(૫) લોકજીવન

ગામડાના પરંપરાગત મકાનનું દ્રશ્ય
ગામડાની પરંપરાગત ડિઝાઈનવાળા પણ ધાબાવાળા પાકા મકાનનું એક દ્રશ્ય

છેલ્લાં પચાસ વર્ષના ટૂંકા ગાળામાં ગામડાના લોકોની રહેણીકરણી, સાધનસગવડ અને સુખાકારીમાં એટલો બધો સુધારો થયો છે કે આજની મોબીઝન અને નેટીઝન પેઢીને (સિટીમાં રહેનાર સિટીઝન, તે રીતે આખો દિવસ મોબાઈલ ઉપર રહેતા લોકો મોબીઝન અને તે જ રીતે નેટ પર રહેનાર લોકો નેટીઝન) કદાચ કલ્પના પણ નહિ આવે કે તે વખતે ગામડાના લોકોને વીજળી, પાણીના નળ, અનાજ દળવાની ઘંટી અને રસોઈગેસ જેવી આજે મૂળભૂત જરૂરિયાત જેવી લાગતી ચીજો પણ નસીબમાં ન હતી! જયારે આખા ગામમાં એક પણ સાઇકલ ન હતી ત્યારે સ્કૂટર અને બાઈક, ટ્રેકટર અને ટ્રેલર,  મોબાઈલ અને ટેલીફોન, રેડીયો અને ટીવી વિગેરેની તો વાત જ શાની કરવાની. તો તેવા સમયમાં ગામડાનું લોકજીવન કેવું હતું તે હવે જોઈએ.

માણસને જીવવા માટે સૌથી પહેલાં જરૂર પડે હવાની, તે પછી પાણીની અને તે પછી ખોરાકની. કુદરતની મહેરબાનીથી દુનિયાના દરેક જીવોને હજુ સુધી તો હવા એટલેકે ઓક્સિજન જોઈએ તેટલો મળી રહે છે. ભવિષ્યમાં એ રીતે મળશે કે નહી તેનો આધાર ભવિષ્યમાં આપણે પર્યાવરણની કેવી સંભાળ રાખીએ છીએ તેના પર હશે.

પાણીની વાત કરું તો વાવ તાલુકાનાં અન્ય ગામડાં કરતાં માડકા નસીબદાર હતું, કારણકે પીવાનું મીઠું પાણી ગામની નજીક જ તળાવની બાજુમાં આવેલ કૂવામાં બારેમાસ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હતું. જો કે પાણી કૂવામાંથી સિંચીને ભરવું પડતું અને પછી માથા પર ઊંચકીને ઘેર લાવવું પડતું. ગામની સ્ત્રીઓ બે ઘડા લઈને પાણી લેવા જાય જેને “પાણી ભરવા જવું” અથવા “બેડું (બે ઘડા માટે) ભરવા જવું” એમ કહેવાય. તે સમયે પાણી લાવવા અને સંગ્રહ કરવા પિત્તળનાં વાસણ વપરાતાં, કારણકે સ્ટીલ અને પ્લાસ્ટિકનો વપરાશ હજુ ચાલુ થયો નહોતો. દોઢ થી બે ડોલ પાણી સમાય તેવું મોટું વાસણ “દેગડું”, એક ડોલ પાણી સમાય તેવું મધ્યમ કદનું વાસણ “ગુણિયો” અને અડધી ડોલ પાણી સમાય તેવું નાનું વાસણ “વટલોઈ” કહેવાય.

સ્ત્રીઓ પોતપોતાની શક્તિ મુજબ આવાં બે વાસણની સાથે પતરાની ડોલ અને રાંઢવું (સુતરનું જાડું દોરડું) લઈને કુવે જતી અને ૧૫ થી ૨૦ ફૂટ ઊંડા કૂવામાંથી ડોલની મદદથી પાણી બહાર કાઢતી, જેને “પાણી સિંચવું” એમ કહેવાય. કૂવાની ફરતે બે-ત્રણ ફૂટ ઉંચી અને માંડ એક ફૂટની પહોળાઈવાળી વંડી જેવી દીવાલ ઉપર ઊભા રહીને કૂવામાંથી પાણી સિંચતી પનિહારીઓ મને હમેશાં બહાદુર લાગી છે, કારણકે આવા ઊંડા કૂવાની વંડી ઉપર ખાલી ઉભા રહેવાથી પણ કૂવામાં પડી જવાશે તેવી બીક લાગતી હોય છે. તે જ રીતે માથા પર ઈંઢોણી મૂકીને તેના પર પાણી ભરેલા બે ઘડા ઉપરાંત ક્યારેક કાખમાં પાણી ભરેલું ત્રીજું વાસણ કે નાનું છોકરું તેડીને આસાનીથી સખીઓ સાથે ગપસપ કરતી ચાલી જતી પનિહારીઓ એ ગામડામાં જોવા મળતું સામાન્ય દ્રશ્ય હતું. છુટ્ટા હાથે માથે આટલું વજન લઈને ચાલવું એ કેટલું કુશળતા માગી લે એવું કાર્ય છે, તે તો તમે આવો પ્રયત્ન કરો ત્યારે જ ખ્યાલ આવે. આવી કુશળતા પ્રાપ્ત થાય એટલા માટે છોકરીઓને છ-સાત વર્ષની હોય ત્યારથી જ માતાઓ તેમને માથે નાનાં વાસણ મુકાવી પાણી ભરવા સાથે લઇ જઈ પ્રેક્ટિસ કરાવતી.

અત્યારે મોટેભાગે દરેક ઘરમાં પાણીના નળ આવી ગયા છે તથા પાણીની મોટરની સગવડ પણ હોવાથી ધાબા ઉપર પાણીની ટાંકી મૂકી ઘરમાં ચોવીસ કલાક પાણી મળે તેવી વ્યવસ્થા ઘણી જગ્યાએ થઇ ગઈ છે. પાણીનું કનેક્શન ન લઇ શકે તેવા ગરીબ વર્ગ માટે પણ જાહેર નળની વ્યવસ્થા નજીકની જગ્યાએ હોય છે. જેથી સ્ત્રીઓને પાણી ભરવા જવાના શારીરિક શ્રમમાં ઘણી રાહત થઇ છે, જે એક આનંદદાયક સુધારો ગણી શકાય.

પાણી પછીની જરૂરિયાત ખોરાક, જે તૈયાર કરવા માટે બે અગત્યની ચીજો છે બળતણ અને લોટ. આ બંને મેળવવા માટે પણ તે વખતે સ્ત્રીઓએ ઘણો શારીરિક શ્રમ કરવો પડતો હતો. રસોઈનો ગેસ (એલ પી જી) તે વખતે મોટા શહેરમાં પણ ઘણી મુશ્કેલીથી મળતો એટલે ગામડામાં તો તેનો સવાલ જ ન હતો. કેરોસીન પણ છૂટથી ઉપલબ્ધ ન હતું વળી તે મોંઘુ બળતણ ગણાતું. તેથી રસોઈ માટે લાકડાં અને છાણાંનો ઉપયોગ થતો, જે સહેલાઇથી મળતું સસ્તું બળતણ હતું. સ્ત્રીઓ માથે વાંસનો ટોપલો લઈને સીમમાં લાકડાં વીણવા જતી, જેને “જાળું કરવા જવું” તેમ કહેવાય. ઉપરાંત ગામનું ખાંડું (ગાય-ભેંશ જેવાં પશુઓનું ટોળું) જ્યાં ચરતું હોય ત્યાંથી છાણ અને અડીયાં છાણાં એકઠાં કરતી. છાણમાં સૂકું ઘાસ ભેળવીને છાણાં થાપવામાં આવતાં, જે ધીમા તાપે થતી રસોઈ માટે ઘણાં ઉપયોગી હતાં. આ રીતે જાતમહેનત કરો તો બળતણ માટે કોઈ ખાસ ખર્ચ કરવો ન પડતો. જોકે ગામના સુખીવર્ગ માટે ગરીબ સ્ત્રીઓ લાકડાંના ભારા માથે ઊંચકીને વેચવા માટે આવતી. ઉપરાંત ચા બનાવવા જેવા નાના કામ માટે ગામનો સુખીવર્ગ કેરોસીનથી ધમધમાટ અવાજ સાથે ચાલતા સ્ટવ પણ વાપરતો.

સ્ટવના ઉલ્લેખથી યાદ આવ્યું કે સ્ટવ તે વખતે પ્રાઈમસ તરીકે ઓળખાતા. ખરેખર તો “પ્રાઈમસ” એ સ્ટવ બનાવનાર કંપનીનું નામ છે. પણ તેનું બ્રાન્ડનેમ એટલું લોકપ્રિય બન્યું કે પ્રોડ્કટ કંપનીના નામથી જ ઓળખવા લાગી. અત્યારે “કોલગેટ” શબ્દ પણ એટલો પ્રખ્યાત થયો છે કે ગામડામાં તો તે “ટૂથપેસ્ટ” ના પર્યાય તરીકે વપરાવા લાગ્યો છે. હમણાં અમારા ગામમાં એક દુકાને હું બેઠો હતો, ત્યારે પણ આવુંજ બન્યું. એક ગ્રાહકે કહ્યું: એક ક્લોઝઅપની કોલગેટ આપો. દુકાનદાર પણ એવો જ હતો. તેણે જવાબ આપ્યો: ક્લોઝઅપની કોલગેટ તો ખલાસ થઇ ગઈ છે. આ પ્રોમિસની કોલગેટ લઇ જાઓ.

જેમ બળતણ એકઠું કરવામાં શારીરિક શ્રમ કરવો પડે, તેમ ચૂલા પર લાકડાં અને છાણાંના ઉપયોગથી રસોઈ બનાવવામાં પણ ઘણી મહેનત અને માથાકૂટ હોય છે. જો રસોઈ બનાવનાર અનુભવી ન હોય તો ચૂલાનો તાપ જો વધી જાય તો રસોઈ બળી જાય અને જો ચૂલો ઠરી જાય તો રસોઈ જલ્દી બને નહી. ઉપરાંત પવન હોય તો તાપ વાસણને બરાબર લાગે નહિ. ચોમાસામાં લાકડાં ભેજવાળાં હોય તો જલ્દી સળગે નહિ તથા ધુમાડો ઘણો કરે. આગ ઓલવાઈ જાય ત્યારે ફૂંકો મારીને આગ પેટાવવી પડે, પણ ફૂંક મારવાની આવડત ન હોય તો ચૂલાની રાખ આંખમાં કે રસોઈના વાસણમાં પડે. અત્યારે મોટેભાગે દરેક ઘરમાં રસોઈનો ગેસ અથવા સ્ટવની સગવડ થઇ ગઈ છે.  જેથી સ્ત્રીઓને બળતણ લેવા જવાના શારીરિક શ્રમ અને ચૂલા પર રાંધવાની મહેનત અને માથાકૂટમાંથી છુટકારો મળ્યો છે.

તે વખતે અનાજ દળવાનું કામ પણ સ્ત્રીઓએ પથ્થરની ઘંટી હાથથી ફેરવીને કરવું પડતું. તેથી ગામડામાં વહેલી સવારે ઘંટીનો ઘમઘમ અવાજ દરેક ઘરમાં ગુંજતો રહેતો. ડીઝલથી ચાલતી અનાજ દળવાની ઘંટી નવીનવી શરુ થયેલી, પણ તેમાં લોટ ઘણો ગરમ થઇ જતો થતો હોવાથી અનાજનાં પોષકતત્વોનો નાશ થાય છે તેમ માનવામાં આવતું. ઉપરાંત માણસમાં નવી વસ્તુ કે નવી વિચારસરણી જલ્દી અપનાવવાની માનસિકતા હોતી નથી.

જયારે અમદાવાદ શહેરમાં રસોઈનો ગેસ મળવાની શરૂઆત થઇ ત્યારે તેનો પણ લોકોએ જલ્દી સ્વીકાર કર્યો નહોતો. લોકો એમ માનતા કે ગેસ પર રસોઈ કરવાથી “ગેસ” (વાયુ -પાચનની તકલીફ) થઇ જાય. ગેસની એજન્સીના સેલ્સમેનોની ઘણી સમજાવટ પછી પણ લોકો ગેસનું કનેક્શન લેવા તૈયાર ન હતા. છેવટે થોડા સમય પછી ગેસની ઉપયોગિતા સમજયા અને અનુભવ્યા પછી લોકોએ ગેસનું કનેક્શન લેવા પડાપડી કરી, જેથી ગેસનું કનેક્શન મળવું દુર્લભ થઇ ગયું હતું. તે જ રીતે સમયની સાથે લોટ દળવાની ઘંટી જેને લોકો “ચક્કી’ કહેતા તે પણ સ્વીકાર્ય બની અને સ્ત્રીઓને અનાજ દળવાના શારીરિક શ્રમથી પણ છુટકારો મળ્યો.

વીજળી હજુ આખા વાવ તાલુકામાં ક્યાંય પહોંચી ન હતી, તેથી રાત્રે પ્રકાશ માટે લોકો કેરોસીનથી ચાલતું ફાનસ વાપરતા. ગામના મુખ્ય રસ્તાઓ પર ગ્રામપંચાયત દ્વારા રાત્રે ફાનસ લટકાવવામાં આવતાં અને સમયની સાથે તેની જગ્યાએ પેટ્રોમેક્ષ આવ્યાં. સુખીવર્ગ પાસે ટોર્ચ પણ હતી, જે ફક્ત એવરેડી કંપનીની જ આવતી. ફાનસ મર્યાદીત પ્રકાશ આપતાં હોવાથી અને રાત્રે કૂતરા અને સાપ કે વીંછી જેવાં ઝેરી જંતુઓ કરડવાનો ભય પણ રહેતો હોવાથી લોકોને સાંજે વહેલા જમી લઇ વહેલા ઊંઘી જવાની ટેવ હતી. એટલે રાત્રે આઠ વાગ્યા પછી તો ગામમાં સોપો પડી જાય.

ગામની બજારની વાત કરું તો જે પંદરેક દુકાનો હતી તેમાં કાપડ અને કરિયાણું (પ્રોવિઝન સ્ટોર) એમ બે જ જાતની દુકાનો હતી. કરિયાણાવાળા કટલેરી, સ્ટેશનરી વિગેરેની નાની ચીજો પણ રાખે. તેના સિવાય કોઈ પણ વસ્તુ લેવી હોય તો બાજુના મોટા ગામ વાવ જવું પડે. કાપડની દુકાનોમાં મોટેભાગે ગામઠી કાપડ જ મળતું, જે “હાથ” ના માપથી વેચાતું, એટલેકે વેપારી તેની કોણીથી આંગળી સુધીનું માપ “એક હાથ” ગણીને કાપડ માપીને વેચતો. જોકે ફેન્સી કાપડ માટે “વાર” નું માપ હતું, જેની જગ્યાએ પાછળથી મેટ્રિક પદ્ધતિ પ્રમાણે “મીટર” નું માપ અમલમાં આવ્યું.   

કપડાં સીવડાવવા માટે દરજી ઘેર બેસાડવામાં આવતો, એટલેકે દરજી તેનો સંચો લઈને આપણે ઘેર આવી જાય અને આખો દિવસ બેસીને ઘરના બધા સભ્યોનાં કપડાં સીવવાનું તથા રિપેરિંગનું કામ કરી આપે. બદલામાં તેણે જેટલા દિવસ કામ કર્યું હોય તે “રોજ” મુજબ મહેનતાણું તથા એક ટંક જમવાનું તેને મળે. આમ તે વખતે આજની જેમ કપડા દીઠ સિલાઈ ચાર્જ નહોતો. જોકે તે વખતે લોકો સાદાં કપડાં પહેરતા અને ડિઝાઈન કે ફીટીંગની ખાસ ઝંઝટ ન હતી. તેથી અત્યારે કપડાં સીવતાં પહેલાં દરજી આપણા શરીરનું આઠ દસ જાતનું માપ લે છે, તેવી માથાકૂટ પણ નહતી. દરજી પોતાની નજરથી જ જે તે સભ્યના માપનો અંદાજ લઈને કપડાં સીવી નાખતો.

ઘણાં વર્ષો પછીની એક વાત યાદ આવે છે. હું એકવાર દરજીની દુકાને બેઠો હતો, ત્યાં એક વડીલ તેમના દીકરા માટે લેંઘો સીવડાવવા આવ્યા. દરજીએ પૂછ્યું કે છોકરો કેવડો છે. તો વડીલે રસ્તામાં ચાલ્યો જતો કોઈ એક છોકરો બતાવી કહ્યું કે પેલો છોકરો જાય છે, તેના જેવડો છે. દરજીએ કહ્યું: સારું, બે દિવસ પછી લેંઘો લઇ જજો. મને ઘણું આશ્ચર્ય થયેલું કે વ્યક્તિના શરીરનું કોઈ જાતનું માપ લીધા સિવાય તેનાં કપડાં કઈ રીતે બનાવાય, પણ દરજી માટે તો આ રોજની વાત હતી.

કપડાં સીવવા માટે જેમ દરજી ઘેર આવે તેમ હજામત માટે પણ વાળંદ ઘેર આવીને વાળ કાપવાનું કે દાઢી કરવાનું કામ કરી આપે. તેની પેટીમાં કાતર, કાંસકો, અસ્તરો અને એમરી પથ્થર એ ચાર વસ્તુઓ જ રહેતી. અત્યારે બ્લેડ નાખી શકાય છે તેવા અસ્તરા તે વખતે નહોતા, એટલે જેમ સુથાર તેનાં ઓજારને એમરી પથ્થર પર ઘસીને ધાર કાઢે છે, તેમ વાળંદને પણ પહેલાં અસ્તરાને ઘસીને ધાર કાઢવી પડતી.     

તે વખતે બાજુના મોટા ગામ વાવમાં હેર કટિંગ સલુનની સગવડ હતી, જ્યાં લાકડાની ઉંચી ખુરશીમાં બેસવાનું, વળી સામે અરીસો હોય અને વાળંદ હાથથી ચાલતા મશીનથી વાળ કાપે તે બધું અમને ઘણું આકર્ષક લાગતું. તેથી અમે “મશીન કટ” વાળ કપાવવા વાવ જવાની જીદ કરતા. વર્ષો પછી અમદાવાદ જવાનું થયું, ત્યારે ખબર પડી કે “મશીન કટ” વાળ હોય તે તો ગામડિયા ગણાય. કારણકે ફેશન તો “કેંચી કટ” વાળની હતી. આમ અમારો વાળંદ કાતરથી વાળ કાપતો, તે જ નવી ફેશન હતી, પણ અમને તેની જાણ હતી નહીં, તેથી તેની કિંમત નહોતી.

માણસને પણ કંઇક આવુંજ થયું છે. પોતાની પાસે જે હોય અથવા આસાનીથી મળતું હોય તેની કિંમત હોતી નથી. માણસ પાસે યુવાનીમાં સારી તબિયત, કુટુંબનો પ્રેમ, અન્ય સગાંવહાલાં તથા મિત્રો સાથે સંબંધ વિગેરે બધુંજ હોય છે. પરંતુ પૈસા કમાવવા માટે આંધળી ભાગદોડ કરતો હોવાથી યુવાનીનાં ઉત્તમ વર્ષો દરમ્યાન જિંદગીનો આનંદ માણતો નથી અને જયારે પ્રૌઢ વયે એકઠા કરેલા પૈસાથી આનંદ લેવાનો પ્રયત્ન કરે છે, ત્યારે ખ્યાલ આવે છે કે હવે તંદુરસ્તી સારી ન હોવાથી ખાવાપીવાનો કે હરવાફરવાનો આનંદ લઇ શકાય તેમ નથી, કુટુંબ અને સંતાનોને પુરતો સમય આપ્યો ન હોવાથી આજે તેમની પાસે પણ સમય નથી, સગાવહાલા અને મિત્રો સાથે વર્ષોથી સારો સંબંધ રાખ્યો ન હોવાથી સામાજીક આનંદ લઇ શકાય તેમ નથી તેમજ માતાપિતા અને અન્ય વડીલો હયાત ન હોવાથી તેમના આશીર્વાદનો લાભ પણ મળે તેમ નથી.

હવે મૂળ વાત ઉપર આવીએ. ગામની બજારમાં અગાઉ જણાવ્યું તે મુજબ ગામઠી કાપડ અને કરિયાણા સિવાય કોઈ વસ્તુ મળતી નહી. નાસ્તો કરવાની ઈચ્છા થાય તો બે જ ચીજ મળે, ફોફાં (મગફળી) અને ગોળ. ચવાણું, વેફર, બિસ્કીટ કે ચોકલેટ પણ ન મળતાં, ત્યારે સમોસા, કચોરી કે પાણીપુરીની તો વાત જ ક્યાં કરવી. બસ ફોફાં ફોલતાં જવાનું (કારણકે ફોલેલા સીંગદાણા પણ ન મળતા) અને ગોળ સાથે સીંગદાણા ખાધે રાખવાના. ભલે નાસ્તાની વિવિધતા નહોતી, પણ આ નાસ્તો પૌષ્ટિક અને સ્વાદિષ્ટ તો હતો જ. અત્યારેય મુંબઈમાં ચોપાટી અને જુહુ બીચ ઉપર લોકો ગરમ રેતી ઉપર શેકેલાં મગફળી જાતે ફોલીને સીંગદાણા ખાવાની મોજ માણતા જોવા મળે જ છે ને.

ન્હાવા માટેનો સાબુ તો બાજુના મોટા ગામ વાવમાં પણ મળતો નહી, તો શેમ્પુ, ક્રીમ, પાવડર વિગેરેનો તો સવાલ જ ન હોયને. કપડાં ધોવા માટે પણ “નાણાવટી” કંપનીના સાબુ સિવાય બીજો કોઈ સાબુ ન મળે. તેથી આ કપડાં ધોવાના સાબુથી જ ન્હાવા અને ધોવાનું બધું કામ થાય અને દાઢી કરવામાં પણ આ જ સાબુ વપરાય. સ્ત્રીઓ વાળ ધોવા માટે છાશનો ઉપયોગ કરતી, જે કદાચ વાળની સ્વચ્છતા અને સંભાળ માટે આજનાં જાતભાતનાં શેમ્પુ કરતાં વધારે ફાયદાકારક છે, પરંતુ જાહેરખબરોનો મારો ચલાવીને સાબુ અને શેમ્પુઓએ હવે અજેય સામ્રાજ્ય સ્થાપી દીધું છે. ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ તે વખતે ગામડામાં પહોંચ્યા નહોતા, પણ બાવળનાં દાતણ જોઈએ એટલાં મળતાં અને તે પણ લગભગ મફતના ભાવે. એટલે બધાજ લોકો સવારે દાતણથી જ દાંતની સફાઈ કરતા.

કરિયાણું કે શાકભાજી લેવા જાઓ તો કપડાની થેલી કે વાસણ સાથે લઈને જ જવાનું, કારણકે પ્લાસ્ટિકનાં ઝભલાં હજુ આવ્યાં નહોતાં અને કાગળની થેલી વેપારી રાખતા નહી. ખરેખર તો આ પર્યાવરણલક્ષી (ઈકોફ્રેન્ડલી) વ્યવસ્થા હતી, કારણકે અત્યારે એક-બે રૂપિયાની વસ્તુ ખરીદે તો પણ લોકો ઝભલું માંગે છે અને પછી ઘેર આવીને ઢગલો પ્લાસ્ટીકની થેલીઓ કચરાપેટીમાં નાખે છે, જેનો નિકાલ કરવો એ દરેક પ્રશાસન માટે માથાનો દુખાવો છે.

અત્યારે અમેરિકા જેવા વિકસિત દેશ પણ પ્લાસ્ટીકના નિકાલના પ્રશ્નથી ચિંતિત છે. મોટે ઉપાડે તેમણે “યુઝ એન્ડ થ્રો” ની નીતિ અપનાવીને કન્ઝ્યુમર ઇન્ડસ્ટ્રીઝનો ઝડપી વિકાસ તો સાધી લીધો, પણ હવે નાગરિકોએ “થ્રો” કરેલી ચીજોના ડુંગર ખડકાયા છે ત્યારે તેનું શું કરવું તે મુદ્દે બધા મૂંઝાયા છે. તેથી હવે “રીડ્યુસ, રીયુઝ અને રીસાયકલ” અર્થાત્ “ઉપયોગ ઘટાડો, ફરી વાપરો અને ફરી ઉપયોગી બનાવો” ની નીતિ અપનાવવી પડી છે. આપણે પણ તેમના અનુભવમાંથી પ્રેરણા લઈને “રીડ્યુસ, રીયુઝ અને રીસાયકલ” નો અમલ કરીશું તો આપણા દેશની આર્થિક સ્થિતિને તેમજ વિશ્વના પર્યાવરણને મોટો ફાયદો થશે.

વાહનવ્યવહારની વાત કરું તો તે વખતે વાવ તાલુકામાં પાકી સડકની (ડામરના રોડની) સગવડ બહુ ઓછી હતી. વાવ તાલુકો રાજ્યનો છેવાડાનો તાલુકો છે અને તેની પશ્ચિમ દિશામાં કચ્છનું રણ આવેલું હોવાથી તે દિશામાં ખાસ અવરજવર નથી. એટલે પૂર્વ દિશામાં આવેલ થરાદ અને દિઓદર તાલુકાને અમારા મુખ્ય મથક વાવ સાથે જોડતી પૂરા તાલુકામાં માંડ ૫૦ કિમી લાંબી પાકી સડક તે વખતે હતી, જે થરાદથી વાવ, ત્યાંથી સુઈગામ થઈને દીઓદર તાલુકાના ભાભર સુધી જતી હતી. આ રૂટ ઉપર આવતાં લગભગ પંદરેક ગામો સિવાયનાં તાલુકાનાં બાકીનાં બધાં ગામ, એટલેકે કુલ ૧૨૧ માંથી લગભગ ૧૦૬ ગામ (અર્થાત્ ૮૮% ગામ) તે વખતે પાકી સડકની સગવડવિહોણાં હતાં, જેમાં માડકાનો પણ સમાવેશ થતો હતો. જોકે વાવ અને ભાભરને જોડતો એક ટૂંકો ધૂળિયો રસ્તો હતો, જે માડકા થઈને પસાર થતો અને તેના પર સવારે એસટી ની એક બસ વાવ તરફ અને બીજી બસ ભાભર તરફ જાય અને સાંજે બંને બસ પરત આવે, એટલીજ વાહનવ્યવહારની સગવડ. બાકી જીપ, છકડા કે રિક્ષા એવાં કોઈ વાહન તે વખતે હતાં નહી. વળી કાચો રસ્તો હોવાથી ચોમાસામાં તો બસ પણ બંધ થઇ જાય. આથી બહારગામ જવા માટે લોકો ઘોડો, ઊંટ અને બળદગાડું જેવાં વાહનોનો ઉપયોગ કરતા.

ગામનું બસસ્ટેન્ડ એટલે ગામના ગોંદરે ઝૂંપડી જેવા છાપરામાં ચાલતી ગામની એકમાત્ર ચાની કીટલીની જગ્યા, પરંતુ ચોતરફ મોટા મેદાન જેવી ખુલ્લી જગ્યા, બાજુમાં પીપળાનાં બે મોટાં વૃક્ષો, પાછળના ભાગમાં નાનુસરખું તળાવ અને તેને કિનારે એક ઘેઘુર વડલાનું વૃક્ષ અને આજુબાજુ નાનાંમોટાં અન્ય વૃક્ષોને લીધે રળિયામણી જગ્યા હતી.  વડલાનું વૃક્ષ તો એટલું વિશાળ હતું કે તેની વડવાઈઓ પણ એક વૃક્ષ જેવી હતી. તાજેતરમાં માડકા જવાનું થયું ત્યારે મારે મન માડકાની ઓળખ સમું વડલાનું આ વૃક્ષ હવે રહ્યું નથી, તે જાણી મન ખાટું થઇ ગયું.  

આ રૂટ ઉપરનાં બીજાં ગામોમાં તો આવી ચાની કીટલીની સગવડ પણ નહોતી, આથી માડકા તે રૂટનું અગત્યનું સ્ટેન્ડ ગણાતું. પાછા ડ્રાઈવર અને કંડકટર ચા પીવા નીચે ઉતરે, એટલે બસ થોડીવાર રોકાતી. એટલે કોઈ પેસેન્જર બસનો અવાજ સાંભળીને પછી ઘેરથી નીકળે તો પણ બસ ચૂકી ન જવાય. વળી ડ્રાઈવર અને કંડકટર આસપાસના વિસ્તારના જ વતની હોય અને દરરોજ એકજ રૂટ પર આવતા હોવાથી લોકો તેમણે સારી રીતે ઓળખતા હોય, એટલે જરૂર પડે તો બસને થોડી વધારે રોકી પણ રાખે. ઉપરાંત છાપું લાવવાનું અને ચિઠ્ઠીચપાટી કે નાનુંમોટું સંપેતરું લાવવા-લઇ જવાનું કામ પણ ડ્રાઈવર અને કંડકટર જ કરતા. બીજા કોઈ વાહનની સગવડ ન હોવાથી ડ્રાઈવર અને કંડકટરને દરેક ગામમાં ખાસ મહત્વ અને માન મળતું.

તે વખતે બસના સમય જાળવવાનું ખાસ મહત્વ નહોતું. એક તો એક્સપ્રેસ રૂટમાંથી નિવૃત થયેલી બસ પાકી સડકના રૂટ પર મુકે અને ત્યાંથી પણ નિવૃત થાય એટલે તેને કાચા રસ્તાવાળા રૂટ ઉપર મુકે. એટલે જૂની ઠાઠીયા જેવી બસ હોય, એંજીન બંધ કરી નાખે તો પછી બસને ધક્કા માર્યા વગર એંજીન ચાલુ જ ન થાય એવી બેટરી હોય, ઉપરથી ધૂળિયા કાચા રસ્તા. કદાચ ડ્રાઈવર પ્રયત્ન કરે તો પણ સમય સાચવી ન શકે. લોકો પણ એવા ટેવાઈ ગયા હતા કે બસ એકાદ કલાક મોડી પડે તો પણ એ વાતની ખુશી મનાવે કે છેવટે બસ આવી તો ખરી ! કારણકે મહિનામાં બે ચાર દિવસ તો બસ બગડી છે એટલે આવી નથી એવું બનતું જ હોય. અમારે ક્યારેક વાવ જવાનું હોય ત્યારે બસની રાહ જોઇને થાકીએ એટલે કોઈ છોકરાને પીપળાના ઝાડ પર ચડીને જોવાનું કહીએ કે જોને ભાઈ, બસ આવતી દેખાય છે કે નહી. એ છોકરાને દૂર ધૂળ ઉડતી દેખાય એટલે ખબર પડે કે હવે બસ આવી રહી છે.        

અને બસ આવે ત્યારે કેવી હોય! એક તો જૂની ભંગાર બસ જેની બારીઓમાં કાચ કે પડદા હોય કે ન પણ હોય, સીટો ફાટેલી તૂટેલી હોય, બસ બહારથી તેમજ અંદરથી પણ ગંદી ગોબરી હોય, ખખડી ગયેલી બસના બધાજ પુર્જા કાન ફાડી નાખે તેવો ખડખડાટ કરતા હોય, લોકો તો ઠીક ડ્રાઈવર અને કંડકટર પણ બીડીઓ ફૂંકતા હોય અને ગિરદી તો એટલી હોય કે ડ્રાઈવરની કેબીનમાં પણ ચાર પાંચ માણસો ચડી બેઠાં હોય, કાચા ધૂળિયા રસ્તા પરથી ધૂળના ગોટા અંદર આવતા જતા હોય અને ક્યારેક રસ્તાની બંને બાજુ ઉગેલા ગાંડા બાવળની ડાળીઓના કાંટા બારીમાંથી ગાલ પર ઘસરકો કરી જતા હોય. વળી એકબાજુ મુસાફરો પોતાના પાંચ વર્ષના છોકરાને ત્રણ વર્ષથી નાનો હોવાનું ગણાવી ટિકિટ ન લેવાની માથાકૂટ કરતા હોય તો બીજીબાજુ કોઈ સ્ત્રી ત્રણની સીટ ઉપર પોતાનાં કપડાં ફેલાવીને એકલી એ રીતે બેઠી હોય કે બીજું કોઈ બાજુમાં બેસી ન શકે.

આમછતાં બાળપણમાં અમને બસની મુસાફરી એટલી ગમતી કે આવી અગવડની તો કંઈ પડી જ નહોતી અને બસમાં બારી પાસે બેસવા મળે તો જાણે કે સ્વર્ગનું સુખ મળી ગયું. બારીમાંથી નજીકનાં ઝાડવાં અને ખેતર પાછળ દોડ્યે જતાં હોય અને દૂરનાં ખેતર, ઝાડ અને વાદળાં બસની સાથે આગળ દોડતાં હોય એ જોવામાં એવા તલ્લીન થતા કે ક્યારે ઉતરવાનું આવી જાય તે પણ ખબર ન પડતી.

ગામના બજાર માટે જરૂરી માલસામાન ટ્રક મારફત આવતો, જેને લોકો “ખટારો” કહેતા. દસ પંદર દિવસે ખટારો ગામમાં આવે અને કાપડ તથા કરિયાણાની વસ્તુઓ ગામમાં ઉતારે અને ગામમાંથી અનાજની બોરીઓ ભરી જાય. તે વખતે ગામમાં વાહન બહુ ઓછાં આવતાં, તેથી ગમે તે વાહન ગામમાં આવે, અમે બાલમિત્રો તે વાહન, માલસામાન ઉતારવા અને ચડાવવાની પ્રક્રિયા વિગેરે જોવા માટે ભેગા થઇ જતા.

પાકા રસ્તા અને વાહનવ્યવહારની સારી સગવડ ન હોવાથી લીલાં શાકભાજી, ફળફળાદિ જેવી જલ્દી બગડી જાય તેવી ચીજો બહારગામથી મંગાવવી શક્ય ન હતી, તેથી ગામની આજુબાજુના વિસ્તારમાં પાકતી ચીજોથી જ ચલાવી લેવું પડતું. આથી કોબી, ફલાવર, પરવળ, વટાણા, જેવાં શાક મળતાં નહિ, પરંતુ ગામની વાડીઓમાં રીંગણ, ટામેટાં, ચોળાફળી, ગવારફળી, વાલોળ, કાકડી, દુધી, ભાજીઓ, મૂળા, મોગરી, લીલી ડુંગળી, લીલાં મરચાં, કાળેગાં, કંકોડાં, કારેલાં, કોઠેંબા જેવાં શાકભાજી થતાં. જોકે આ બધાં શાક ફક્ત જે તે શાકની સિઝન દરમ્યાન જ મળતાં, તેથી શાકભાજીમાં બટાકા અને ડુંગળીનો વપરાશ વધારે હતો. ઉપરાંત થોડા વિકલ્પો પણ શોધી કાઢવામાં આવ્યા હતા. જેમકે ગવારફળી, કાળેગાં, કોઠેંબા જેવાં શાકની સુકવણી સિઝન દરમ્યાન કરવામાં આવતી, જે આખું વર્ષ શાક બનાવવામાં કામ આવતી. ઉપરાંત કઠોળનો શાક બનાવવામાં વધારે ઉપયોગ થતો અને ચોળાની વડીઓ તથા મગનાં પાપડનો પણ શાક બનાવવામાં ઉપયોગ થતો.

વાહનવ્યવહારની વાત નીકળી છે તો એક વાતની નોંધ લેવાનું મન થાય છે. વાવ તાલુકો સરહદી તાલુકો છે. બાજુના થોડા રણપ્રદેશ પછી તરત જ પાડોશી દેશ પાકિસ્તાનની હદ શરુ થાય છે. તેથી આ વિસ્તારમાં સંરક્ષણની દ્રષ્ટિએ લશ્કરની ઝડપી હેરફેર માટે સારા રસ્તા અને રેલ્વેલાઈન હોવી આવશ્યક છે. અત્યારે વાયબ્રન્ટ ગુજરાત સરકાર દ્વારા આ તાલુકામાં પાકા રસ્તાનું સારું માળખું તો તૈયાર થઇ ગયું છે પરંતુ દુખની વાત તો એ છે કે આઝાદી પછીના સાત દાયકા જેટલા સમય પછી પણ હજુ સુધી વાવ અને થરાદ તાલુકામાં રેલ્વે આવી નથી. કદાચ મજબૂત અને દૂરંદેશી સ્થાનિક રાજકીય નેતાગીરીના અભાવે અને લોકોમાં વિકાસ પ્રત્યે જાગરૂકતાની ખામી હોવાથી આવું બન્યું હશે, પણ વાવ તાલુકાના પછાત રહેવા માટે રેલ્વેનો અભાવ એક મોટું પરિબળ રહ્યું છે તેમ મારું માનવું છે.

પંચામૃત : આપણે એવી પ્રજા છીએ કે આખો દિવસ દેશમાં લાંચરૂસ્વત વધી ગઈ છે તેનો બળાપો કર્યાં કરીએ છીએ, પણ જયારે ટ્રાફિક પોલીસ આપણને નિયમભંગ માટે પકડે છે, ત્યારે તરતજ ખિસ્સામાંથી ૧૦ કે ૨૦ ની નોટ કાઢીને લાંચ આપવાનો પ્રયત્ન કરીએ છીએ.
Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s