદર સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ સાથે, 

– સુરેશ ત્રિવેદી 

5 thoughts on “કબજીયાતનો ક…

  1. Sorry, I dont have/ know to use Gujarati fonts so writing this way:
    Kudararti hajat mate ubha page besavani padhdhati ni have paschimi deshoma vaignanik dhorane vichar thai rahyo chhe, je vishe aap vidit hasho.

    Biju, moti ummare hajat mate gani vakhate niyantran nathi rhaetu ke kadach utaval tjai jay chhe, khas karine peshab ni hajat ma. Aa mudde kudarati upachar ke nuskha vishe prakash pado to saaru.

    Like

    1. પ્રતિભાવ માટે આભાર.
      તમારી વાત સાચી છે. હાલ વિદેશોમાં ટોઇલેટમાં બેસવાની આપણી મૂળ સિસ્ટમ લોકપ્રિય થઇ રહી છે.
      તમારા બીજા પ્રશ્ન અંગે મને લાગે છે કે બંને ઉત્સર્ગ કેન્દ્રોના સ્નાયુઓની કસરત ફાયદાકારક નીવડી શકે.

      Like

Leave a reply to Sureshbhai Chimanlal જવાબ રદ કરો